VADODARA : મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખાનગી છોડીને સરકારી શાળામાં પ્રવેશ માટે સંમત
- સરકારી શાળા તરફ માતા-પિતાનો ઝુકાવ વધ્યો
- વેકેશનમાં સમિતિના શિક્ષકોના પ્રયત્નો ફળ્યા
- સરકારી શાળામાં ભણાવવાથી વાલીઓ પર ફી નું ભારણ ઘટે
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (NAGAR PRATHMIK SIKSHAN SAMITI) દ્વારા કરવામાં કરવામાં આવેલા સરવેના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું કે, 2600 જેટલા વિદ્યાર્થીઓએ નવા સત્રમાં ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવવા સંમત થયા છે. જે શિક્ષણ સમિતિના પ્રયાસોની સફળતા માનવામાં આવી રહી છે. આ વર્ષે બાલવાટીમાં 4770 થી વધુ વિદ્યાર્થીઓનો પ્રવેશ નોંધાયો છે. જે ગત વર્ષ કરતા 700 થી વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સરકારી શાળાઓ સ્માર્ટ, હાઇટેક અને ગુણવત્તા વાળું શિક્ષણ આપી રહી છે
સામાન્ય રીતે સંતાનના શિક્ષણ માટે સરકારી શાળાઓ માતા-પિતાના લિસ્ટમાં છેલ્લે સ્થાન ધરાવે છે. પરંતુ સમય જતા આ માનસિકતા બદલાઇ છે. હવે ધીરે ધીરે સરકારી શાળા તરફ માતા-પિતાનો ઝુકાવ વધ્યો હોવાનું સામે આવી રહ્યું છે. સરકારી શાળાઓ સ્માર્ટ, હાઇટેક અને ગુણવત્તા વાળું શિક્ષણ આપી રહી છે. જેથી માતા-પિતા ખાનગી છોડીને સરકારી શાળામાં સંતાનોનું એડમિશન મેળવવા સંમત થઇ રહ્યા છે. બીજી તરફ ખાનગી શાળા જેવી મોટા ભાગની ભણતરની સુવિધાઓ સરકારી શાળામાં મળી રહે તેમ હોવાથી વાલીઓ ખાનગી શાળાને જાકારો આપી રહ્યા છે. આ નિર્ણય વાલીઓ પરના ખર્ચનું ભારણ પણ ઘટાડે છે.
સમિતિની શાળાની કામગીરી જણાવવામાં આવે છે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીથ દેસાઇનું કહેવું છે કે, સમિતિની સ્કુલના શિક્ષકો દ્વારા વેકેશનમાં ઘરે ઘરે જઇને સરવે કરવામાં આવે છે. અને સાથે જ માતા-પિતાને સમિતિની શાળાની કામગીરી જણાવવામાં આવે છે. જેને પગલે શિક્ષણ સમિતિની શાળાઓમાં એડમિશન વધી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, આ રીતે કરવામાં આવતા વિશેષ પ્રયાસના ભાગરૂપે આગામી સમયમાં શિક્ષણ સમિતિની શાળાઓમાં એડમિશનની સંખ્યા વધે તો નવાઇ નહીં.
સરવેમાં સુખદ આશ્ચર્ય થાય તેવા પરિણામો સામે આવ્યા છે
સુત્રોના જણાવ્યા અનુસાર, ધો. 1 માં 2600 થી વધુ વિદ્યાર્થીઓએ સરવે દરમિયાન સંમતિ નોંધાવી છે. જેમાંથી 1500 જેટલા વિદ્યાર્થીઓ અને 1000 થી વધુ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. તે પૈકી મોટા ભાગના વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં એડમિશન મેળવે તેવી આશા સેવાઇ રહી છે.
આ પણ વાંચો --- VADODARA : SSG હોસ્પિટલમાં લિવર અને આંખોનું સફળ અંગદાન