VADODARA : ટુ વ્હીલરની ડીકીમાંથી રૂ. 15 લાખનો હાઇબ્રીડ ગાંજો જપ્ત, બે ની ધરપકડ
- વડોદરા એસઓજી પોલીસને સપાટો
- બાતમીના આધારે હાઇબ્રીડ ગાંજો વેચતા બે ની ધરપકડ. અન્ય બે વોન્ટેડ
- આરોપી ધ્રુવ ચૌધરીની માતા જિલ્લા તિજોરી વિભાગમાં કાર્યરત છે
VADODARA : વડોદરા પોલીસ (VADODARA POLICE) ના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG - VADODARA) ના હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, અગાઉ ગાંજાના કેસમાં ઝડપાયેલો, તાંદલજાના શકીલા પાર્કમાં રહેતો અબ્દુલ ઇબ્રાહીમભાઇ પટેલ અને તેનો માણસ ધ્રુવ ચૌધરી ટુ વ્હીલરમાં હાઇબ્રીડ ગાંજો (HYBRID MARIJUANA) સંતાડીને મોડી રાત સુધી જુના પાદરા રોડ પર આવેલા પદમ પુંજન બંગ્લોઝના કમ્પાઉન્ડ વોલ પાસે રોડ સાઇડ ઉભા રહીને તેનું છુટ્ટકમાં વેચાણ કરે છે. જેના આધારે સ્થળ પર રેડ કરવામાં આવી હતી. રેડમાં અબ્દુલ ઇબ્રાહીમ પટેલ અને ધ્રુવ બાબુભાઇ ચૌધરીને દબોચી લેવામાં આવ્યા હતા. બંને પાસેના ટુ વ્હીલરની ડીકીમાંથી રૂ. 15 લાખની કિંમતનો હાઇબ્રીડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી ધ્રુવ ચૌધરીના માતા જિલ્લા તિજોરી વિભાગમાં અને પિતા એલઆઇસીમાં કામ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જે.પી. રોડ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
એસઓજી દ્વારા બંનેની ધરપકડ કર્યા બાદ પુછપરછ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે, આદીબ અબ્દુલ પટેલ એ સુરતના અજાણ્યા શખ્સ પાસેથી આ ગાંજાનો જથ્થો ખરીદ્યો હતો. તેને ઝરીનાબેનના ઘરે શકીલા પાર્કમાં સંતાડી રાખવામાં આવ્યો હતો. અને તેનું છુટ્ટક વેચાણ કરવા માટે ગાંજો આપવામાં આવ્યો હતો. ઉપરોક્ત મામલે અબ્દુલ ઇબ્રાહીમ પટેલ, ધ્રુવ બાબુભાઇ ચૌધરી, આદીબ અબ્દુલ પટેલ અને ઝરીનાબેન અબ્દુલ પટેલ વિરૂદ્ધ હાઇબ્રીડ ગાંજાની હેરાફેરી તેમજ ખરીદ-વેચાણ કરવા બદલ જે.પી. રોડ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યાર બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિતેલા 6 મહિનામાં એનડીપીએસ એક્ટ હેઠળ 15 ગુનાઓ રજીસ્ટર્ડ
ઉપરોક્ત કાર્યવાહીમાં અબ્દુલ ઇબ્રાહીમ પટેલ (રહે. શકીલા પાર્ક સોસાયટી, બેસીલ સ્કુલની સામે, તાંદલજા રોડ, વડોદરા), અને ધ્રુવ બાબુભાઇ ચૌધરી (રહે. ઓફીસર્સ ફ્લેટ, કલેક્ટર બંગ્લાની પાછળ, અલકાપુરી) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આદીબ અબ્દુલ પટેલ અને ઝરીના અબ્દુલ પટેલ (બંને રહે. શકીલા પાર્ક સોસાયટી, બેસીલ સ્કુલની સામે, તાંદલજા રોડ, વડોદરા) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. અબ્દુલ પટેલ વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ સહિત અન્ય હેઠળ 4 ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. આરોપીઓ પાસેથી હાઇબ્રીડ ગાંજો રૂ. 15 લાખ, ટુ વ્હીલર રૂ. 40 હજાર અને મોબાઇલ રૂ. 5 હજાર મળીને કુલ રૂ. 15.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વડોદરા એસઓજી દ્વારા વિતેલા 6 મહિનામાં એનડીપીએસ એક્ટ હેઠળ 15 ગુનાઓ રજીસ્ટર્ડ કરવામાં આવ્યા છે. જેમાં 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ કાર્યવાહી દરમિયાન રૂ. 1.45 કરોડનો એનડીપીએસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો --- Gondal : વોરાકોટડા ગામે ખેતરનાં હલાણ મુદ્દે મોડી રાતે ખેલાયો ખૂની ખેલ, પિતાનું મોત, પુત્ર ગંભીર