Vadodara : બે વાહન વચ્ચે નજીવી ટક્કર બાદ મારામારી, ટોળા એકત્ર થતા પોલીસ દોડતી થઇ
- વડોદરાના દુધવાળા મહોલ્લા નજીક નજીવી બાબતે લોકટોળા એકત્ર થયા
- બે વાહન વચ્ચે ટક્કર થયા બાદ મામલો બિચક્યો
- પરિવાર સાથે ફરવા નિકળેલા યુવકને હોર્ન મારવા બાબતે કડવો અનુભવ થયો
Vadodara : હાલ ગણોશોત્સવ (Ganesh Chaturthi - 2025) ચાલી રહ્યો છે. દરમિયાન ઠેર ઠેર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. આ વચ્ચે ગત રાત્રે શહેરના સંવેદનશીલ ગણાતા દુધવાલા મહોલ્લા (Dudhwala Mohalla - Vadodara) નજીક બે વાહન વચ્ચે નજીવી ટક્કર થઇ હતી. જે બાદ મારામારી થઇ હતી. જોતજોતામાં સ્થળ પર લોકટોળા એકત્ર થઇ ગયા હતા. આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. અને મામલો થાળે પાડ્યો હતો. બાદમાં આ મામલાની ફરિયાદ નોંધવામાં આવી છે, સાથે જ ક્રાઇમ બ્રાન્ચ (Vadodara Crime Branch) ની એક ટીમ આ મામલાની સઘન તપાસ હાથ ધરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે સિટી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારે સઘન કરી દેવામાં આવ્યો છે.
વાત વણસે તે પહેલા જ પોલીસને જાણ થતા ટીમો દોડી આવી
સંસ્કારી નગરીમાં ધામધૂમથી ગણોશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશ પંડાલોની બહાર દર્શન માટે ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે. ઉત્સવનો ખરો માહોલ સિટી વિસ્તારમાં જોવા મળે છે. દિવાળી જેવી રોશની સાથે ગણોશોત્સવની ઉજવણી થઇ રહી છે. ત્યારે ગતરાત્રે શહેરના સંવેદનશીલ દુધવાળા મહોલ્લા પાસે કાર અને ટુ વ્હીલર બે વાહનો વચ્ચે નજીવી ટક્કર થઇ હતી. આ બાદ ટુ વ્હીલરને કાર ચાલકે માર માર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે જોતજોતામાં લોકટોળા એકત્ર થઇ ગયા હતા. જો કે, આ વાત વણસે તે પહેલા જ પોલીસને જાણ થતા ટીમો દોડી આવી હતી. અને સ્થિતી કાબુમાં લીધી હતી. ટોળાને વિખેરીને પોલીસે શાંતિ સ્થાપી છે.
કંઇ પણ થઇ શકત
ભોગબનનાર પરિવારના મહિલાએ જણાવ્યું કે, અમે પરિવાર સાથે ફરવા નીકળ્યા હતા. પાછળથી કાર ચાલકે હોર્ન મારતા મારા ભાઇએ કહ્યું કે, આગળ ટ્રાફીક છે. આટલી વાતથી કાર ચાલક ઉશ્કેરાયો અને તેણે આવીને મારા ભાઇને લાફા મારી દીધા હતા. આતો રોડ પર બધા હતા, એટલે સારૂ છે. બાકી તો કંઇ પણ થઇ શકત.
સીસીટીવી થકી તપાસ હાથ ધરવામાં આવી
DCP અભિષેક ગુપ્તાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, બે વાહનો અડી ગયા હતા. તે બાબતે માથાકુટ થઇ હતી. ફરિયાદ લેવામાં આવેલી છે. સીસીટીવી ફૂટેજીસ મેળવીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. રાવપુરા પોલીસ મથકમાં આ મામલે તપાસ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમ બનાવી છે, તેના દ્વારા સીસીટીવી થકી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો ----- Asaram: રાજસ્થાન હાઈકોર્ટ તરફથી આસારામને મોટો ફટકો! આત્મસમર્પણ કરવું પડશે, નહીંતર...