VADODARA : પાલિકાના લાંચિયા એન્જિનિયરના ઘરના બાથરૂમમાંથી મોટી રોકડ મળી આવી
- પાલિકાના એન્જિનિયરની મુશ્કેલીએ વધશે
- એસીબીએ નોટીસ ફટકારવાની સાથે ઘરે સર્ચ કર્યું
- સર્ચમાં રોકડ, દસ્તાવેજો મળી આવ્યા
VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) ના કાર્યપાલક એન્જિનિયર (VMC ENGINEER) વિરૂદ્ધ 8 વર્ષ જુના લાંચ પ્રકરણ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં (ANTI CORRUPTION BUREAU - VADODARA) ફરિયાદ નોંધાયો છે. જે બાદ એસીબીની ટીમ દ્વારા પાલિકાના એન્જિનિયર કૌશિક પરમારના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બાથરૂમના માળિયામાં સંતાડેલા રૂ, 1.03 લાખ સહિત કુલ રૂ. 1.99 લાખની બિનહિસાબી રોકડ ઉપરાંત મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા છે. એસીબીની ટીમે આરોપી અને તેની પત્નીના નિવેદનો પણ લીધા છે. આ જોતા આવનાર સમયમાં પાલિકાના લાંચિયા અધિકારીની મુશ્કેલીઓ વધે તો નવાઇ નહીં.
દસ્તાવેજો, બેંક પાસબુક, ચેકબુક જપ્ત કરાયા
વડોદરાના પાલિકાના નાયબ કાર્યપાલક એન્જિનિયર કૌશિક શાંતિલાલ પરમારે 8 વર્ષ પૂર્વે ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જે અંગે ગોઠવેલું એસીબીનું છટકું નિષ્ફળ રહ્યું હતું. તે બાદ ખુલ્લી તપાસની માંગ કરવામાં આવી હતી. આખરે તાજેતરમાં એસીબીએ ગુનો નોંધ્યો છે. એસીબી દ્વારા કૌશિક પરમારના વોઇસ સેમ્પલ માટે રૂબરૂમાં હાજર રહેવા માટે નોટીસ ફટકારી હતી. અને સાથે જ માંજલપુરમાં તેઓના નિવાસ સ્થાને જઇને સર્ચ કર્યું હતું. જેમાં બાથરૂમના માળિયામાં છુપાવેલા રૂ. 1.03 લાખ અને તિજોરીમાંથી રૂ. 96 હજાર મળી આવ્યા હતા. જેનો હિસાબ તેઓ આપી શક્યા ન્હતા. આ સાથે જ સર્ચ દરમિયાન મહત્વની ફાઇલો મળી આવી હતી. જેમાં દસ્તાવેજો, બેંક પાસબુક, ચેકબુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
લાંચિયા અધિકારીની મુશ્કેલીઓ વધી શકે છે
બીજી તરફ એસીબીની ટીમ દ્વારા લાંચિયા એન્જિનિયર અને તેઓની પત્નીના નિવેદન લીધા છે. એન્ટી કરપ્શન બ્યુરોની કાર્યવાહીને પગલે આગામી સમયમાં પાલિકાના લાંચિયા અધિકારીની મુશ્કેલીઓ વધી શકે છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો --- VADODARA : નશામાં ધૂત PSI ની કારનો અકસ્માત, બાળકી ઇજાગ્રસ્ત