VADODARA : મોટર મુકીને પાણી ઉલેચતા તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરશે સ્કવોર્ડ
- ભર ઉનાળે પાણીની મોકાણ સર્જાતા પાલિકાએ મોટર સ્કવોર્ડની રચના કરી
- શહેરના અલગ અલગ વિસ્તારમાં મોટર મુકી પાણી ઉલેચતા તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે
- જો ખોટી રીતે પાણી ઉલેચતા પકડાયા તો મોટર જપ્ત કરવાની સાથે દંડ પણ ફટકારાશે
VADODARA : વડોદરામાં ભર ઉનાળે પાણીની સમસ્યાની બુમો ઉઠી રહી છે. આવા સમયે પાણીની લાઇનમાં ઇલેક્ટ્રીક મોટર મુકીને પાણી ઉલેચતા શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે પાલિકા દ્વારા વિશેષ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. આ ટીમો સોમવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં જઇને તપાસ કરશે. દરમિયાન જે કોઇ શખ્સ ખોટી રીતે મોટર મુકીને પાણી ઉલેચતા મળી આવશે તો તેને રૂ. 1 હજારનો દંડ ફટકારવામાં આવશે, અને તેની મોટર જમા કરી લેવામાં આવશે.
ઇલેક્ટ્રીક મોટર મુકીને પાણી વધારે ઉલેચી લેતા હોય છે
વડોદરા પાસે પીવાના પાણીના પર્યાપ્ત સ્ત્રોત છે. પરંતુ તેના મેનેજમેન્ટમાં પાલિકાનું તંત્ર ઉણું ઉતરી રહ્યું છે, આ વાત કોઇનાથી છુપી નથી. સામાન્ય રીતે પાણીની સમસ્યા માટે કોઇ રૂતુ નથી હોતી, બારે માસ કોઇને કોઇ સમસ્યાની બુમો ઉઠતી રહે છે. પરંતુ ઉનાળામાં પાણીની જરૂરિયાત વધારે હોવાથી આ સમયે વધારે મોકાણ સર્જાય છે. તેવામાં લોકો પાણીની લાઇનમાં ઇલેક્ટ્રીક મોટર મુકીને પાણી વધારે ઉલેચી લેતા હોય છે. જેથી અન્ય માટે આડકતરી રીતે મુશ્કેલી સર્જાય છે. આવા કિસ્સાઓ ડામવા માટે પાલિકા દ્વારા મોટર સ્કવોર્ડની રચના કરવામાં આવી છે.
રોજ બે ઝોનમાં કામગીરી કરવાનું આયોજન છે
એક ટીમમાં 10 કર્મચારી એવી બે ટીમોની પાલિકા દ્વારા રચના કરવામાં આવી છે. આ મોટર સ્કવોર્ડની ટીમો સોમવારથી સંભવિત વિસ્તારોમાં જઇને ખોટી રીતે પાણી ઉલેચનારાઓ પર કાર્યવાહી કરશે. રોજ બે ઝોનમાં કામગીરી કરવાનું આયોજન છે. સુત્રોના જણાવ્યા અનુસાર, શહેરના પૂર્વ ઝોનમાં મોટર મુકીને પાણી ખેંચવાની સમસ્યા સૌથી વધારે છે. જેથી ત્યાં પાણીની બુમો વધારે ઉઠતી હોય છે.
આ પણ વાંચો --- VADODARA : ધારાસભ્યની ટકોર, 'મારો હિસાબ લખો છો, તો તમારો પણ આપજો'