VADODARA : પાલિકાની કચેરી પાછળ જ ગંદકીના ઢગલા, લોકોને હાલાકી
- વડોદરા પાલિકાની કચેરી પાછળના દ્રશ્યો જોઇને આશ્ચર્ય સર્જાયું
- શાકભાજી, ફળો અને ફુલોથી ગંદકીના ઢગલા દેખાયા
- સવાર સવારમાં આવા દ્રશ્યો જોઇને લોકો રોષે ભરાયા
VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) ની ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય કચેરી પાછળ જ ગંદકીના ઢગલાં જોવા મળી રહ્યા છે. જેને પગલે ખંડેરાવ માર્કેટ (KHANDERAO MARKET - VADODARA) માં શાકભાજી-ફળો ખરીદવા આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં વડોદરા પાલિકા દ્વારા શેરડીના કૂચા અને પડિયાનો નિકાલ કરનારા પાછળ 10 દિવસની વોચ ગોઠવીને દબોચી લીધો હતો. ત્યારે હવે આ કચરાના ઢગ કરનાર સુધી વહીવટી તંત્ર ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું.
શહેરભરમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી પાલિકાના શિરે
વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ દ્વારા સ્વચ્છતાને લઇને સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા સમયાંતરે ગંદકી કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. આ વચ્ચે શહેરભરમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી જેમના શિરે છે, તેવી પાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ચ કચેરી પાછળ જ ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા. જેને પગલે ખંડેરાવ માર્કેટમાં શાકભાજી-ફળોની ખરીદી કરવા આવતા લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
પાલિકા દ્વારા કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે, તેના પર નજર
એક તરફ પાલિકા શહેરભરમાં સ્વચ્છતાને લઇને ઝૂંબેશ ચલાવી રહી છે. બીજી તરફ ખુદ પાલિકાની કચેરીથી 10 ડગલાં દુર જ ગંદકીના ઢગલા જોવા મળે છે. આ મામલો સપાટી પર આવતા જ હવે પાલિકા તંત્ર દ્વારા આ ગંદકીના ઢગલા ક્યારે દુર કરવામાં આવે છે, સાથે જ ગંદકી કરનાર સુધી પહોંચીને તેના વિરૂદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. અત્રે નોંધનીય છે કે, જો પાલિકા ધારે તો વોચ ગોઠવીને પણ ગંદકી કરનાર સુધી પહોંચી શકે છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો --- VADODARA : પાલિકામાં સમાવિષ્ટ કરોડિયા જતા રોડ-રસ્તાની હાલત દયનીય