VADODARA : પાલિકાએ 15 દિવસ વોચ ગોઠવી શેરડીના કૂચા અને પડિયા નાંખનારને ઝડપ્યો
- વડોદરા પાલિકા દ્વારા સ્વચ્છતાને લઇને જાગૃત
- આજવા રોડ પર જાહેરમાં કચરાનો નિકાલ કરનાર શખ્સ ઝડપાયો
- આઇસડિશ અને શેરડીના રસ ઘરના સંચાલકને દંડ ફટકારતી પાલિકા
VADODARA : સ્વચ્છતાને લઇને વડોદરા પાલિકા (VADODARA - VMC) ની પ્રતિબદ્ધતાના દર્શન કરાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા (VADODARA) પાલિકાના આજવા રોડ સરદાર એસ્ટેટ પંપીંગ સ્ટેશન પર શેરડીના કૂચા અને આઇસડિશ ના પડિયા નો નિકાલ કરવામાં આવતો હતો. આ ઘટના સતત બનતા પાલિકાના પૂર્વ ઝોનના ડે. મ્યુનિ. કમિ. દ્વારા સતત 15 દિવસ સુધી વોચ ગોઠવવામાં આવી હતી. આખરે આજવા રોજ પર આવેલા શ્રી ગણેશ આઇસડીશ અને શેરડીના કોલાના કર્મચારીને ઝડપી પાડ્યો છે. અને તેના સંચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે કચરાનો આડેધડ નિકાલ કરનારા તત્વોમાં ભારે દોડધામ મચી જવા પામી છે.
થેલા ભરીને કચરો નાંખીને અજાણ્યો શખ્સ જતો રહેતો
વડોદરા પાલિકા કમિશનર અરૂણ મહેશ બાબુ દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે સ્પષ્ટ સૂચના આપી છે. ઝોન પ્રમાણે સ્વચ્છતાની કામગીરીનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. છતાં લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા. તાજેતરમાં પૂર્વ ઝોનમાં આવતા આજવા રોડ સરદાર એસ્ટેટ નજીક પંપીંગ સ્ટેશન પાસે એક મહિનાથી શેરડીના કુચા અને આઇસડિશના પડિયાનો નિકાલ કરવામાં આવતો હતો. થેલા ભરીને કચરો નાંખીને અજાણ્યો શખ્સ જતો રહેતો હતો. આખરે પાલિકાની ટીમ દ્વારા બેજવાબદાર વ્યક્તિને શોધવા માટે વોચ ગોઠવવામાં આવી હતી.
રાત્રે ત્રણ વાગ્યા સુધી સંતાઇને રહેવાની સૂચના આપવામાં આવી
પાલિકાના ડે. મ્યુનિ. કમિ. સુરેશ તુવેરનું કહેવું છે કે, એક મહિનાથી પંપીંગ સ્ટેશનની બાજુમાં ખુલ્લી જગ્યામાં કચરો નંખાતો હતો. જે માટે પાલિકાએ બે ગાર્ડ મુક્યા હતા. બે ગાર્ડ વારાફરથી સ્થળ પર વોચ રાખતા હતા. તેમને રાત્રે ત્રણ વાગ્યા સુધી સંતાઇને રહેવાની સૂચના આપવામાં આવી હતી. અંતે રાત્રે 2 વાગ્યે કચરાનો નિકાલ કરવા આવેલો યુવક ઝડપાઇ ગયો હતો. પાલિકા દ્વારા શ્રી ગણેશ આઇસડિશ અને શેરડીના કોલાના સંચાલકને રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને તે ફરી આવી ભૂલ નહીં કરે તેવી તેણે બાંહેધારી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : છાણીમાં રંગરોગાન અને વૃક્ષારોપણ કરાયેલા ડિવાઇડર તોડી પડાયા