VADODARA : 10 દિવસ પૂર્વે રૂ. 3.34 કરોડના ખર્ચે બનેલો રોડ ખોદી કઢાયો
- પાલિકાના વિભાગો વચ્ચે સંકલનનો અભાવ
- 10 દિવસ પૂર્વે કરોડોના ખર્ચે તૈયાર કરાયેલો રોડ ખોદી નંખાયો
- ખોદકામ કરનાર વિભાગને રોડનું રિસ્ટોરેશન કરવા જણાવાયું
VADODARA : વડોદરાવાસીઓ (VADODARA) માટે નવા બનાવાયેલા રોડ પર લાંબો સમય અવર-જવર કરવાનું નસીબ નથી. પાલિકાનું તંત્ર રોડ પર રોડ બનાવવા તથા બની ગયેલા રોડને ખોદી કાઢવા માટે લોકોમાં જાણીતી છે. ત્યારે ફરી એક વખત આવી જ ઘટના સામે આવી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં ભૂતડીઝાંપાથી આર્યકન્યા સ્કુલ તરફ 10 દિવસ પહેલા રૂ. 3.34 કરોડના ખર્ચે રોડ તૈયાર કરાયો હતો. આ રોડને તાજેતરમાં જ પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. જેને પગલે લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
બાદમાં ખાડો પુરી દેવામાં આવ્યો
વડોદરા પાલિકાની રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા કારેલીબાગ વિસ્તારમાં ભૂતડીઝાંપામાંથી આર્યકન્યા સ્કુલ તરફ રૂ. 3.34 કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડ પર 10 દિવસ પૂર્વે જ લિક્વિડ સિલકોટ પાથરવામાં આવ્યો હતો. લોકો હજી નવા તૈયાર કરાયેલા રોડ પર અવર-જવરનો આનંદ લેતા જ થયા ત્યાં તો પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા આ રોડ તોડી નાંખવામાં આવ્યો છે. પાણીની લાઇન શોધવા માટે કાંસ પરથી પસાર થતા બ્રિજની બાજુમાં ખાડો ખોદ્યો હતો. અને લાઇન તપાસી હતી. બાદમાં ખાડો પુરી દેવામાં આવ્યો હતો.
પાણી પુરવઠા વિભાગને પત્ર લખાયો
આ ઘટના બાદ જાણવા મળ્યું કે, પાણી પુરવઠા વિભાગ દ્વારા આ અંગે રોડ પ્રોજેક્ટ શાખાને જાણ કરી નથી. તે બાદ પાણી પુરવઠા વિભાગને પત્ર લખીને રોડનું રિસ્ટોરેશન કરવા માટે જણાવવામાં આવ્યું છે. પાલિકાના જ બે વિભાગના અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે રૂ. 3.34 કરોડના ખર્ચે બનેલો નવો રોડ તોડી પાડવામાં આવ્યો છે. જેને પગલે આસપાસના રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
આ પણ વાંચો --- VADODARA : ભાજપ વિરૂદ્ધ વોટમાં પૂર્વ વિપક્ષી નેતાએ તટસ્થ વલણ અપનાવ્યું