VADODARA : જીરા સોડા પીધા બાદ તબિયત લથડતા બાળકનું મોત
- જીરા સોડા પીધા બાદ તબિયત લથડી, સારવાર મળે તે પહેલા મોત
- એસએસજી હોસ્પિટલના તબિબ દ્વારા બાળકને મૃત જાહેર કરાયો
- સમગ્ર મામલે કરજણ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે
VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા ગ્રામ્યના કરજણમાં 11 વર્ષિય બાળકે બે દિવસ પહેલા રાત્રીના સમયે જીરા સોડા (JEERA SODA) પીધી હતી. ત્યાર બાદ અચાનક તેની તબિયત લથડતા તેને એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આખરે સમગ્ર મામલે કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) માં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ફરજ પરના હાજર તબિબે તેને મૃત જાહેર કર્યો
વડોદરા ગ્રામ્યમાં આવતા કરજણમાં હરસુંડા કબીર મંદિર પાસે આવેલી સોસાયટીમાં 11 વર્ષિય મેહુલભાઇ ધીરૂભાઇ સોસા તેના પરિવાર સાથે રહેતો હતો. 10, જુનના રોજ રાત્રે 8 વાગ્યાના આરસામાં તેણે હરસુંડા ખાતે જીરા સોડા પીધી હતી. ત્યાર બાદ તેને ઝાડા-ઉલ્ટી થયા હતા. તેની તબિયત લથડતી જોતા તેને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં રાત્રે 10 - 25 કલાકના આરસામાં ફરજ પરના હાજર તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.
હેડ કોન્સ્ટેબલને તપાસ સોંપાઇ
ઉપરોક્ત મામલે રાવપુરા પોલીસ મથકના જવાન દ્વારા કરજણ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે. તે બાદ સમગ્ર ઘટના અંગે કરજણ પોલીસ મથક દ્વારા અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. અને આ મામલાની વધુ તપાસ કરજણ પોલીસ મથકના અરવિંદભાઇ ગોવિંદભાઇને સોંપવામાં આવી છે. હવે તપાસના અંગે શું હકીકત સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રીની વહનક્ષમતા વધારવા 25 કિમીમાં સિંચાઇ વિભાગની કામગીરી પૂર્ણ