VADODARA : ઓક્સિજન માટે ઝુંબેશ, પર્યાવરણપ્રેમીનો નવીન સંદેશ સાથે લોકજાગૃતિનો પ્રયાસ
- વૃક્ષોને લઇને અનોખી લોકજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ
- વડોદરાના યુવાનનો પ્રયાસ લોકોનું ધ્યાન આકર્ષી રહ્યો છે
- કોરોના મહામારી સમયે ઓક્સિજનનો અભાવ વેઠ્યા બાદ જીવન બદલાયું
VADODARA : ઓડિશાના મૂળ નિવાસી અને હાલમાં વડોદરા (VADODARA) માં રહેતા 29 વર્ષીય શશીકાંત પાંડા પર્યાવરણ સુરક્ષાની દિશામાં એક અનોખી પહેલ કરી રહ્યા છે. COVID-19 રોગચાળા નિમિત્તે મળેલી અનુભૂતિને જીવનમુલ્યમાં ફેરવી, તેઓએ વધુ વૃક્ષો વાવવા અને સ્વચ્છ હવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો મિશન આરંભ્યો છે.
જીવંત છોડ રાખીને મેરેથોનમાં ભાગ લે
શશીકાંત પાંડા એક ફાર્મસી કંપનીમાં કામ કરે છે અને છેલ્લા ચાર વર્ષથી રાજ્યભરના મેરેથોનમાં જોડાઈને પર્યાવરણ સંદેશનો પ્રસાર કરે છે. વિશેષ વાત એ છે કે તેઓ હંમેશા ઓક્સિજન માસ્ક પહેરીને અને પીઠ પર જીવંત છોડ રાખીને મેરેથોનમાં ભાગ લે છે. તે છોડને તેઓ “ઓક્સિજન સિલિન્ડર” તરીકે રજૂ કરે છે – જેનો મતલબ સ્પષ્ટ છે: માનવજાત માટે સાચો ઓક્સિજન વૃક્ષોથી જ મળે છે.
પ્રસ્તુતિશૈલીય સંદેશ લોકોના આકર્ષણનું કેન્દ્ર
તેમણે આજ સુધી વડોદરા, અમદાવાદ, સુરત, ભરૂચ, અંકલેશ્વર, ગાંધીનગર અને રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં યોજાયેલી ૩૦થી વધુ મેરેથોનમાં ભાગ લીધો છે. દરેક જગ્યાએ તેઓનું અનોખું પ્રસ્તુતિશૈલીય સંદેશ લોકોના આકર્ષણનું કેન્દ્ર રહી છે.
વિવિધ સરકારી પહેલોમાં પણ સક્રિય ભાગ લે છે
શશીકાંતનું સંકલ્પ એ છે કે દરેક વ્યક્તિ પર્યાવરણ સુરક્ષાની જવાબદારી સ્વીકારે અને "એક વૃક્ષ – અનેક જીવ" જેવી વિચારધારા સાથે આગળ વધે. તેઓ માત્ર મેરેથોન દ્વારા જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણ સંબંધિત વિવિધ સરકારી પહેલોમાં પણ સક્રિય ભાગ લે છે અને સમાજમાં સતત સંદેશ ફેલાવતા રહે છે.
કોરોના સમયે ઓક્સિનનો અભાવ સહન કર્યો
આ પહેલ પાછળની પ્રેરણા તેમનો પોતાનો અનુભવ છે. તેઓ COVID-19 દરમિયાન બે વખત સંક્રમિત થયા હતા અને જીવદાયક સ્થિતિમાં ઓક્સિજનના અભાવનો સામનો કર્યો હતો. “ત્યાંથી મને સમજાયું કે ઓક્સિજનનું ખરું સ્ત્રોત તો વૃક્ષો છે,” એમ તેઓ કહે છે.
શશિકાંત પર્યાવરણપ્રેમી યોદ્ધા
2017થી વડોદરામાં સ્થાયી થયેલા અને આર્ટ્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલા શશીકાંત આજે પર્યાવરણપ્રેમી યોદ્ધા તરીકે ઓળખાતા થયા છે. તેમનો દ્રઢ સંકલ્પ છે કે તેઓ વધુને વધુ લોકો સુધી પોંહચી તેમને વૃક્ષો વાવવા, સ્વસ્થ જીવન શૈલી અપનાવવા અને પર્યાવરણ માટે સક્રિય બનવા માટે પ્રેરિત કરશે.
આ પણ વાંચો --- VADODARA : 955 વર્ષની ઉંમર ધરાવતું, દેશનું સૌથી જૂનું બાઓબાબ વૃક્ષ પાદરામાં જીવંત