Vice President Elections 2025: ધનખડનું સ્થાન કોણ લેશે? ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન, રાધાકૃષ્ણન અને સુદર્શન વચ્ચે સીધો મુકાબલો
- Vice President Elections 2025: દેશની 17મી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે સંસદ ભવનમાં મતદાન થશે
- મતદાન પ્રક્રિયા સવારે 10 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગ્યે મતદાન કરનાર પ્રથમ વ્યક્તિ હશે
Vice President Elections 2025: દેશની 17મી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે સંસદ ભવનમાં મતદાન થશે. મતદાન પ્રક્રિયા સવારે 10 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગ્યે મતદાન કરનાર પ્રથમ વ્યક્તિ હશે. મતદાન શરૂ થાય તે પહેલાં, બધા NDA સાંસદો સવારે 9.30 વાગ્યે નાસ્તાની બેઠકમાં ભાગ લેશે. આ મુકાબલો NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન અને ઇન્ડિયા બ્લોક ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી વચ્ચે છે. લોકસભાના 542 સભ્યો અને રાજ્યસભાના 239 સભ્યો મતદાન કરશે. મતગણતરી સાંજે 6 વાગ્યે શરૂ થશે.
ચૂંટણીમાં ઉમેદવારો કોણ છે?
સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે NDA ઉમેદવાર છે. તેઓ તમિલનાડુમાં ભાજપના એક મોટા વ્યક્તિત્વ છે. તેઓ બે વાર લોકસભા સાંસદ પણ રહી ચૂક્યા છે. આ સાથે, ઇન્ડિયા બ્લોકે તેમની સામે સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે.
Vice President Elections 2025: મતદાન સવારે 10 વાગ્યે શરૂ થશે
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન આજે સવારે 10 વાગ્યે સંસદ ભવનના વસુધા સ્થિત રૂમ નંબર F-101 માં શરૂ થશે. આ મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ પછી, મતગણતરી સાંજે 6 વાગ્યે શરૂ થશે. લોકસભાના 542 સભ્યો અને રાજ્યસભાના 239 સભ્યો મતદાન કરશે. રાજ્યસભાના 12 નામાંકિત સભ્યો પણ આમાં મતદાન કરશે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તેની એક એક સાંસદને ટ્રેનિંગ
મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં NDAના તમામ સાંસદોની બેઠક યોજાઈ જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયા હતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તેની એક એક સાંસદને ટ્રેનિંગ આપવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સદસ્યો મતદાન કરી શકે છે. સંસદના ઉપલા અને નીચલા ગૃહમાં હાલમાં કુલ 781 સાંસદ છે. જે જોતાં જીત માટે 392 સાંસદોના મતની જરૂર છે. નંબરગેમમાં NDAની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. લોકસભામાં NDA પાસે 293 જ્યારે રાજ્યસભામાં 132 સાંસદો છે. જેથી NDA પાસે કુલ 425 સાંસદોનું સમર્થન છે.
આ પણ વાંચો: Gen-Z protests in Nepal: ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું, 20 લોકોના મોત અને સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવ્યો