VNSGU : પરીક્ષામાં ગેરરીતિ કરવા બદલ વિદ્યાર્થીઓ પાસેથી ₹70 લાખનો દંડ વસૂલાયો
- VNSGU માં નકલખોરીનો ઉછાળો : 5 વર્ષમાં 70 લાખથી વધુ દંડ વસૂલ, કડક નિયમો છતાં કેસો વધ્યા - દંડ આવકનો સ્ત્રોત બન્યો?
- સુરતની વીણયુમાં ચોરીના કેસોમાં વધારો : 2025માં જ 22 લાખ દંડ, વિદ્યાર્થીઓ પરીક્ષાના દબાણમાં નકલ તરફ વળ્યા
- શિક્ષણમાં ગેરરીતિનો પ્રશ્ન : VNSGUએ 6 વર્ષમાં 70 લાખ દંડ વસૂલ્યો, શિસ્ત કે આવક? આંકડા ચિંતા વધારે
સુરત VNSGU : ગુજરાતમાં વિદ્યાર્થીઓ પરીક્ષાઓમાં ગેરરીતિ તરફ વળ્યા હોવાના સંકેત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આંકડાઓ ઉપરથી મળી રહ્યાં છે. મળી રહેલી જાણકારી અનુસાર, VNSGU માં પાછલા પાંચ વર્ષમાં વિદ્યાર્થીઓ પાસેથી ગેરરીતિ કરવાના કેસોમાં 70 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. તો બીજી ચિંતાજનક બાબત તે છે કે, આ દંડમાં પ્રતિવર્ષે વધારો થઈ રહ્યો છે. આર્થિક દંડ માત્ર આવકનો સ્ત્રોત બનીને રહી ગયો હોવ તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેથી સરકારે અન્ય માર્ગો અપનાવવા રહ્યાં.. કેમ પરીક્ષામાં ગેરરીતિ વધી રહી છે, વાંચો વિસ્તારપૂર્વક અહેવાલ..
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ( VNSGU )માં પરીક્ષામાં નકલખોરી અને ગેરરીતિના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જે શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. છેલ્લા 5 વર્ષમાં નકલખોરી કરનાર વિદ્યાર્થીઓ પાસેથી 70 લાખથી વધુ રૂપિયાનો દંડ વસૂલાયો છે. કડક નિયમો અને CCTV જેવી વ્યવસ્થાઓ હોવા છતાં કેસોમાં વધારો થવાથી એવા પ્રશ્નો ઉઠ્યા છે કે શું આ દંડ હવે યુનિવર્સિટી માટે આવકનો સ્ત્રોત બની ગયો છે? યુનિવર્સિટીના સૂત્રો અનુસાર, ઓનલાઇન મટિરિયલની સરળ ઉપલબ્ધતા અને પરીક્ષાના તીવ્ર દબાણને કારણે વિદ્યાર્થીઓ નકલ તરફ વળી રહ્યા છે.
પાંચ વર્ષમાં 25 લાખ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
VNSGU જે સુરતમાં 1965માં સ્થપાયેલી છે અને 210 એકરમાં ફેલાયેલી આ યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તેમાં પરીક્ષામાં ચોરી રોકવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. જેમ કે, તમામ કોલેજોને CCTV ફૂટેજ સાચવવાની સૂચના આપવામાં આવી છે અને નકલખોરી પકડાયેલ વિદ્યાર્થીઓને 3થી 6 મહિના માટે પરીક્ષાઓમાંથી વંચિત રાખવામાં આવે છે. તે ઉપરાંત દસ હજાર રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવે છે. દંડથી ગેરરીતિ રોકવામાં આવી શકે છે, તે તર્ક ત્યારે ખોટો સાબિત થતો જોવા મળી રહ્યો છે, જે પ્રતિવર્ષે વધતી દંડની રકમ દર્શાવે છે. છેલ્લા છ વર્ષમાં દંડની રકમમાં સતત વધારો જોવા મળ્યો છે, જે ગેરરીતિના કેસોની વધતી સંખ્યા દર્શાવે છે.
પાંચ વર્ષમાં 70 લાખ રૂપિયાનો વસૂલવામાં આવ્યો દંડ
યુનિવર્સિટીના આંકડા અનુસાર, શૈક્ષણિક વર્ષ 2019-20માં 4.60 લાખ, 2020-21માં 2.38 લાખ, 2021-22માં 1.91 લાખ, 2022-23માં 7.06 લાખ, 2023-24માં 16.68 લાખ, 2024-25માં 15.82 લાખ અને 2025ના એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચેના પાંચ મહિનામાં જ 22.10 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો છે. કુલ મળીને આ સમયગાળામાં 70.58 લાખથી વધુની વસૂલાત થઈ છે. આ આંકડા એ વાતનું સંકેત આપે છે કે દંડનો ડર વિદ્યાર્થીઓમાં શિસ્ત લાવવામાં સફળ થઈ રહ્યો નથી, પરંતુ તેના બદલે કેસો વધી રહ્યા છે.
શૈક્ષણિક વર્ષ | દંડ વસૂલાયેલી રકમ (રૂપિયામાં) |
2019-20 | 4,60,500 |
2020-21 | 2,38,816 |
2021-22 | 1,91,001 |
2022-23 | 7,06,000 |
2023-24 | 16,68,995 |
2024-25 | 15,82,500 |
2025 (એપ્રિલ-સપ્ટેમ્બર) | 22,10,800 |
કુલ | 70,58,612 |
મોબાઈલમાં વધારે સમયના કારણે વિદ્યાર્થીઓ વળ્યા ગેરરીતિ તરફ
આ વધતા કેસોનું કારણ શું છે? યુનિવર્સિટીના સૂત્રો જણાવે છે કે ઓનલાઇન અભ્યાસ મટિરિયલની વધુ પડતી ઉપલબ્ધતા અને પરીક્ષાના તીવ્ર દબાણને કારણે વિદ્યાર્થીઓ ટૂંકા રસ્તાની તલાશમાં નકલ તરફ વળી જાય છે. તે ઉપરાંત મોબાઈલ અને ટેકનોલોજીના કારણે વાસ્તવિક ચોપડીઓનું વાંચન ઓછું થઈ ગયું હોવાના કારણે વિદ્યાર્થીઓની લખવાની સ્પીડ પણ ઓછી થઈ ગઈ છે. આ તમામ મુદ્દાઓના કારણે વિદ્યાર્થીઓ ગેરરીતિ કરીને સરળળતાથી પોતાની પરીક્ષા પાસ કરવાનો રસ્તો અપનાવી રહ્યાં છે. તે ઉપરાંત કોરોના મહામારી પછીના સમયમાં ઓનલાઇન પરીક્ષાઓ અને હાઇબ્રિડ મોડલને કારણે ગેરરીતિઓ વધી છે.
દંડ વિશે VNSGU કૂલપતિએ શું કહ્યું
યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું છે કે, "આર્થિક રીતે આવક ઉભી કરવા માટે દંડ ફટાકતા નથી. અમે તો ગેરીતિ અટકાવવા માટે જ કડક પગલાં ભરી રહ્યાં છીએ. તે ઉપરાંત ક્લાસરૂમમાં પણ વિદ્યાર્થીઓને દંડનો ડર બતાવીને વિદ્યાર્થીઓને ગેરરીતિ ન કરવા માટે સમજાવવામાં આવે છે." જોકે, આ બધા વચ્ચે જે રીતના યુનિવર્સિટીના આંકડાઓ સામે આવ્યા છે, તે જોતા કૂલપતિ કિશોરસિંહ ચાવડાના તર્ક અર્થહિન બની ગયા છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ આ અંગે જણાવ્યું હતુ કે, પાછલા પાંચ વર્ષમાં 25 લાખથી વધારે વિદ્યાર્થીઓએ યુનિમાં પરીક્ષા આપી છે. આ પરીક્ષા વખતે સ્કોડ અને વર્ગ સુપરવાઈઝરો સહિત સીસીટીવી દ્વારા ગેરરીતિ કરતાં વિદ્યાર્થીઓને પકડવામાં આવ્યા હતા. ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેમને એ, બી, સી, ડી પ્રકારે શિક્ષા કરવામાં આવતી હોય છે.
આ અંગે તેમણે વધુ જણાવતા કહ્યું કે, નકલ કરતાં પકડાયેલા વિદ્યાર્થીઓને પહેલા 500 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવતો હતો. પરંતુ 2023માં ગુજરાતમાં પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે કાયદો લાવવામાં આવ્યો હતો. તે કાયદામાં દંડની જોગવાઈ બે હજારથી 10 હજાર સુધી કરવામાં આવેલી છે.
તે ઉપરાંત કિશોરસિંહ ચાવડાએ વધતી દંડની રકમ વિશે પોતાનો તર્ક આપતા કહ્યું હતુ કે, આ દંડ પાછળનો અમારો ઉદેશ્ય અમારી આર્થિક આવક વધારવાનો નથી પરંતુ જે રીતે ટ્રાફિક પોલીસ, સરકારી કચેરી કે કોર્ટ ગેરરીતિ કે ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા માટે જે પગલાં લેતા હોય છે, તેવી જ રીતે અમે પણ આવી ગેરરીતિઓને રોકવા માટે પગલાં ભર્યા છે.
ગેરરીતિ અટકે તે માટે ભરવામાં આવી રહ્યાં છે પગલા
તે ઉપરાંત તેમણે જણાવ્યું કે, પાછલા એક વર્ષમાં કુલ સંખ્યામાં પ્રતિ વર્ષે થતો તેના કરતાં 80 ટકા ગેરરીતિના કેસોમાં ઘટાડો આવ્યો છે. તે ઉપરાંત તેમણે જણાવ્યું કે, ગેરરીતિ ઓછી કરવા માટે દર અઠવાડિયે કાઉન્સિલિંગ કરવામાં આવે છે, તે ઉપરાંત વિદ્યાર્થીઓને લાઈબ્રેરી અને ક્લાસરૂપમાં વધારે સમય આપવા અને મોબાઈલનો ઓછો ઉપયોગ કરવાની પણ સમજણ આપવામાં આવી રહી છે.
જોકે, આ આંકડાઓથી ઉજાગર થાય છે કે VNSGUમાં ગેરરીતિ રોકવાની જગ્યાએ તે દંડને આવકનો સ્ત્રોત બની ગયો છે. શિક્ષણ નિષ્ણાતોના મતે આવા કેસો વધવાથી ડિગ્રીની કિંમત ઘટે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડે છે. તેઓ સૂચવે છે કે વધુ મજબૂત જાગૃતિ અભિયાનો, માનસિક આરોગ્ય સહાય અને પરીક્ષા પેટર્નમાં ફેરફાર કરવા જોઈએ.
આ સમસ્યા ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓમાં પણ જોવા મળે છે, જ્યાં નકલખોરીના કેસો વધી રહ્યા છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે નકલને બદલે વાંચન અને તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે કારણ કે લાંબા ગાળે તે જ પરીક્ષામાં જીત અપાવે છે.
આ પણ વાંચો- Dahod : મૃત્યુ પછી દાહોદ હોસ્પિટલમાં આત્મા લેવા પહોંચ્યું પરિવાર, તાંત્રિકે કરી વિધિ


