Dhoraji : રાજુ સોલંકી સામે ઉઠ્યો બહિષ્કારનો સૂર; એટ્રોસિટી એક્ટમાં સમાધાન મામલે દલિત આગેવાનોનું કડક વલણ
- Dhoraji : ગોંડલની મેટરમાં રાજુ સોલંકી પ્રેશર કે પૈસાની લાલચમાં આવીને સમાજને ખાડામાં ઉતાર્યો
- એટ્રોસિટી એક્ટમાં જે સમાધાનો થાય છે, તેના કારણે પીડિતોને ન્યાય નથી મળતો
- એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાતા ગુનાઓમાં કોઈ પણ સંજોગોમાં સમાધાન હોતું નથી
- આ કાયદો નબળો ન પડે તે માટે અમે એક 'લીગલ કમિટી' ની રચના કરી રહ્યા છીએ
- સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં બેઠક યોજીને એક વિશાળ મહાસંમેલન બોલાવવાની જાહેરાત
Dhoraji : ધોરાજીમાં આજે સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના આગેવાનોની એક મહત્વની ચિંતન બેઠક યોજાઈ હતી. જૂનાગઢ અને ગોંડલ વચ્ચે બનેલી વિવાદિત ઘટના બાદ સમાજમાં ફેલાયેલા રોષને લઈને આ બેઠકમાં ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. દલિત આગેવાનોએ રાજુ સોલંકી પર સમાજ સાથે ગદ્દારી કરવાના આક્ષેપ સાથે એટ્રોસિટી એક્ટમાં સમાધાન કરનારા તત્વો સામે આકરા પ્રહારો કર્યા છે.
Dhoraji : 12 જિલ્લાના દલિત આગેવાનો થયા એક્ઠા
ધોરાજી ખાતે મળેલી આ ચિંતન શિબિરમાં સૌરાષ્ટ્રના 12 જિલ્લાના દલિત આગેવાનો એકઠા થયા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાતી ફરિયાદોમાં જે દબાણવશ સમાધાનો થાય છે તેને અટકાવવાનો હતો. આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે રાજુ સોલંકી જેવા લોકોએ અંગત લાલચ કે દબાણમાં આવીને સમાજને ગેરમાર્ગે દોર્યો છે.
રાજુ સોલંકીએ સમાજને ખાડામાં ધકેલ્યો
આજે ધોરાજી ખાતે સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના આગેવાનોની ચિંતન બેઠક મળી હતી. તેમાં ગોંડલના દલિત આગેવાન દિનેશ પાતરે કહ્યું કે, ખાસ કરીને જૂનાગઢ અને ગોંડલ વચ્ચે જે ઘટના બની, તેમાં ક્યાંકને ક્યાંક રાજુ સોલંકી પ્રેસરમાં આવીને, લાલચમાં આવીને કે પૈસા લઈને સમાજને ખાડામાં ઉતારી દીધો છે અને સમાજને બદનામ કર્યો છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને અને બને તો સમાધાન ન થાય તે દિશામાં મનોમંથન કરવા અમે એકઠા થયા છીએ. રાજુ સોલંકી જે 10 કરોડના ઓડિયોની વાત કરે છે, તે બાબતના પુરાવા મેં મારા ફેસબુક એકાઉન્ટ પર જાહેર કર્યા છે. સમાજ કોઈ 'ટુકડે-ટુકડે ગેંગ' નથી, પણ રાજુ સોલંકી મુદ્દાથી ભટકાવવા માટે આવા શબ્દો વાપરે છે.
Dhoraji : ગંભીર ગુનાઓમાં સમાધાન ન થવું જોઈએ
તો ધોરાજીના દલિત આગેવાન યોગેશ ભાષાએ જણાવ્યું કે, ગોંડલનો કિસ્સો આખા ગુજરાતમાં ચર્ચિત છે. જયરાજસિંહ અને ગણેશ ગોંડલની દબંગગીરી સામે જ્યારે આખો સમાજ લડવા બેઠો હતો, ત્યારે રાજુ સોલંકીએ સમાધાન કરીને સમાજને સાઈડલાઈન કરી દીધો છે. અમે અહીં સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમે કોઈના બાપથી ડરતા નથી. મોત કે મારવાની બીક બતાવનારાઓને પણ અમે લડી લેવા તૈયાર છીએ. સરકારને પણ અમારી વિનંતી છે કે એટ્રોસિટીના કેસોમાં નિયમોનું પાલન થાય અને આવા ગંભીર ગુનાઓમાં સમાધાન ન થાય તેવા પગલાં લેવામાં આવે.
એટ્રોસિટીમાં સમાધાન કરશે તેનું થશે સમાજમાંથી બહિષ્કાર
તે ઉપરાંત જૂનાગઢના દલિત આગેવાન દેવદાન ભાઈ મૂછડીયાએ કહ્યું કે, આજે અમે સૌરાષ્ટ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આ બેઠકનું આયોજન કર્યું છે. ખાસ કરીને એટ્રોસીટી એક્ટમાં જે સમાધાનો થાય છે, તેના કારણે પીડિતોને ન્યાય નથી મળતો અને સાચા ગુનેગારો છૂટી જાય છે. અમે નક્કી કર્યું છે કે રાજુ સોલંકી હોય કે અન્ય કોઈ, જો તે એટ્રોસિટીમાં સમાધાન કરશે તો તેનો અને તેના પરિવારનો સમાજ બહિષ્કાર કરશે. અમે આગામી બે મહિનામાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં મીટિંગો કરી મોટું સંમેલન બોલાવીશું અને આવા તત્વોને સમાજમાંથી બરતરફ કરીશું.
કરવામાં આવશે 'લીગલ કમિટી' ની રચના
જૂનાગઢના વધુ એક દલિત આગેવાન નિખિલ ચૌહાણે આ બાબતે જણાવ્યું કે, એટ્રોસીટી એક્ટ હેઠળ નોંધાતા ગુનાઓમાં કોઈ પણ સંજોગોમાં સમાધાન હોતું નથી, તેમાં આરોપીને સજા થવી જ જોઈએ. આ કાયદો નબળો ન પડે તે માટે અમે એક 'લીગલ કમિટી' ની રચના કરી રહ્યા છીએ. આ કમિટીના માધ્યમથી અમે સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી લડત આપીશું જેથી આરોપીઓને કડક સજા મળે.
નાર્કો ટેસ્ટ' કરાવવા પણ તૈયાર
વધુમાં નિખિલ ચૌહાણે કહ્યું કે, રાજુ સોલંકીએ અંગત આર્થિક લાભ માટે આ સમાધાન કર્યું હોવાના જે આક્ષેપો છે, તેના સત્ય માટે અમે 'નાર્કો ટેસ્ટ' કરાવવા પણ તૈયાર છીએ. અમે જાહેર મંચ પરથી જયરાજસિંહને પડકાર ફેંક્યો છે કે જો તેમણે આર્થિક વ્યવહાર ન કર્યો હોય, તો તેઓ આશાપુરા માતાજીના મઢે જઈને માતાજીના માથે હાથ મૂકીને આ વાત કહે. અમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે સમાજને ગેરમાર્ગે દોરનારા તત્વો સામે લડત ચાલુ રહેશે.
મહાસંમેલનની કરવામાં આવી જાહેરાત
આ બેઠકમાં આગામી બે મહિનામાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં બેઠક યોજીને એક વિશાળ મહાસંમેલન બોલાવવાની જાહેરાત કરવામાં આવી છે. દલિત આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે હવે અન્યાય સામે કોઈ સમાધાન નહીં, માત્ર ન્યાયની લડાઈ જ લડવામાં આવશે.
ધોરાજીની આ બેઠકે દલિત રાજનીતિમાં નવા સમીકરણો સર્જ્યા છે. આગામી સમયમાં આ લડાઈ 12 જિલ્લામાં પ્રસરે તેવા સંકેતો મળી રહ્યા છે.
આ પણ વાંચો-Dwarka લાઈટ હાઉસમાં દુર્ઘટના : ત્રીજા માળેથી માતા-પુત્ર પડી જતાં મોત, યાત્રાળુઓની ભીડ વચ્ચે તપાસ શરૂ


