Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વેધર વોચ કમિટીની બેઠક મળી, હવામાન વિભાગની આગાહી અંગે ચર્ચા કરી

ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્ય સચિવનાં અધ્યક્ષ સ્થાને કેન્દ્ર-રાજ્યની વિવિધ એજન્સીઓ તેમજ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
gandhinagar   મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વેધર વોચ કમિટીની બેઠક  મળી  હવામાન વિભાગની આગાહી અંગે ચર્ચા કરી
Advertisement
  • રાજ્યમાં પ્રિ-મોન્સૂનની તૈયારીને લઈ બેઠક યોજાઈ
  • રાજ્ય, જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ શરૂ કરવા તાકીદ
  • રાજ્યમાં ચોમાસાને લઈ મોકડ્રીલ તેમજ 'આપદા મિત્રો'ને તાલીમ અપાશે

રાજ્યમાં આગામી સમયમાં ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સંબંધિત વિભાગ તાત્કાલીક પોતાના રાજ્ય,જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ શરૂ કરે તે જરૂરી છે. વિભાગો પોતાનો ડિઝાસ્ટર મેનેજમેનટ પ્લાન તૈયાર કરીને તેની ઉપર અમલ શરૂ કરે. આ ઉપરાંત વિવિધ વિભાગો પોતાની જરૂરીયાત પ્રમાણે વસ્તુઓ અને પુરવઠાનો પૂરતો જથ્થો અત્યારથી જ સુનિશ્ચિત કરે જેથી ભારે વરસાદ-પૂરની સ્થિતિમાં નાગરિકોને યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય. આમ,રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ સજ્જ બને તે જરૂરી છે તેમ, મુખ્ય સચિવ પંકજ જોષીએ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.


મુખ્ય સચિવ પંકજ જોષીએ રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્‍કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ સાથે આજે ગાંધીનગર ખાતે પ્રિ-મોનસૂન અંગે બેઠક યોજી ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી.

Advertisement

મુખ્ય સચિવએ કહ્યું હતું કે, છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતમાં દર વર્ષે સરેરાશ વરસાદ વરસ્યો છે જેથી આપણે વધુ કે ઓછા વરસાદનો સામનો કરવો પડ્યો નથી. આ વર્ષે પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રીજીયનમાં ૧૧૪ ટકા તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૧૯ ટકા જેટલો સારો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં એક વર્ષ છોડીને એક વર્ષે નાના-મોટા વાવાઝોડા આવ્યા છે જેમાં છેલ્લે આવેલા બિપરજોય વાવાઝોડામાં વિવિધ વિભાગોના યોગ્ય સંકલન થકી આપણે જાનહાનિ ટાળી શક્યા છીએ.

Advertisement

આ વર્ષે પણ અગાઉથી રાજ્ય અને કેન્દ્રના વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન દ્વારા આપણે કોઇપણ કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા સજ્જ છીએ તેમ મુખ્ય સચિવશ્રીએ વિશ્વાસ વ્યક્ત કરતાં ઉમેર્યું હતું.


તેમણે કહ્યું હતું કે, ભૂતકાળમાં જે વિસ્તારમાં વધુ વરસાદ થયો હોય તેવા વિસ્તારોની પણ અત્યારથી સમીક્ષા કરીને આગામી ચોમાસા માટે જરૂરી તૈયારીઓ કરી લેવી જોઈએ જેથી અગમચેતીના ભાગરૂપે નુકસાન અટકાવી શકાય. શહેરી વિસ્તારોમાં જૂના-જોખમી મકાનોની સ્થળ તપાસ કરાવી અત્યારથી જ તેને ખાલી કરાવવા જોઈએ જેથી જાનહાની ટાળી શકાય. ચોમાસાની તૈયારી સંદર્ભે વિવિધ સ્થળે મોકડ્રીલ યોજવા તેમજ ચોમાસા દરમિયાન સરદાર સરોવર, ઉકાઈ સહિતના ડેમોમાં પાણીની સ્થિતિ અંગે અગાઉથી વિગતો મેળવવા તેમણે વહીવટીતંત્રને સૂચનાઓ આપી હતી.

ગાંધીનગર ખાતે યોજાયેલી ‘‘પ્રિ-મોનસૂન પ્રિપેર્ડનેસ’’ અંગેની બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિએ સેનાના ત્રણેય અધિકારીઓને ઓપરેશન સિંદૂરની સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે સંભવિત આપત્તિના સામના માટેની જેટલી આગોતરી સજ્જતા કેળવાય તેટલી ઝડપથી આપણે રાહત-બચાવની કામગીરી કરી શકીશું જેથી ઓછામાં ઓછું નુકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકશે.તેમણે તમામ વિભાગોને આપત્તિ વ્યવસ્થા૫ન પ્લાન જરૂરી ફેરફાર સાથે તૈયાર રાખવા જણાવી, રાજ્ય વહિવટી તંત્ર, કેન્દ્ર સરકારની કચેરીઓ, સુરક્ષા એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન રાખવા પર પણ ભાર મૂક્યો હતો. આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં 'આપદા મિત્રો'ને તાલીમ આપી સજ્જ કરાશે.

તેમણે ઉમેર્યું કે, સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં NDRFની ૧૫ તેમજ SDRFની ૧૧ ટીમો ઉપલબ્ધ રહેશે જેને જરૂરિયાત પ્રમાણે તહેનાત કરી શકાશે. આ ટીમો પૂરતી બોટ, લાઈફ જેકેટ તથા અદ્યતન કમ્યુનિકેશનની સુવિધાઓથી સજ્જ હશે.

કેન્દ્રીય હવામાન વિભાગના અધિકારીએ આગામી ચોમાસાની વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, આ વર્ષે ગુજરાતમાં દર વર્ષ કરતાં વહેલું ચોમાસું આવવાની શક્યતા છે. હવામાન ખાતા દ્વારા આગામી સમયમાં દર સપ્તાહે વરસાદ વિશે જરૂરી વિગતો આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Rain Ambalal Patel : રાજ્યમાં વરસાદ મામલે અંબાલાલ પટેલની આગાહી સામે આવી

સમીક્ષા બેઠકમાં રાજ્યના સબંધિત વિભાગો જેવા કે, મહેસૂલ, ઊર્જા, ગૃહ, સિંચાઈ, જળ સંપત્તિ, નાગરિક પુરવઠા, શહેરી વિકાસ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, શિક્ષણ, આરોગ્ય, GSDMA, સરદાર સરોવર, માર્ગ અને મકાન, બંદરો અને વાહન વ્યવહાર, વન, કૃષિ અને પશુપાલન, માહિતી તેમજ કેન્દ્રીય સુરક્ષાદળો દ્વારા ચોમાસાની તૈયારી સંદર્ભે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOCના સંકલનમાં વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા.

આ પણ વાંચોઃ Rajkot માં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા, 3 પુરુષ અને 4 સ્ત્રીનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ

આ બેઠકમાં વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ, ઇસરો, સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ, BSF, કોસ્ટ ગાર્ડ, CRPF, NDRF, SDRF, CWC, RAF, દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, ભારતીય રેલવે, BSNL તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Patan : ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલના પોલીસ પર આક્ષેપ બાદ એસપીનું નિવેદન

Tags :
Advertisement

.

×