Gandhinagar: CM કાર્યાલય ખાતે યોજાયો સ્વાગત કાર્યક્રમ, ધરતીપુત્રના પ્રશ્નોનું નિવારણ લાવવા તાકીદ કરી
- ગાંધીનગરમાં CM કાર્યાલય ખાતે યોજાયો સ્વાગત કાર્યક્રમ
- CMએ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે આપ્યા દિશા-નિર્દેશો
- નિશ્ચિત સમયમર્યાદામાં નિરાકરણ માટે માર્ગદર્શન-સૂચના આપી
- 90 જેટલી રજૂઆતો સંદર્ભે સંબંધિત કક્ષાએ નિવારણ લાવવા સૂચના
મુખ્યમંત્રીએ સ્વાગતમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતા લાંબા સમયથી બાકી પ્રશ્નોનું નિવારણ ત્વરિત અને નિશ્ચિત સમયમર્યાદામાં લાવી દેવાના સ્પષ્ટ દિશા-નિર્દેશો સંબંધિત અધિકારીઓને આપ્યા હતા.
દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે મે-2025ની રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીએ 11 જેટલા રજૂઆતકર્તાઓની રજૂઆતો સાંભળીને તેના નિવારણ માટેના સૂચારુ સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રી સમક્ષ સ્વાગતમાં મુખ્યત્વે મહેસુલ વિભાગમાં જમીન માપણી, સંપાદન, સંપાદન મુક્તિ અને મકાન બાંધકામની સ્ટેમ્પ ડ્યુટીને લગતા તેમજ સિંચાઈ વિભાગમાં પ્રોટેક્શન વોલ સહિતના પ્રશ્નોની રજૂઆત મળી હતી. આ ઉપરાંત પોલીસ, પંચાયતને સ્પર્શતા પ્રશ્નો પણ રજૂ થયા હતા.
આ મે-2025ના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં સમગ્રતયા 90 જેટલા રજૂઆતકર્તાઓએ પોતાની જુદી જુદી રજૂઆતો કરી હતી. તેનું જનસંપર્ક કક્ષના અધિકારીઓ દ્વારા નિરાકરણ કરવા માટે સંબંધિતોને સૂચનાઓ આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે આયોજિત સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જનસામાન્યની રજૂઆતો-સમસ્યાઓ સાંભળી હતી તેમજ સંબંધિત જિલ્લા તંત્રવાહકો તેમજ અધિકારીઓને તેના ત્વરિત અને સુચારુ નિવારણ માટે જરૂરી નિર્દેશ આપ્યા હતા. pic.twitter.com/e4vJH6HkZ8
— CMO Gujarat (@CMOGuj) May 22, 2025
રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમો પણ નિયમિતપણે યોજાય છે, તેમાં મે-2025ના સ્વાગતમાં વિવિધ નાગરિકોની કુલ 1103 જેટલી રજૂઆતો રૂબરૂ સાંભળીને તેના નિરાકરણ માટે યોગ્ય સૂચનાઓ આપવામાં આવી હતી. તાલુકા કક્ષાએ યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 2503 એમ કુલ 3617 રજૂઆતો રૂબરૂ સાંભળીને તેમાંથી 52 ટકા જેટલી રજૂઆતોનું સ્થળ પર જ નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Banaskantha: ડીસા જીઆઇડીસીમાં વધુ એક ફેક્ટરીમાં લાગી આગ, મોટી જાનહાની ટળી
આ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, સચિવ ડો. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારી ધીરજ પારેખ તથા રાકેશ વ્યાસ, તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ પણ જોડાયા હતા.
આ પણ વાંચોઃ Rajkot: શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો