Australia માં રહેતા ભારતીય સહિત અન્ય દેશોના લોકો સામે વિરોધ પ્રદર્શન કેમ?
- Australia માં ભારતીયો વિરુદ્ધ નફરત : હજારો લોકોની રેલી, સરકારે કરી નિંદા
- સિડની-મેલબોર્નમાં ભારતીયો પર નિશાન: ઇમિગ્રેશન-વિરોધી રેલીઓનો ગુજરાતીઓ પર અસર
- ઓસ્ટ્રેલિયામાં ‘માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા’ની નફરતભરી રેલી: ભારતીયો બન્યા નિશાન
- ભારતીય પ્રવાસીઓ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયામાં વિરોધ: ગુજરાતી સમુદાયમાં રોષ
- ઓસ્ટ્રેલિયામાં નફરતનો નવો ચહેરો: ભારતીયો સામે રેલી, સરકારની કડક ટીકા
કેનબેરા : ઓસ્ટ્રેલિયામાં ( Australia ) રવિવારે હજારો લોકો શેરીઓમાં ઊતરી આવ્યા અને ભારતીયો સહિત પ્રવાસીઓ વિરુદ્ધ ઝેર ઓકવામાં આવ્યું છે. ‘માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા’ નામના વિવાદાસ્પદ ગ્રૂપે આયોજિત આ પ્રદર્શનોમાં ભારતીય પ્રવાસીઓને ખાસ નિશાન બનાવવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયન સરકારે આ રેલીઓને ‘નફરત ફેલાવનારી’ અને ‘નિયો-નાઝીઓ સાથે જોડાયેલી’ ગણાવીને નિંદા કરી છે.
Australia માં પ્રવાસીઓ વિરુદ્ધ વિરોધનું કારણ
રવિવારે ઓસ્ટ્રેલિયાના સિડની મેલબોર્ન, કેનબેરા, ક્વીન્સલેન્ડ અને અન્ય શહેરોમાં હજારો લોકોએ ‘માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા’ ગ્રૂપ દ્વારા આયોજિત ઇમિગ્રેશન-વિરોધી રેલીઓમાં ભાગ લીધો હતો. આ ગ્રૂપના પ્રચારમાં ભારતીય પ્રવાસીઓને ખાસ નિશાન બનાવવામાં આવ્યા જેઓ હવે ઓસ્ટ્રેલિયાની વસ્તીના 3%થી વધુ છે. 2013થી 2023 સુધીમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા બમણી થઈને લગભગ 8,45,800 થઈ ગઈ છે.
આ પણ વાંચો- SCOમાં ભારત-ચીનનો દેખાયો સાથ, USને લાગ્યો આઘાત!
પ્રચાર સામગ્રીમાં ભારતીયો પર નિશાન
આ રેલીઓ પહેલાં ફેસબુક અને ગ્રૂપની વેબસાઈટ પર પ્રચાર સામગ્રીમાં ભારતીયો વિરુદ્ધ ભડકાઉ સંદેશો ફેલાવવામાં આવ્યા હતા. એક પરચામાં લખ્યું હતું, “પાંચ વર્ષમાં જેટલા ભારતીયો આવ્યા એટલા તો 100 વર્ષમાં ગ્રીક અને ઇટાલિયન આવ્યા નથી. આ ફક્ત વસ્તીમાં જ નહીં સંસ્કૃતિમાં પણ બદલાવ લાવે છે.” ગ્રૂપનો દાવો છે કે પ્રવાસીઓના કારણે ઓસ્ટ્રેલિયાના સંસાધનોનું શોષણ થઈ રહ્યું છે અને ‘સામાજિક બંધનો’ તૂટી રહ્યા છે. X પર ગ્રૂપે લખ્યું કે તેઓ ‘સામૂહિક ઇમિગ્રેશન’ ખતમ કરવા માગે છે, જે મુખ્યધારાના રાજકારણીઓમાં હિંમત નથી.
Australia ના સિડની અને મેલબોર્નમાં રેલીઓ
સિડની: 5,000થી 8,000 લોકો ઓસ્ટ્રેલિયન ઝંડા અને ઇમિગ્રેશન-વિરોધી તખ્તીઓ સાથે મેરાથન ગ્રાઉન્ડ પાસે ભેગા થયા હતા. નજીકમાં ‘રિફ્યુજી એક્શન કોએલિશન’ની વિરોધી રેલીમાં સેંકડો લોકો જોડાયા જેમણે આ રેલીઓને ‘જમણેરી એજન્ડા’ ગણાવ્યો હતો. પોલીસે સેંકડો અધિકારીઓ તૈનાત કર્યા અને મોટી ઘટના વગર રેલી પૂરી થઈ.
મેલબોર્ન : ફ્લિન્ડર્સ સ્ટ્રીટ સ્ટેશન બહાર ઓસ્ટ્રેલિયન ઝંડા અને તખ્તીઓ સાથે પ્રદર્શનકારો ભેગા થયા. એક પ્રદર્શનકાર થોમસ સેવેલે દાવો કર્યો કે “જો ઇમિગ્રેશન નહીં રોકીએ તો આપણું મોત નક્કી છે.” પોલીસ અને પ્રદર્શનકારો વચ્ચે ઝપાઝપી થઈ જેમાં મરચાંનો સ્પ્રે, લાઠીઓ અને હથિયારોનો ઉપયોગ થયો. છ લોકોની ધરપકડ થઈ અને બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા. મેલબોર્નમાં કુલ 5,000 લોકો સામેલ હતા.
પ્રદર્શનકારોની ફરિયાદો શું છે
પ્રદર્શનકારોએ જાહેર સેવાઓ અને આર્થિક તંગી અંગે નારાજગી વ્યક્ત કરી છે. સિડનીના ગ્લેન ઓલચિને કહ્યું, “આપણા બાળકોને ઘર મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે, હોસ્પિટલોમાં 7 કલાક રાહ જોવી પડે છે, અને રસ્તાઓ ઓછા પડે છે. સરકાર વધુ ને વધુ લોકોને અહીં લાવે છે.” આ ગ્રૂપે દાવો કર્યો કે પ્રવાસીઓ સંસાધનોનું શોષણ કરે છે અને સ્થાનિક સંસ્કૃતિને નુકસાન પહોંચાડે છે.
ભારતીયો અને યહૂદીઓ વિરુદ્ધ નફરત
આ રેલીઓમાં ભારતીયો ઉપરાંત યહૂદીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. ઓક્ટોબર 2023માં ઇઝરાયેલ-ગાઝા યુદ્ધ બાદ યહૂદી-વિરોધી હુમલાઓ વધ્યા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ચરમપંથી પ્રતીકોના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો અને ઉલ્લંઘન માટે જેલની સજાનો કાયદો લાગુ કર્યો. ભારતીય સમુદાય પર થયેલા હુમલાઓ જેમ કે જુલાઈ 2025માં એડિલેડમાં ભારતીય વિદ્યાર્થી ચરણપ્રીત સિંહ પર નસ્લવાદી હુમલો પણ આ પ્રદર્શનોનો પૂર્વઇતિહાસ દર્શાવે છે.
ઓસ્ટ્રેલિયાની લગભગ અડધી વસ્તી વિદેશી મૂળની છે, અને ભારતીયો એમાં મોટો હિસ્સો ધરાવે છે. આ રેલીઓ નફરત ફેલાવવાનો પ્રયાસ હોવા છતાં ઓસ્ટ્રેલિયન સરકાર અને સમાજનો મોટો ભાગ બહુસાંસ્કૃતિક એકતાને સમર્થન આપે છે. ભારત સરકારે પણ ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન સાથે આ મુદ્દે વાત કરવાની શક્યતા છે, જેમ કે 2023માં મંદિરો પર હુમલા બાદ કરવામાં આવી હતી.