સોમનાથમાં કોરિડોર ડિમોલિશનનો ભય! રાત જાગીને યુવાનો કરી રહ્યા છે દુઃખહરણ મંદિરનો પહેરો
- રાજ્ય સરકાર કેમ તોડી પાડવા માંગે છે 184 વર્ષ જૂના દુ:ખહરણ મંદિરને
- કેમ લોકો રાત્રે ઉજાગરા કરીને 184 વર્ષ જૂના મંદિરનું કરી રહ્યાં છે રક્ષણ?
- રાજ્ય સરકાર કેમ તોડી પાડવા માંગે છે 184 વર્ષ જૂના દુ:ખહરણ મંદિરને
સોમનાથ: સોમનાથ સાનિધ્યે પ્રસ્તાવિત કોરિડોર પ્રોજેક્ટ મુદ્દે 184 વર્ષ જૂના દુઃખહરણ મંદિરે બુલડોઝર ફરશે તેવી શક્યતાને લઇને લોકોમાં ભારે નારાજગી સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ મંદિર તૂટવાને લઈને લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો છે. આ મંદિરને બચાવવા માટે લોકો રાત્રિના ઉજાગરા કરી રહ્યાં છે. લોકોને એવો ડર છે કે તંત્ર રાતના અંધારમાં મંદિરને તોડી પાડી શકે છે. તેથી તેઓ જરાપણ ચૂક કર્યા વગર પાછલા કેટલાક દિવસથી રાત્રે જાગીને મંદિરનું રક્ષણ કરવા માટે મજબૂર બન્યા છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે વિકાસ માટે પ્રસ્તાવિત કોરિડોર પ્રોજેક્ટ મુદ્દે સ્થાનિકોમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે. આ કોરિડોરમાં 4 જેટલા મંદિર સહિત 384 મિલકતો હટાવવાની તંત્રએ કવાયત કરી છે, પરંતુ તંત્રની આ કવાયતનો સ્થાનિકો દ્વારા જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે. તો એક મંદિર તો એવો છે કે ત્યાં લોકો રાત્રિ પહેરો કરવા મજબૂર બન્યા છે.
દુ:ખહરણ મંદિરના મહંત
આ પણ વાંચો-જામનગર: બાર એસોસિએશનના વકીલોની SP કચેરીએ રજૂઆત, નિર્મલસિંહ જાડેજા પર ખોટી ફરિયાદનો આક્ષેપ
184 વર્ષથી સોમપુરા બ્રહ્મ સમાજના તાબા હેઠળ
વાત છે જૂના સોમનાથ મંદિર નજીક આવેલા અને 184 વર્ષથી સોમપુરા બ્રહ્મ સમાજના તાબા હેઠળના દુઃખહરણ મહારાજ મંદિરની જ્યાં બુલડોઝર ફરે તેવી શક્યતા છે. જેથી સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના યુવાનો મંદિરની બહાર અને અંદર રાત્રિ પહેરો ભરી રહ્યા છે. કારણ કે તેમને મંદિર ડિમોલિશન થવાનો ભય સતાવી રહ્યો છે અને રાત્રિ પહેરો કરી રહ્યા છે.
આ મુદ્દે વેરાવળ ડે. કલેક્ટર વિનોદ જોશીએ સ્થાનિકોને જણાવ્યું હતું કે આ જગ્યા શ્રી સરકારની છે અને આગામી મંદિર કોરિડોર યોજના અંતર્ગત આ જગ્યા ઉપયોગમાં લેવામાં આવશે. મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે આ મંદિરની જગ્યા સોમપુરા બ્રહ્મ સમાજને રસુલખાન દ્વારા આપવામાં આવી છે અને વર્ષોથી આ જગ્યા ઉપર મંદિર બનેલું છે. જેથી કરીને આ જગ્યાના ડોક્યુમેન્ટ પણ અમારી પાસે ઉપસ્થિત છે, જેથી આ વર્ષો જૂની જગ્યા પર કોઈપણ પ્રકારનું ડિમોલિશન ના થવું જોઈએ.
શ્રી સરકારમાં ગણાવવામાં આવતી જમીનના સાચા ડોક્યુમેન્ટ મંદિર પાસે
તેમ છતાં 5 ઓગસ્ટના રોજ વેરાવળના ડેપ્યુટી કલેક્ટરની ટીમ મંદિર પર આવી હતી અને અહીં નિશાની કરીને જણાવ્યું હતું કે આ જગ્યાએ ડિમોલિશન કરવાનું છે. તેમણે પૂજારીને તેમની વસ્તુઓ સાચવી લેવા જણાવ્યું હતું અને બુલડોઝર ગમે ત્યારે આવી શકે છે એવી ચેતવણી પણ આપી હતી. આ ઘટનાથી સમુદાયમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને લોકોનો તંત્ર પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. આ દેવાલય સાથે સમસ્ત પ્રભાસ પાટણનગરના લોકોની આસ્થા જોડાયેલી છે ત્યારે આગામી દિવસોમાં કોરિડોરની કામગીરીને પગલે શું થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો-જૂનાગઢ : પોલીસને દેવાયત ખવડની મળી ફોર્ચ્યુનર-ક્રેટા કાર, હવે થશે દૂધનું દૂધ પાણીનું પાણી