પીઢ અભિનેતા સંજય ખાનના પત્ની અને સુઝાન-ઝાયેદ ખાનના માતા ઝરીન ખાનનું 81 વર્ષની વયે નિધન
- Zarine Khan Death: સંજ્યખાનના પત્ની ઝરીન ખાનનું નિધન
- મુંબઇમાં નિવાસ્થાને લીધા અંતિમ શ્વાસ
- ઝરીનખાન મોડલ અને અભિનેત્રી હતા
બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યાં પીઢ અભિનેતા-ફિલ્મ નિર્માતા સંજય ખાનના પત્ની અને સુઝાન ખાન તેમજ અભિનેતા ઝાયેદ ખાનના માતા ઝરીન ખાનનું 81 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. ઝરીન ખાન લાંબા સમયથી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા, અહેવાલ મુજબ નિધનનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવી રહ્યા છે. તેમણે શુક્રવારે 7 નવેમ્બર 2025ના રોજ મુંબઈ સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ઝરીન ખાન 1960ના દાયકાના જાણીતા મોડેલ અને અભિનેત્રી હતા. બાદમાં તેમણે સફળતાપૂર્વક ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકેની કારકિર્દી બનાવી હતી.
મુંબઇના જુહુ સ્મશાનગૃહમાં કરાયા અંતિમ સંસ્કાર
ઝરીન ખાનના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર શુક્રવારે સાંજે 4 વાગ્યે જુહુ સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા. ઝરીન ખાનના પુત્ર ઝાયેદ ખાનએ ભારે હૃદયે પરિવારની હાજરીમાં હિન્દુ વિધિઓ અનુસાર અંતિમ સંસ્કારની વિધિ કરી હતી. નોંધનીય છે કે ઝરીન ખાન (કતરક) પારસી હતા અને તેમણે સંજય ખાન સાથે લગ્ન કર્યા પછી ધર્મ પરિવર્તન કર્યું ન હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઝરીન ખાનની અંતિમ ઇચ્છા હિન્દુ વિધિઓ અનુસાર અંતિમ સંસ્કાર કરવાની હતી, જેનું પરિવારે પાલન કર્યું હતું. આ દુઃખની ઘડીમાં સુઝાન ખાનના પૂર્વ પતિ ઋત્વિક રોશન પણ તેમના પરિવાર સાથે ખાન પરિવારને ટેકો આપવા માટે સ્મશાનભૂમિ ખાતે હાજર રહ્યા હતા.
બોલીવુડની અનેક હસ્તીઓએ આપી શ્રદ્વાંજલિ
ઝરીન ખાનના નિધનના સમાચાર મળતા જ બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ ખાન પરિવારને સાંત્વના આપવા માટે પહોંચી હતી. તેમના નિવાસસ્થાને અને અંતિમ સંસ્કારમાં હાજર રહેલા સેલિબ્રિટીઝમાં જયા બચ્ચન, શબાના આઝમી અને બોબી દેઓલ સહિત અન્ય કલાકારોએ ઝરીન ખાનને શ્રદ્ધાંજલિ આપી હતી. ઝરીન ખાનની આત્માની શાંતિ માટે સોમવારે મુંબઈના જેડબ્લ્યુ મેરિયટ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પરિવાર અને મિત્રો તેમને અંતિમ વિદાય આપશે.
Zarine Khan Death: ઝરીન ખાન અભિનેત્રી સાથે સફળ ઇન્ટિરિયર ડિઝાઇનર પણ હતા
12 જુલાઈ 1944 ના રોજ જન્મેલા ઝરીન ભારતીય અભિનેત્રી, સફળ ઇન્ટિરિયર ડિઝાઇનર અને પ્રખ્યાત કુકબુકના લેખિકા હતા. તેમનો જન્મ બેંગલુરુના પારસી પરિવારમાં થયો હતો. તેમણે કોલેજમાં અભ્યાસ નહોતો કર્યો અને સ્કૂલ પછી જ ક્રિએટિવિટી અને બિઝનેસની દુનિયામાં સક્રિય થયા હતા. ઝરીને વર્ષ 1960 ના દાયકા દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે 1963માં ફિલ્મ તેરે ઘર કે સામને'થી અભિનયમાં ડેબ્યૂ કર્યું હતું અને ટૂંકા સમય માટે એક્ટિંગ ક્ષેત્રે સક્રિય રહ્યાં હતાં. ત્રણ વર્ષ પછી, ૧૯૬૬માં તેમણે સંજય ખાન સાથે લગ્ન કર્યા. તેઓ ફિલ્મ એક ફૂલ દો માલી માં કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે પણ કામ કરવા માટે જાણીતા હતા.
આ પણ વાંચો: અભિનેત્રી Sulakshana Pandit નું 71 વર્ષની વયે નિધન, ગાયન અને અભિનયનો એક યુગ સમાપ્ત!