Junagadh: 'સત્તામાં હતા ત્યારે રોજગાર અભિયાન યાદ ન આવ્યું?', દિનેશભાઈ ખટારીયાએ વિરોધીઓને આડે હાથ લીધા
- Junagadh જિલ્લા ભાજપના નેતાની પોસ્ટ સો.મીડિયામાં વાયરલ
- મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના કર્યા વખાણ
- સરકારની વિરુદ્ધ ટિપ્પણી કરતા લોકોને આડેહાથ લીધા
- દિનેશભાઈ ખટારીયાએ વિરોધીઓને આપ્યો વળતો જવાબ
- નામ લીધા વિના પટ્ટા ઉતારવા મુદ્દે જીગ્નેશ મેવાણી પર કર્યા પ્રહાર
- જવાહર ચાવડાના રોજગાર અભિયાન મુદ્દે પણ માર્યા ચાબખા
- સત્તા પર હતા ત્યારે રોજગાર અભિયાન યાદ ના આવ્યું: દિનેશભાઈ
- સરકારે પોલીસમાં 26063 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરી: દિનેશભાઈ
Junagadh : સાવજ ડેરીના ચેરમેન અને જૂનાગઢ જિલ્લા ભાજપના અગ્રણી નેતા દિનેશભાઈ ખટારીયા (Dineshbhai Khataria) એ હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. આ વીડિયોમાં તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સરાહના કરી હતી અને સાથે જ સરકાર વિરુદ્ધ ટિપ્પણીઓ કરનારા વિરોધીઓને આડેહાથ લીધા હતા. દિનેશભાઈ ખટારીયાએ સરકારની કામગીરીના ભરપૂર વખાણ કરતાં સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત સરકાર પારદર્શકતા અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા સાથે આગળ વધી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે લોકો સતત સરકારની ટીકા કરી રહ્યા છે, તેમણે હકીકતો તપાસીને વાત કરવી જોઈએ.
નામ લીધા વિના વિરોધીઓને નિશાન બનાવ્યા
આ વીડિયોમાં દિનેશભાઈએ કેટલાક વિપક્ષી નેતાઓને નામ લીધા વિના સીધા નિશાન બનાવ્યા હતા. ખાસ કરીને પટ્ટા ઉતારવા જેવા મુદ્દે ચર્ચામાં રહેલા નેતા જીગ્નેશ મેવાણી પર તેમણે આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત, તેમણે પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા જવાહર ચાવડાના (Jawahar Chavda) 'રોજગાર અભિયાન' મુદ્દે પણ જોરદાર ચાબખા માર્યા હતા. ખટારીયાએ સવાલ ઉઠાવ્યો હતો કે, જ્યારે જવાહરભાઈ ચાવડા પોતે સત્તામાં હતા, ત્યારે તેમને આ રોજગાર અભિયાનની યાદ કેમ ન આવી? સત્તા પરથી હટ્યા પછી જ તેમને બેરોજગારીનો મુદ્દો શા માટે યાદ આવે છે? આ પ્રકારના નિવેદનો માત્ર રાજકીય સ્ટંટ હોવાનું તેમણે ગણાવ્યું હતું.
26 હજારથી વધુ પોલીસ ભરતીનો ઉલ્લેખ
વિરોધીઓને જડબાતોડ જવાબ આપતાં દિનેશભાઈએ સરકારની એક મોટી સિદ્ધિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં 26,063 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરી છે, જે યુવાનોને રોજગારી આપવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ આંકડો જણાવીને તેમણે વિરોધીઓને એવો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, સરકાર માત્ર વાતો નહીં, પણ નક્કર કામગીરી કરવામાં માને છે. દિનેશભાઈ ખટારીયાનો આ વાયરલ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચોઃ Rajkot માં આવતીકાલે ભારતીય વાયુસેના દ્વારા એર શોનું ભવ્ય આયોજન