Sabarkantha : અરવલ્લી જિલ્લાની દૂધ ઉત્પાદક મંડળીઓમાં બની બેઠેલા સહકારી નેતાઓએ કબજો જમાવ્યો
- બાયડ તાલુકાની દૂધ મંડળીમાં ગેર વહીવટની આશંકાથી તપાસ
- તપાસ કરતા અધિકારીએ કુલડીમાં ગોળ ભાગ્યો
- અધિકારી ખુદ કહે છે હા તપાસ કરી પણ કશું શંકાસ્પદ ન મળ્યું
Sabarkantha : સાબરકાંઠાને અરવલ્લી જિલ્લામાં આવેલી અનેક દૂધ ઉત્પાદક મંડળીઓમા બની બેઠેલા સહકારી નેતાઓએ કબજો જમાવી દીધો છે. તેઓ સૌપ્રથમ સ્થાનિક દૂધ મંડળીમાં ચેરમેન બની જાય છે અને તે પછી સાબર ડેરીની ચૂંટણી લડવા માટે ઉમેદવાર બની ગયા પછી તેઓ જાણે કે બાદશાહ થઈ ગયા હોય તેમ તેઓ વહીવટ કરીને દૂધ ઉત્પાદકોને તથા સ્થાનિક મંડળીના કર્મચારીઓની મિલી ભગતને કારણે પોતાને અનુકૂળ હોય તેવા હિસાબો લખીને જિલ્લા રજીસ્ટરને બતાવે છે.
સહકારી સંસ્થાઓમાં બધું જ પોલમ પોલ હોય છે
લોકોનું કહેવું છે કે ઓડિટમાં કેટલાક વાંધાઓનો રિપોર્ટ આવે તે પછી કેટલાક લોકોને જાણ થયા બાદ તેઓએ થોડાક સમય અગાઉ અરવલ્લી જિલ્લાના રજીસ્ટારને લેખિત જાણ કરે પછી તપાસ શરૂ થઈ હતી. જેમાં સાબરડેરીના એક જાણીતા પદાધિકારી જે મંડળીમાં ચેરમેન હતા ત્યાં તપાસનો દોર આરંભાયો હતો પરંતુ સહકારી રાજકારણીઓની ઊંચી પહોંચને લીધે તેઓએ તપાસનો અહેવાલ તૈયાર કરે તેમાં સામાન્ય ભૂલો હોવાનું કબૂલીને તેનો રિપોર્ટ રાજ્ય રજીસ્ટારને મોકલી આપે છે. આવક અને જાવકના જે હિસાબો રજૂ કરાયા છે તેમાં શંકાઓ ઉપજાવે છે પણ આ સહકારી નેતાઓને વગને કારણે અધિકારીઓ પણ ચૂપ બની જાય છે. એટલે લોકો કહે છે કે સહકારી સંસ્થાઓમાં બધું જ પોલમ પોલ હોય છે તમે ગમે એટલી બૂમો પાડો પણ આ સહકારી નેતાઓ કોઈને ગાંઠતા નથી જેના લીધે ગાંધીજીના સહકારના સિદ્ધાંત પર ચાલતી આ સંસ્થાઓ સામે ભવિષ્યમાં ભય સ્થાન ઉભું થાય તો નવાઈ નહીં.
દૂધ ઉત્પાદકો અને સભાસદોનો રોષ હદ વટાવશે ત્યારે શું થશે
લોકો દ્વારા જાણવા મળ્યું છે કે સાબર ડેરી સહિત અન્ય સહકારી સંસ્થાઓની જ્યારે પણ વાર્ષિક સાધારણ સભા યોજાય ત્યારે ગણતરીની મિનિટોમાં કામકાજ આટોપી લેવાય છે. જો કોઈ વિરોધ કરે તો ઓફિસમાં મળજો તેમ કહીને કેમેરાની સાક્ષીએ સામાન્ય સભાની કાર્યવાહી પૂર્ણ કરી દેવાય હોવાની જાહેરાત કરવામાં આવે છે તે કેટલું વ્યાજબી છે તે સમજાતું નથી ખેર સહકારી સંસ્થાઓમાં વર્ષમાં ઓછામાં ઓછી બે વખત ડિરેક્ટરો અને ઉચ્ચ અધિકારીઓને વસ્તુ કે પ્રવાસ રૂપે જે મોજ મજા કરાવાય છે તેની પાછળ કોના પૈસા વપરાય છે તે તપાસ કરવી જોઈએ. છાસવારે પોતાનું સારું લગાડવા માટે આ સહકારી નેતાઓ પાછી પાની કરતા નથી પરંતુ જ્યારે દૂધ ઉત્પાદકો અને સભાસદોનો રોષ હદ વટાવશે ત્યારે શું થશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે પણ આજે તો આ સહકારી નેતાઓ કાયદાની છટકબારીઓની બીક બતાવીને વિરોધ કરનારાઓને ચૂપ કરી દે છે ખાસ કરીને સાબરડેરીના ડિરેક્ટરો દૂધે ધોયેલા નથી કારણ કે તેઓ ડિરેક્ટર બન્યા બાદ પોતાના સગા વાલાઓ કે પરિવારના નામે જે કોન્ટ્રાક્ટ લઈને કમાણી કરી રહ્યા છે તે પુરાવો છે.
બિચારા દૂધ ઉત્પાદકોની હાલત કફોડી બની ગઈ છે
હવે તો સાબરકાંઠા અને અરવલ્લીની સહકારી સંસ્થાઓનો સૂર્ય જ્યારે મધ્યાહને હતો ત્યારે એકલા ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાંથી અનેક દૂધ ઉત્પાદકોને સહકારી રાજકારણીઓ ગુજરાતની શ્વેતક્રાંતિ જોવા માટે આવતા હતા અને સ્થાનિક કક્ષાએથી ઉચ્ચ સુધી સહકારી માળખાની જાણકારી મેળવી તેઓ આનંદવિભોર થઈ જતા હતા. પણ હવે સ્થિતિ બદલાય છે આમ જોવા જઈએ તો આજે સાબરકાંઠા અને અરવલ્લીનો સહકારી રાજકારણ એટલું બધું સ્વાર્થી બની ગયું છે કે ના પૂછો વાત આ સહકારી નેતાઓ કોઈ ભાવિ પેઢી તૈયાર થાય તો તેને મદદરૂપ થવાને બદલે દાબી દેવામાં માહેર બની ગયા છે. હાલના સહકારી નેતાઓ માને છે કે અમે છીએ ત્યાં સુધી કોઈને પણ સહકારી સંસ્થાઓ પર નજર રાખવાની નથી કે પદ મેળવવા માટે સહકારી રાજકારણમાં આવવાનો નથી એવું પણ મનાઈ રહ્યું છે કે પક્ષીય રાજકારણમાં પક્ષ જોવાય છે પણ સહકારી રાજકારણમાં આવું કશું નથી તે વર્તમાન સમયમાં સહકારી સંસ્થાઓમાં હોદ્દા પર બિરાજમાન નેતાઓને જોશો તો ખબર પડશે પણ અહીં તો કોઈ પૂછવા વાળું નથી પૈસા ફેકો ને તમાસા દેખો તેવી નીતિને કારણે બિચારા દૂધ ઉત્પાદકોની હાલત કફોડી બની ગઈ છે ખેર સમય બદલાશે ત્યારે કંઈક નવું થશે એ ચોક્કસ પરંતુ હાલ તો થોભો અને રાહ જોવાની નીતિ મુજબ સમયની રાહ જોવી રહી તેમ સ્થાનિકો જણાવી રહ્યાં છે.
અહેવાલ - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો: Gujarat Rain : 24 કલાકમાં રાજ્યના 31 તાલુકામાં વરસાદ, જાણો ક્યા કેટલી થઇ મેઘમહેર