Etawah Roadways Bus Accident: રાત્રિના અંધકારમાં કાળમુખો અકસ્માત
આ અરેરાટીભરી ઘટના ગુરુવારે મોડી રાત્રે આશરે 11 વાગ્યે બાગવાલા પોલીસ સ્ટેશન વિસ્તારના કીલરમઉ ગામ પાસે બની હતી. એટા ડેપોની રોડવેઝ બસ રસ્તામાં અચાનક બંધ પડી ગઈ હતી. બસના ચાલકે વાહનને રસ્તાની એક બાજુએ ઊભું રાખ્યું હતું. ત્યારબાદ બસને ફરીથી સ્ટાર્ટ કરવા માટે આશરે 10 જેટલા મુસાફરો બસની પાછળ જઈને ધક્કો લગાવી રહ્યા હતા, જ્યારે કેટલાક પ્રવાસીઓ બસની આગળના ભાગમાં ઊભા હતા. આ દરમિયાન પાછળથી આવેલા એક સ્પીડમાં જતા કન્ટેનરે બસને કચડી નાખી હતી.
Etawah Roadways Bus Accident: બસ અને કન્ટેનર વચ્ચે મુસાફરો દબાયા
આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બસને ધક્કો મારી રહેલા મુસાફરો બસ અને કન્ટેનરના લોખંડના ભાગો વચ્ચે ખરાબ રીતે દબાઈ ગયા હતા. આ સાથે જ બસની આગળ ઊભેલા લોકો પણ આ અકસ્માતની જોરદાર લપેટમાં આવી ગયા હતા. ઘટના બાદ ઘટનાસ્થળે ભારે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ગ્રામજનોની મદદથી તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
હોસ્પિટલમાં 5 લોકોને મૃત જાહેર કરાયા
મેડિકલ કોલેજના ઈમરજન્સી વોર્ડમાં ફરજ પરના તબીબોએ 4 લોકોને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં રાજેશ (34 વર્ષ), સુખરામ અને શૈલેષ કુમાર (તમામ રહેવાસી ફરરૂખાબાદ જિલ્લા) તેમજ બુલંદશહરના રહેવાસી સત્યેન્દ્રનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય 1 મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ અકસ્માતમાં રવિ, વિક્રાંત, આનંદ સિંહ અને દક્ષ સહિત અન્ય કેટલાક લોકો ગંભીર રીતે જખમી થયા છે. આ તમામ ઈજાગ્રસ્તોની સારવાર અત્યારે હોસ્પિટલમાં ચાલી રહી છે.
ફરાર કન્ટેનર ચાલકની શોધખોળ શરૂ
આ ભયાનક માર્ગ અકસ્માત બાદ કન્ટેનરનો ચાલક વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસની અલગ-અલગ ટીમો હાલમાં અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા કન્ટેનર ચાલકની શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચો--- Atal Tunnel Accident : અતલ ટનલ બહાર નીકળતા જ સ્કોર્પિયો બેરિકેડ તોડી નીચે ખાબકી, રૂંવાડા ઊભા કરી દેશે Video!