Ahmedabad Air India Plane Crash : Vadodara માં મૃતદેહો માટે બની રહ્યાં છે કોફિન
Ahmedabad Plane Crash : અમદાવાદમાં સર્જાયેલી ઇન્ડિયન એરલાઇન્સના વિમાન ક્રેશની ગોઝારી દુર્ઘટનામાં 265 જેટલા લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ ભયાવહ ઘટના બાદ મૃતકોના પાર્થિવ દેહને તેમના પરિવારજનોને સોંપવા માટે વડોદરાની એક સંસ્થાને એર ઇન્ડિયા દ્વારા 100 કોફીન બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જેને આજે મોડી રાત સુધીમાં અમદાવાદ પહોંચાડી દેવાશે.
કોફીન બનાવનાર કારીગરો પણ ભાવુક બન્યા
આ અંગે કોફીન બનાવનાર સંસ્થાના અગ્રણી એડવિનભાઈએ જણાવ્યું હતું કે, એક કોફીન બનાવતા બે થી ત્રણ કલાક જેટલો સમય લાગે છે. કુલ સાતથી આઠ વ્યક્તિઓની ટીમ યુદ્ધના ધોરણે કોફીન બનાવવાની કામગીરી કરી રહી છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં દુર્ઘટનાના મૃતકો માટે કોફીન બનાવવામાં આવી રહ્યા હોવાથી, આ કામગીરી કરનાર કારીગરો પણ ભાવુક બન્યા છે. એડવિનભાઈએ કહ્યું કે, "આવી દુર્ઘટના અંગે મન પણ માનવા તૈયાર નથી.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે
મૃતદેહોના અવશેષો સુરક્ષિત રીતે રહી શકે તે રીતે લાકડામાંથી કોફીન બનાવવામાં આવે છે. તેની લંબાઈ અને ઊંચાઈ બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે, કારણ કે મૃતકની સ્થિતિ કેવી છે તેની કોઈને જાણ હોતી નથી. કોફીન તૈયાર થયા બાદ તેની અંદર પ્લાસ્ટિકની બેગ મૂકવામાં આવે છે જેથી મૃતકના શરીરનું પાણી કે જંતુ કોઈને ન લાગે. કારીગરોએ ગઈ મોડી રાત સુધી જાગીને 25 કોફીન તો બનાવી દીધા છે જે આજે બપોરે 3 વાગ્યે અમદાવાદ રવાના કરી દેવાયા છે જ્યારે બાકીના કોફીન રાત સુધીમાં રવાના કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટિંગ સહિતની પ્રક્રિયાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે, ત્યારબાદ જ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.