Gokuldham Cricket Champions League: વડોદરાના ખેલાડીઓનો વિજયી ડંકો, ટીમે જીત્યો મેગા ફિનાલે
- Anand: સંસ્કૃતિ સલૂન વડોદરા બન્યું ગોકુલધામ લીગનું નવું સરતાજ
- હજારોની મેદની વચ્ચે વડોદરાની ટીમે જીત્યો મેગા ફિનાલે
- 21 રને અમદાવાદને હરાવી વડોદરાએ ઉંચકી વિજેતા ટ્રોફી
Anand: ગોકુલધામ સ્પોર્ટ્સ અકેડમી દ્વારા આયોજિત અને અત્યંત લોકપ્રિય બનેલી “ગોકુલધામ ક્રિકેટ ચેમ્પિયન્સ લીગ 2026” (GCCL) નો ભવ્ય સમાપન સમારોહ 7 મે 2026ના રોજ સંપન્ન થયો. હજારો રમતપ્રેમીઓની મેદની અને ભક્તિમય વાતાવરણ વચ્ચે રમાયેલી આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ઐતિહાસિક સાબિત થઈ છે. આ પ્રસંગે અનેક સંતો, મહાનુભાવો અને ખેલ જગતની હસ્તીઓએ હાજરી આપી યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
માઝા માવેરીક્સને 21 રને હરાવ્યું
મેગા ફિનાલેમાં સંસ્કૃતિ સલૂન વડોદરા અને માઝા માવેરીક્સ અમદાવાદ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા વડોદરાની ટીમે મજબૂત સ્કોર ઊભો કર્યો હતો, જેના જવાબમાં અમદાવાદની ટીમ નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચી શકી નહોતી. સંસ્કૃતિ સલૂન વડોદરાએ શાનદાર રમતનું પ્રદર્શન કરી માઝા માવેરીક્સને 21 રને હરાવીને ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. વિજેતા ટીમને ભવ્ય ટ્રોફી અને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
40 થી વધુ ટીમોએ ભાગ લીધો
28 માર્ચથી શરૂ થયેલી આ લીગમાં આ વર્ષે 40 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો, જે ગત વર્ષની સરખામણીએ મોટી સફળતા દર્શાવે છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોની ટીમોએ પણ આ સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. વિશેષ આકર્ષણ તરીકે રણજી ટ્રોફી, આઈપીએલ અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમતા સ્ટાર ખેલાડીઓએ મેદાન ગજવ્યું હતું, જેણે સ્થાનિક યુવા ખેલાડીઓને પ્રેરણા પૂરી પાડી હતી.
સંતો અને સ્પોન્સર્સની ગરિમામય હાજરી
કાર્યક્રમ દરમિયાન ગોકુલધામના સ્વપ્નદ્રષ્ટા પૂજ્ય શુકદેવ સ્વામીજી તથા પૂજ્ય ડો. સંતસ્વામીએ ખેલાડીઓને આશીર્વચન પાઠવ્યા હતા. પાશમ ગ્લોબલ, આનંદ ઈડેબલ ઓઈલ અને કેડીસીસી બેંક જેવા પ્રતિષ્ઠિત સ્પોન્સર્સના પ્રતિનિધિઓએ વિજેતાઓને સન્માનિત કર્યા હતા. ગોકુલધામ સ્પોર્ટ્સ અકેડમીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ પ્રતિભાને વૈશ્વિક સ્તરનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જે આ આયોજન દ્વારા સાર્થક થતો જણાયો હતો.
આ પણ વાંચોઃ 100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ હવે તમારા ટીવી પર! જુઓ Laalo


