Vadodara: અમેરિકા સ્થિત જમીન માલિક સાથે વિશ્વાસઘાત, કરોડોની જમીન હડપનાર બિલ્ડર 'ટીનો શાહ' જેલના સળિયા પાછળ
- વડોદરા (Vadodara) માં કરોડોની જમીનની છેતરપિંડીનો પર્દાફાશ
- બિલ્ડર ભૂપેન્દ્ર ઉર્ફે ટીનો શાહની ધરપકડ
- ગોત્રી પોલીસ સ્ટેશનમાં 4 સામે ગુનો નોંધાયો
- ખોટા દસ્તાવેજોથી જમીન હડપવાનો આરોપ
- જમીન માલિક છેતરપિંડી બાદ અમેરિકાથી દોડી આવ્યા
વડોદરા (Vadodara) શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી બહુમૂલ્ય જમીનમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં કુખ્યાત બિલ્ડર ભૂપેન્દ્ર શાંતિલાલ શાહ ઉર્ફે ટીનો શાહની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. તેમની સાથે સાગરીત વિજય પંચાલની પણ ધરપકડ કરાઈ છે. આ કેસમાં કુલ ચાર આરોપીઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરાના આરોપો હેઠળ ગુનો નોંધાયો છે.
વડોદરા (Vadodara) માં કરોડોની જમીનની છેતરપિંડીનો પર્દાફાશ
મળતી માહિતી મુજબ આરોપીઓએ ખોટા દસ્તાવેજો અને બોગસ બાનાખત બનાવીને ગોત્રી ગામની સોનાની લગડી જેવી કિંમતી જમીન હડપી લીધી હોવાનો આરોપ છે. આ જમીનનું ટાઇટલ ક્લિયર કરવા માટે જમીન માલિકોએ ભૂપેન્દ્ર શાહને પાવર ઓફ એટર્ની આપી હતી, પરંતુ તેણે તેનો દુરુપયોગ કર્યો અને ખોટા દસ્તાવેજો દ્વારા જમીનનું ટ્રાન્સફર કરી દીધું.
જમીન માલિક છેતરપિંડી બાદ અમેરિકાથી દોડી આવ્યા
જમીનના મૂળ માલિકોમાંથી એક અમેરિકામાં સ્થાયી થયેલા હતા અને છેતરપિંડીની જાણ થતાં જ તેઓ તાત્કાલિક અમેરિકાથી ભારત પરત ફર્યા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.ફરિયાદ મળતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં જ ભૂપેન્દ્ર ઉર્ફે ટીનો શાહ (માંજલપુર વિસ્તાર) અને સાગરીત વિજય પંચાલ (છાણી વિસ્તાર)ને ઝડપી લીધા. આ ઉપરાંત મયુરીકા પટેલ અને પી.કે. મોરે સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને તેમની શોધખોળ ચાલુ છે.
પોલીસે ગુનાહિત કાવતરું તેમજ છેતરપિંડી સહિતની કલમો હેઠળ તપાસ તેજ કરી
પોલીસે આ મામલે છેતરપિંડી (IPC 420), વિશ્વાસઘાત (IPC 406), ગુનાહિત કાવતરું (IPC 120B) અને અન્ય સંબંધિત કલમો હેઠળ તપાસ તેજ કરી છે. આ કેસમાં જમીનનું ક્ષેત્રફળ હજારો ચોરસ મીટર છે અને તેની કિંમત કરોડોમાં છે. પોલીસે આરોપીઓ પાસેથી વધુ પુરાવા એકત્ર કરીને તપાસ આગળ વધારી છે.
આ પણ વાંચો: Rajkot: "સંઘ ભાજપને કંટ્રોલ કરતું નથી અમે વોટ બેંકની રાજનીતિ નથી" RSSના વડા મોહન ભાગવતનું નિવદેન


