Chhota Udepur: SF હાઈસ્કૂલ ગેટ પાસે પાણી જ પાણી, તંત્રની ઘોર બેદરકારીથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
- Chhota Udepur ની SF હાઈસ્કૂલના ગેટ પર પાણીના ફુવારા ઉડ્યા
- પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા શાળાના ગેટ પાસે નદી વહી
- શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં ભારે તકલીફ
- તંત્ર દ્વારા પાણીની પાઇપલાઇન વહેલી તકે રીપેરીંગ કરવા માંગ
Chhota Udepur:છોટાઉદેપુર નગરમાં આવેલી એસ.એફ. હાઈસ્કૂલ(SF High School) ના મુખ્ય ગેટ પર છેલ્લા ચાર દિવસથી પાણીનો જબરજસ્ત ભરાવો થતાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. નગરપાલિકાની મેઈન પાણીની લાઈનમાં ભંગાણ પડવાને કારણે હજારો લિટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે, એટલું જ નહીં પરંતુ શાળાના પ્રવેશ દ્વાર પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એસ.એફ. હાઈસ્કૂલના ગેટ પર પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ થયું છે. જેના કારણે છેલ્લા ચાર દિવસથી સતત પાણીના ફુવારા નીકળી રહ્યા છે અને આ પાણી ગેટની આસપાસના વિસ્તારમાં ભરાઈ રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર 'જળ એ જ જીવન'ના નારા સાથે પાણી બચાવવાની અપીલ કરી રહી છે, ત્યારે બીજી તરફ નગરપાલિકાની બેદરકારીને કારણે કિંમતી પીવાના પાણીનો આટલો મોટો વેડફાટ થઈ રહ્યો છે.
વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી
હાઈસ્કૂલના ગેટ પર જ પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓ માટે શાળામાં પ્રવેશ કરવો અને બહાર નીકળવું કપરૂ બની ગયું છે. શાળામાં આવતા નાના બાળકો અને વિદ્યાર્થિનીઓને આ ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. સ્થાનિક રહીશો અને શાળા સંચાલકો દ્વારા નગરપાલિકામાં આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા આ ભંગાણનું રિપેરિંગ કરવામાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાલિકાના અધિકારીઓ આળસ દાખવી રહ્યા છે અને પરિણામે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. જો આ ભંગાણનું તાત્કાલિક રિપેરિંગ નહીં કરાય તો પાણીનો આ વેડફાટ અટકાવવો અશક્ય બની જશે.
રોગચાળો ફાટી નીકળવાનો ભય
હાઈસ્કૂલના ગેટ પાસે જ પાણીનો કાયમી ભરાવો રહેવાથી હવે એક મોટો ખતરો ઊભો થયો છે. વરસાદી માહોલ ન હોવા છતાં પાણી ભરાયેલું રહેવાથી અહીં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય સ્થાનિકો અને વાલીઓમાં વ્યાપી ગયો છે. ગંદકી અને સ્થિર પાણી ડેન્ગ્યુ, મેલેરિયા જેવા ગંભીર રોગોને આમંત્રણ આપી શકે છે, જે સીધા શાળાના હજારો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે. જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો, વિદ્યાર્થીઓની હાલાકી વધશે અને સાથે જ જાહેર આરોગ્ય માટે પણ મોટો પડકાર ઊભો થશે.
અહેવાલઃ સલમાન મેમણ
આ પણ વાંચોઃ Chhota Udepur: ખેડૂતો ભૂખ્યા-તરસ્યા ખાતર લેવા રાત્રિથી લાંબી કતારોમાં લાગ્યા!