Gokuldham Winter Cup 2025 : ઐતિહાસિક ફાઇનલમાં વી.એસ. પેકેજિંગ વડોદરાનો ભવ્ય વિજય
- Gokuldham Winter Cup 2025નું સફળ સમાપન
- રોમાંચક ફાઇનલમાં વડોદરાનો વિજય
- 3 એવોર્ડ સાથે મોહિત મોંગીયાનું દમદાર પરફોર્મન્સ
- સમગ્ર ગુજરાતમાંથી 52 ટીમોની જોરદાર ટક્કર
- ગોકુલધામ વિન્ટર કપમાં યુવા ખેલાડીઓની ઝળહળતી પ્રતિભા
Gokuldham Winter Cup 2025 : ગોકુલધામ નાર દ્વારા આયોજિત 'ગોકુલધામ વિન્ટર કપ 2025' ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉત્સાહ, ઉમંગ અને ઉચ્ચ ખેલભાવના સાથે સફળતાપૂર્વક સમાપન થયું છે. સમગ્ર ગુજરાતના યુવા ખેલાડીઓની પ્રતિભાને એક વિશાળ અને સકારાત્મક મંચ પૂરો પાડતી આ રોમાંચક ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વી.એસ. પેંકજીંગ, વડોદરા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
રોમાંચક ફાઇનલમાં વડોદરાનો વિજય
ફાઇનલ મેચમાં વી.એસ. પેંકજીંગ, વડોદરાની ટીમે પોતાના વિરોધી મારુતિ ઇલેવન, આણંદ સામે 6 વિકેટથી વિજય મેળવીને ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. મારુતિ ઇલેવન, આણંદની ટીમે પણ ઉત્તમ પર્ફોમન્સ આપીને રનર-અપ સ્થાન મેળવ્યું હતું. આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી કુલ 52 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં યુવા ખેલાડીઓની ટેકનિકલ કુશળતા અને ટીમવર્કનો અદ્ભૂત દેખાવ જોવા મળ્યો હતો.
મુખ્ય એવોર્ડ વિજેતાઓ અને સ્પોન્સર્સ (Gokuldham Winter Cup 2025)
વ્યક્તિગત પુરસ્કારોમાં મોહિત મોંગીયાનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું હતું. તેમને મેન ઑફ ધ મેચ, શ્રેષ્ઠ બોલર અને મેન ઑફ ધ સિરીઝ એમ 3 પ્રતિષ્ઠિત પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે અક્ષય મોરેને શ્રેષ્ઠ બેટ્સમેનનો પુરસ્કાર મળ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ચારુસેટ યુનિવર્સિટીએ મુખ્ય સ્પોન્સર તરીકે, અનંતા રિસોર્ટ કો-સ્પોન્સર તરીકે અને જનમંગલ જ્વેલર્સ મેન ઑફ ધ મેચના સ્પોન્સર તરીકે પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
સમાપન સમારોહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ
ક્લોઝિંગ સેરેમનીમાં સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, આણંદના કલેક્ટર પ્રવીણભાઈ ચૌધરી, ઋષિ ગુરુશરણમજી, અતુલભાઈ પટેલ, મહેશભાઈ પાટીદાર, અન્ય સમાજશ્રેષ્ઠીઓ અને સ્વામિનારાયણ યુનિવર્સિટીના સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુરુવર્ય મોહનસ્વામી તથા સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા પ.પૂ. શુકદેવપ્રસાદદાસજી સ્વામીએ તમામ ખેલાડીઓને આશીર્વાદ આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
મોટી જાહેરાત
સૌથી મહત્ત્વની જાહેરાત કરતાં જિલ્લા કલેક્ટર પ્રવીણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગોકુલધામ કપ (અન્ડર-16 અને અન્ડર-19) ટુર્નામેન્ટ 14મી ડિસેમ્બર, 2025 થી ગુજરાતની સ્કૂલો અને સ્પોર્ટ્સ એકેડમીઓ માટે શરૂ કરવામાં આવશે, જે યુવા ક્રિકેટરોને વધુ એક મોટો મંચ પૂરો પાડશે. ગોકુલધામ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આયોજિત આ વિન્ટર કપ માત્ર એક ટુર્નામેન્ટ નહોતી, પરંતુ યુવા ઊર્જા, રમતગમતના મૂલ્યો અને સેવાની ભાવનાનો અદ્ભૂત સંગમ સાબિત થયો હતો.
આ પણ વાંચો : Valsad: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ક્રિકેટ મેચ રમ્યા, બેટિંગ, બોલિંગમાં હાથ અજમાવ્યો