22
વડોદરાના નવલખી દુષ્કર્મ કેસમાં બંને દોષિતોને આજીવન કેદ સજા ફટકારાઇ છે. એટલે કે બંને દોષિતો કિશન અને જશો સોલંકી અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેશે. મહત્વનું છે કે, રાજ્યમાં દુષ્કર્મની વધતી ઘટનાઓને અટકાવવા સરકાર અને તંત્ર કડક પગલા લઈ રહી છે. એક બાદ એક દુષ્કર્મના આરોપીઓને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી રહી છે. એવામાં વડોદરાના નવલખી દુષ્કર્મ કેસનો આજે ચુકાદો આવ્યો જેમાં બંને આરોપીને દોષિત ઠેરવ્યા અને આજીવન કેદની સજા ફટકારાઇ છે. આ કેસમાં 40 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી જેમાં એક પણ સાક્ષી વિરોધમાં બોલ્યો ન હતો. તમામ કેસની તપાસ સાયન્ટિફિક રીતે પણ કરવામાં આવી હતી.
શું હતી ઘટના ?
28 નવેમ્બર 2019 નો એ દિવસ 14 વર્ષની સગીરા માટે બદનસીબ સાબિત થયો. અને સગીરાની જિંદગી બરબાદ થઈ ગઈ. એ દિવસે સગીરા અને તેનો મંગેતર નવલખી ગ્રાઉન્ડમાં બેઠા હતા. તે સમયે કિશન માથાસુરીયા અને જશા સોલંકી નામના શખ્સો ત્યાં આવી ચડ્યા. અને સગીરાના મંગેતરને ડરાવી ધમકાવી ઢોર માર માર્યો. માર મારતા તે લોહીલુહાણ થઈ ગયો. બંને નરાધમઓ માર મારીને તેને ભગાડી મુક્યો. બાદમાં સગીરાને ઝાડીમાં લઈ જઈ બંને નરાધમે સગીરા પર ગેંગરેપ ગુજાર્યો. સમગ્ર ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ અને તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાતા બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં સ્પેશિયલ સરકારી વકીલ તરીકે પ્રવિણ ઠક્કરની નિમણૂંક કરવામાં આવી હતી. પોલીસે 45 દિવસમાં તપાસ પુરી કરી 1500 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. તથા 98 માંથી 40 સાક્ષી પણ તપાસાયા હતા. જો કે આ કેસમાં સાયન્ટિફીક પુરાવા અને ડીએનએ મેચ થતા આરોપીઓ સામે મજબૂત પુરાવા મળ્યા હતા. જેના આધારે આરોપીઓ વિરૂદ્ધ દુષ્કર્મ અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.