Rain in Gujarat : ભરુચમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ઢાઢર નદી બે કાંઠે વહેતા એલર્ટ જાહેર કરાયું
- ભરૂચના આમોદ તાલુકામાં પડ્યો ધોધમાર વરસાદ
- ઢાઢર નદીના બે કાંઠે વહેતા નીચાણવાળા ગામને કર્યા એલર્ટ
- ભિલોડા-શામળાજી હાઈવે પર ડાયવર્ઝન ધોવાયો
- ભિલોડાથી શામળાજી વચ્ચે વાહન વ્યવહાર અટવાયો
Rain in Gujarat : ભરુચના આમોદ તાલુકમાં વરસાદે માઝા મુકી છે. આમોદમાંથી પસાર થતી ઢાઢર નદી (Dhadhar river) માં જળસ્તર વધી જતા આસપાસના ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે. અત્યારે ઢાંઢર નદી ગાંડીતૂર બનીને બંને કાંઠે વહી રહી છે. માનસંગપુરા ગામના સ્થાનિકોએ ઢાઢર નદીના જળસ્તર અંગેની માહિતી વહીવટીતંત્રને પૂરી પાડી હતી. જાણ થતાં જ તલાટીએ તાત્કાલિક ઢાઢર નદીની આસપાસના ગામોમાં એલર્ટ જાહેર કરી દીધું છે.
ભિલોડા-શામળાજી હાઈવે બંધ
ભરુચ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં પણ સારી એવી મેઘ મહેર જોવા મળી હતી. અરવલ્લીમાં થયેલ મેઘ મહેરને પરિણામે ભિલોડા-શામળાજી (Bhiloda-Shamlaji) ડાયવર્ઝન ધોવાઈ ગયો હતો. જેસીંગપુર ગામ પાસેનો ડાયવર્ઝન ધોવાઈ જતા હાઈવે બંધ થઈ ગયો છે. ભિલોડાથી શામળાજી વચ્ચેનો વાહનવ્યવહાર પણ ખોટવાયો છે. વરસાદી પાણીમાં હાઈવે ગરકાવ થઈ જતા એક ટ્રક પલટી મારી ગઈ હોવાના પણ સમાચાર મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ Rathyatra 2025 : અમદાવાદમાં 148મી રથયાત્રા રંગેચંગે સંપન્ન થઈ, આજે ભગવાન નિજ મંદિરમાં બિરાજશે
અંબાજીમાં પણ ભારે વરસાદ
બનાસકાંઠામાં વરસાદના બીજા રાઉન્ડથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અંબાજી (Ambaji) પંથકમાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. અંબાજી મંદિરના પરિસરમાં પણ વરસાદી પાણીએ અડિંગો જમાવ્યો છે. સમગ્ર ચાચર ચોક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કેટલીક ધર્મશાળાઓના ગેટમાં પાણી ઘુસી જતાં યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે. અંબાજીના બજારમાં વરસાદી પાણી નદીની જેમ વહેતા થયા છે. અંબાજી પોલીસ સ્ટેશન પાસે તો ઘૂંટણસમા પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા અનેક વાહનો પાણીમાં અટવાઈ પડ્યા છે. સ્થાનિકો અનુસાર તંત્રની બેદરકારીથી દરવર્ષે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. અંબાજીના રહેવાસીઓ દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માગ પણ કરાઈ છે.
ગુજરાતના વિવિધ ડેમની સ્થિતિ
ભારે વરસાદ બાદ ગુજરાતના વિવિધ ડેમ પાણીથી છલકાઈ ગયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 50 ટકા ભરાઈ ગયો છે. ગુજરાતના 12 ડેમ 100 ટકા પાણીથી છલકાયા છે. રાજ્યના 32 ડેમ 70થી 100 ટકા ભરાયા છે. ગુજરાતના 27 ડેમ 50થી 70 ટકા ભરાયા છે. રાજ્યના 59 ડેમ 25થી 50 ટકા સુધી ભરાયા છે. ગુજરાતના 16 ડેમમાં પાણીની વધુ પડતી આવક થતાં આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Rath Yatra 2025 : હિંમતનગરમાં પ્રથમ વખત, ઇડરમાં 27 મી રથયાત્રા યોજાઈ, ભક્તોની જનમેદની