Godhra : પ્રાકૃૃતિક ખેતી થકી ખેડૂતે ખર્ચ ઘટાડ્યો-આવક વધારી, રોલ મોડેલ બન્યા
- ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો ઝડપથી વળી રહ્યા છે
- ખર્ચ ઓછો કરવાની સાથે ખેડૂત પોતાની આવક વધારી રહ્યા છે
- ગોધરાના નદીસર ગામના ખેડૂત હવે અન્ય માટે રોલ મોડેલ બન્યા છે
Godhra : રાજ્ય સરકાર દ્વારા લોકોના આરોગ્યની ચિંતા કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને અનેક યોજનાઓ થકી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેના કારણે રાજ્યભરના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. આ જ રીતે પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામના પ્રગતિશીલ ખેડૂત એવા પ્રવીણભાઈ માછીએ પણ પ્રાકૃતિક ખેતીની રાહ અપનાવી છે . વર્ષ 2020 માં પ્રવીણભાઈ માછીએ આત્મા પ્રોજેક્ટ હેઠળ આયોજિત કરવામાં આવેલ પ્રાકૃતિક કૃષિ તાલીમ માં ભાગ લીધો હતો, અને તાલીમ દરમિયાન ખેડૂતોને આ પ્રાકૃતિક કૃષિ માટે આપવામાં આવેલા માર્ગદશનથી પ્રભાવિત થયા હતા.
પાક અને પશુચારાની ખેતી શરૂ કરી
તે દિવસથી જ તેઓ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરાયા અને પોતાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી કરવાનું શરુ કરી દીધું હતું. શરૂઆતના તબક્કામાં પ્રવીણભાઈ દ્વારા પોતાના ખેતરોમાં પ્રાકૃતિક ખેતી હેઠળ ઘઉં, બાજરી, ડાંગર, ચણા, મેથી, રીંગણ, ચોળી સહિતની અલગ અલગ જાતની શાકભાજી અને પશુઓ માટે ઘાસચારાની ખેતી કરવાનું શરુ કર્યું હતું. બાદમાં ધીમે ધીમે સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી પ્રાકૃતિક કૃષિ માટેની યોજનાઓ વિષે પણ માહિતી મેળવી સંબંધિત આત્મા પ્રોજેક્ટ હેઠળ સાધન સહાય મેળવી હતી, અને બાદમાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ હેઠળ ઘઉં, બાજરી, ડાંગર, ચણા, મેથી, રીંગણ, ચોળી સહિતની અલગ અલગ જાતની શાકભાજી અને પશુઓ માટે ઘાસચારાનું વાવેતર કર્યું છે. હાલના સમયમાં તેઓ મેસો ઓનલાઇન થકી પ્રાકૃતિક કૃષિ અંતર્ગતના અનાજનું વેચાણ કરી મબલક આવક મેળવી રહ્યા છે.
અગાઉ બજાર પર નિર્ભર રહેવું પડતું હતું
પોતાની સફળતા અંગે પ્રવીણભાઈ માછી જણાવે છે કે, અગાઉ તેઓ પારંપરિક ખેતી કરતા હતા, તેમાં રાસાયણિક ખાતરો, કેમિકલ યુક્ત જંતુનાશક દવાઓ તેમજ હાઈબ્રીડ બિયારણોનો ઉપયોગ કરતા હતા. તેમાં રૂ. 40 હજાર ઉપરાંતનો ખર્ચ આવતો હતો, અને બજાર પર નિર્ભર રહેવું પડતું હતું, તે પદ્ધતિથી ઉત્પાદન થતા પાકો પણ સ્વાસ્થ્ય માટે હાનીકારક હતા, બાદમાં જ્યારથી પ્રાકૃતિક કૃષિ કરવાનું શરુ કર્યું છે, ત્યારથી બજારમાંથી બિયારણ, જંતુનાશક દવાઓ કે રાસાયણિક ખાતર કંઇ પણ લાવવું પડતું નથી.
અન્યને પણ મદદ કરવાનું શરૂ કર્યું
તેઓ વધુમાં જણાવે છે કે, તેઓ સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ મળેલા સાધનોનો ઉપયોગ કરીને વાવેતર કરી રહ્યા છે, સાથે જ જીવામૃત, ઘનજીવામૃત, અચ્છાદન પણ તૈયાર કરી મિશ્ર પાક કરી રહ્યા છે. તેના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા સારી થઈ જતા, જમીનની અંદરના નેચરલી માઈક્રોન્યુટ્રેન વધ્યા છે, જેથી જમીનની ઉત્પાદનક્ષમતામાં વધારો થયો છે. તેઓ બેરલમાં છાણ-ગૌમુત્ર, શેરડીના ટુકડા અને માટીનું મિશ્રણ કરીને તે પોતના જ ખેતરમાં ખાતર તેમજ દવા બનાવે છે. પ્રવીણભાઈ માછી વર્ષ 2020 થી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે, જેમાં ઉત્પાદન સારું મળી રહ્યું છે, સાથે જ તેઓ આજુબાજુના ખેડૂતોને પણ ખાતર અને દવા આપીને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રેરી રહ્યા છે.
આ પણ વાંચો ------ Unseasonal rain : ખેડૂત ભાઈઓ માવઠાની આગાહી વચ્ચે કેવી રીતે બચાવશો તમારો શિયાળુ પાક? જૂઓ સરકારની માર્ગદર્શિકા


