Vadodara: 15 વર્ષિય સગીરા પર દુષ્કર્મ ગુજારનારા 2 શખ્સના રિમાન્ડ મંજૂર, પોલીસે શું કહ્યું?
- Vadodara માં ઉત્તર પ્રદેશની સગીરા પર દુષ્કર્મની ઘટના
- પોલીસે બે શખ્સને પકડ્યા, ત્રણ દિવસના રિમાન્ડ
- બે મિત્રોએ મળી આચર્યું હતુ દુષ્કર્મ
Vadodara: સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા (Vadodara) માં 15 વર્ષિય સગીર પર દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં 2 આરોપી સામે પોલીસે ગાળિયો કસ્યો છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ વડોદરામાં ભારે રોષ છે. આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.
પરિચિતે ગેરફાયદો ઉઠાવ્યો!
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર સગીરા (Minor) મૂળ ઉત્તર પ્રદેશ (UP) ની વતની છે અને ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે થોડા દિવસો પહેલા જ વડોદરા આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે પિડિત સગીરા આરોપીઓ પૈકીના એક હર્ષિલ અનુપ મેકવાન (Harshil Anup Macwan) સાથે અગાઉથી પરિચિત હતી. આ પરિચયનો ગેરફાયદો ઉઠાવીને હર્ષિલે સગીરાને વિશ્વાસમાં લીધી હતી. તેણે "તારા સગા-સંબંધીઓ તને બોલાવે છે" તેમ કહીને લલચાવી-ફોસલાવીને પોતાના ઘરે લઈ ગયો હતો.
મિત્રોએ મળી સગીરાને પીંખી નાખી!
સગીરા જેવી હર્ષિલના ઘરે પહોંચી, કે તરત જ આરોપીએ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યાં હર્ષિલે સગીરા પર સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતુ. આટલેથી ન અટકતા, થોડી જ વારમાં તેનો સાથીદાર જોન્ટી પરમાર (Jonty Parmar) પણ ત્યાં પહોંચી ગયો હતો. બંને નરાધમોએ મળીને સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાને અંદાજે ત્રણ કલાક સુધી ઓરડામાં કેદ રાખીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.
પોલીસની ત્વરિત કાર્યવાહી અને ધરપકડ
આ ભયાનક ઘટના બાદ સગીરાએ હિંમત હાર્યા વગર ફતેગંજ પોલીસ સ્ટેશન (Fatehganj Police Station) માં ન્યાયની ગુહાર લગાવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તુરંત જ પોક્સો (POCSO) એક્ટ અને સામૂહિક દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. વડોદરા ડીસીપી ઝોન-1 જગદીશ ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ગણતરીના કલાકોમાં જ પોલીસે નવાયાર્ડ વિસ્તારમાં રહેતા બંને આરોપીઓ હર્ષિલ મેકવાન અને જોન્ટી પરમારને દબોચી લીધા હતા. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે બંને આરોપીઓ 19 થી 20 વર્ષની વયના છે અને હાલ બેરોજગાર છે.
ગુનાહિત ઇતિહાસ
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આરોપી જોન્ટી પરમાર અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. તેની સામે અગાઉ મારામારી અને રાયોટિંગ (તોફાન) ના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ઘટનામાં જે મકાનનો ઉપયોગ થયો હતો તે હર્ષિલનું જ ઘર હતું, જેને હાલ પોલીસે સીલ કરી દીધું છે.
Vadodara: પોલીસે શું કહ્યું?
ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવા માટે એફ.એસ.એલ (FSL) ની મદદ લેવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં નામદાર કોર્ટે પોલીસની દલીલો ગ્રાહ્ય રાખી બંનેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડીસીપી જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે, "હાલમાં સગીરાની તબિયત અને સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છીએ કે આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, અથવા આ શખ્સોએ અગાઉ પણ આવી કોઈ અન્ય ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ." આ ઘટનાએ વડોદરામાં મહિલા સુરક્ષા અને પરિચિતો દ્વારા થતા વિશ્વાસઘાત અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો:Vadodara: લાલબાગ બ્રિજ પાસે બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ!, સમગ્ર ઘટના CCTVમાં કેદ


