Vadodara: અમેરિકનોને લૂંટતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું, સાયબર ક્રાઇમે 3 મુખ્ય આરોપીઓની કરી ધરપકડ
- વડોદરા (Vadodara) સાયબર ક્રાઇમએ કર્યો મોટો પર્દાફાશ
- અમેરિકનોને લૂંટતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું
- FBIના નામે ધમકી, લોનની લાલચ આપી કરોડોની ઠગાઈ
- તલસટના વિંટેજ બંગલામાં ચાલતું હતું આખું રેકેટ
- 3 મુખ્ય આરોપીઓ ઝડપાયા પોલીસે રિમાન્ડ મેળવ્યા
- પોલીસે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા
વડોદરા સાયબર ક્રાઇમે આજે એક મોટી સફળતા મળી છે. સાયબર ક્રાઇમે અમેરિકન નાગરિકોને શિકાર બનાવીને કરોડો રૂપિયાની ઠગાઈ કરતા આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે.
વડોદરામાંથી અમેરિકનોને લૂંટતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મળતી માહિતી મુજબ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તલસટ ગામના 51 નંબર વિંટેજ બંગલા પર દરોડો પાડ્યો. અહીંથી જ આખા દેશના અનેક કોલ સેન્ટર્સની ઉઘરાણી થતી હતી. આરોપીઓ અમેરિકનોનો ડેટા માત્ર 80-90 રૂપિયામાં ખરીદતા, તેમને ટેક્સ્ટ મેસેજ મોકલીને 30% કમિશનની લાલચ આપી લોન પાસ કરાવવાનું કહેતા અને FBIના નામે ધમકી આપતા હતા. અમેરિકન બેંકોના ‘લૂ-ફોલ’ નિયમનો દુરુપયોગ કરી પૈસા પ્રી-પેડ કાર્ડમાં જમા કરાવડાવી, આંગડિયા મારફતે ભારત મંગાવતા હતા.
3 આરોપીઓની કરવામાં આવી ધરપકડ
આ મામલે પોલીસે અરૃણ રાવત, સ્નેહ મુકુંદ પટેલ અને અંશ હિતેષ પંચાલ નામના ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં 80થી વધુ અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ થયાનું સામે આવ્યું છે.
પોલીસે શું કહ્યું ?
સાયબર ક્રાઇમના ACP મયુરસિંહ રાજપૂતે જણાવ્યું કે, આ કોલ સેન્ટર માત્ર વડોદરા પૂરતું સીમિત ન હતું, પરંતુ આખા દેશના જુદા-જુદા સેન્ટરની ઉઘરાણી વડોદરામાંથી કરવામાં આવતી હતી. આ રેકેટનું નેટવર્ક ખૂબ મોટું છે. આ ભેજાબાજોની છેતરપિંડી કરવાની રીત ખૂબ જ ચકિત કરી દે તેવી હતી. આરોપીઓ ₹80 થી ₹90માં અમેરિકન નાગરિકોનો ડેટા ખરીદતા અને સિબિલ સ્કોરના આધારે તેમને જુદી-જુદી ઓફરો મોકલતા હતા. તેઓ વિદેશી નાગરિકોને ટેક્સ્ટ મેસેજ મોકલીને 30 ટકા કમિશનના બદલામાં લોન પાસ કરાવી આપવાનું કહેતા હતા.
આરોપીઓ કેવી રીતે ઠગાઈ કરતા ?
આરોપીઓ અમેરિકાની બેંકના નિયમનો દુરુપયોગ કરતા હતા, જેમાં અમેરિકાની બેંકોમાં નિયમ છે કે ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો પણ KYC પછી ગ્રાહકના ખાતામાં પૈસા જમા થઈ જાય છે, અને બાદમાં તે પૈસા પરત ખેંચી લેવા. આરોપીઓ આ 'લૂ-ફોલ' નો દુરુપયોગ કરતા હતા. આરોપીઓ ગ્રાહકોને પ્રીપેડ ઇન્વેસ્ટમેન્ટ કાર્ડમાં પૈસા જમા કરાવવાનું કહીને, ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરી આંગડિયા મારફતે ભારતમાં મંગાવતા હતા.
આરોપીઓ પાસેથી જુદા-જુદા ટેલિગ્રામ ગ્રુપ્સ મળ્યા
તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી જુદા-જુદા ટેલિગ્રામ ગ્રુપ્સ મળી આવ્યા છે, જે ગુનાનું નેટવર્ક ચલાવતા હતા, જેમાં ગ્રુપ
1. એ કે-47, બેકઅપ (યુએસ) - ટેક્સ્ટ અને વોઇસ મેસેજ દ્વારા સંપર્ક કરવા
2. ડોલર રીચીઝ, ડોલર (યુએસ)- લોન પ્રોસેસિંગ અને કમિશનની રકમ કલેક્શન માટે
3. મિ.વર્ક (યુએસ)- ક્રેડિટ કાર્ડની વિગતો મેળવવા માટે
4. સુપર સેલ્સમેન (યુએસ)- ડોલરને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવા માટે
5. અમ્મુ (યુએસ)- કમાયેલી રકમને વોલેટમાં ટ્રાન્સફર કરવા માટે
અમેરિકાની તપાસ એજન્સી FBIને કરાશે જાણ
પોલીસે આરોપીઓ પાસેથી તમામ જરૂરી પુરાવા મેળવી લીધા છે. તેની સાથે જોડાયેલા અન્ય લોકોની શોધખોળ ચાલુ છે અને આ મામલે અમેરિકાની તપાસ એજન્સી FBIને પણ જાણ કરવામાં આવશે. તેમજ આરોપીઓ સાથે બીજા કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ વધુ તપાસ કરશે.વડોદરામાંથી ચાલતું આ આંતરરાષ્ટ્રીય ઠગાઈનું રેકેટ હવે પોલીસના હાથમાં છે.
આ પણ વાંચો : Rajkot: વધુ એક હત્યાની ઘટનાથી હાહાકાર, પત્નીએ પુત્રો સાથે મળીને પતિને છરીના ઘા માર્યા


