'અગાઉ આપણે પાકિસ્તાન સાથે બાથ ભીડતા હતા, હવે અમેરિકા સાથે ભીડી રહ્યા છીએ' - મુખ્યમંત્રી
- વિશ્વામિત્રી રિજુવેનાઇઝેશનનો બીજો તબક્કો આગામી એક વર્ષમાં પૂર્ણ થશે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિરાકરણ માટે પર્યાવરણના સંરક્ષણ સાથે સર્વગ્રાહી વિકાસ સાધવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ
- નાનામોટા તમામ લોકોને કેન્દ્ર સ્થાને રાખી નીતિગત સુધારા કરીને રાજ્ય સરકાર શહેરી વિકાસ માટે કાર્યરત છે
- સરકારની પ્રવૃત્તિમાં નાગરિકોને જોડવા પડશે અને લોકભાગીદારિતા વધારવી પડશે
- સમાજ અને સંસ્કૃતિ અનુરૂપ સ્માર્ટ, સસ્ટેનેબલ અને ઇકોફ્રેન્ડલી શહેરોના નિર્માણ માટે તમામને યોગદાન આપવા આહ્વાન
Vadodara : આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Bhai Patel) તેમના મુખ્યમંત્રી તરીકેના સેવાકાળના ચાર વર્ષ પૂર્ણ થવાના સુયોગે વડોદરા (Vadodara) માં ઇલેટ્સ અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટમાં સહભાગી બન્યા છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસ્કારી નગરી વડોદરાના નગરજનોને ધરપત આપતા જણાવ્યું કે, વિશ્વામિત્રી રિજુવેનાઇઝેશન પ્રોજેક્ટ (Vishwamitri Project) નો એક તબક્કો પૂર્ણ થયા બાદ હવે બાકીની કામગીરી પણ આગામી એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના પરિણામે પ્રવર્તમાન ચોમાસામાં વડોદરાને કોઇ તકલીફ પડી નથી. રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણના જતન સાથે વિકાસના મંત્રને વરેલી છે.
શહેરી વિકાસ પુસ્તકનું વિમોચન પણ કર્યું
મુખ્યમંત્રી પટેલે (CM Bhupendra Bhai Patel) તેમના સેવાકાળના ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરના સુયોગ સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઇલેટ્સ અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનો પ્રારંભ કરવાતા ઉક્ત વાત કરી હતી. તેમણે સમિટનો પ્રારંભ કરાવવાની સાથે વડોદરા મહાનગરપાલિકના અર્બન ડેવલપેમન્ટ ગોલનું લોન્ચિંગ ઉપરાંત શહેરી વિકાસ પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું.
વિકાસને પર્યાવરણ સાથે જોડીને જ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શક્ય છે
તેમણે (CM Bhupendra Bhai Patel) કહ્યું કે, કુદરતની સામે બાથ ભીડવાને બદલે પ્રકૃતિનું સંરક્ષણ કરવું જોઇએ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બેક ટુ બેઝિકનો કોલ આપી કુદરતી સંસધાનોનું રક્ષણ કરવાનું મહત્વ સૌને સમજાવ્યું છે. કુદરતનું મૂલ્ય આંકવું અઘરૂ છે. એટલે જ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિરાકરણ માટે પર્યાવરણના સંરક્ષણ સાથે સર્વગ્રાહી વિકાસ કરવાનો છે. વિકાસને પર્યાવરણ સાથે જોડીને જ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શક્ય છે. તેમણે સૂચક નિવેદન કરતા તેમ પણ કહ્યું કે, અગાઉ આપણે પાકિસ્તાન સાથે બાથ ભીડતા હતા, હવે અમેરિકા સાથે ભીડી રહ્યા છીએ
નીતિગત સુધારાઓ કરીને કાર્યરત રહેવાનું
વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહી છે, તેવું જણાવતા મુખ્યમંત્રીએ (CM Bhupendra Bhai Patel) જીએસટી જેવા સુધારાઓને ઉદાહરણ તરીકે રજૂ કર્યા હતા. સમયની માંગને સમજીને પ્રજાજનોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને નાના માણસથી લઈને મોટા વ્યવસાયિકો સુધીના વિકાસ માટે નીતિગત સુધારાઓ કરીને કાર્યરત રહેવાનું છે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
જનસહભાગિતા વધારીને સ્વચ્છતા અને કાર્યક્ષમતા વધારવાની જરૂર
ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની વાત કરતા મુખ્યમંત્રીએ (CM Bhupendra Bhai Patel) ઉમેર્યું કે, અગાઉ મહાનગરપાલિકાઓનું કાર્ય માત્ર ગટર, રસ્તા, પાણી અને વીજળી સુધી મર્યાદિત હતું, પરંતુ આજે તે હોસ્પિટલ, સ્વિમિંગ પૂલ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને બાગ-બગીચા વિકાસ સુધી પહોંચી ગયા છે. પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડલ દ્વારા જનસહભાગિતા વધારીને સ્વચ્છતા અને કાર્યક્ષમતા વધારવાની જરૂર છે.
30 હજાર કરોડનું માતબર બજેટ ફાળવ્યું
શહેરો આર્થિક પ્રવૃત્તિના ઉદ્દગમ સ્થાનો છે, તેમ કહેતા તેમણે (CM Bhupendra Bhai Patel) જણાવ્યું કે, ૨૦૦૫માં વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલા શહેરી વિકાસ વર્ષના ૨૦ વર્ષ પછી ૨૦૨૫માં શહેરી વિકાસ વિભાગ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩૦ હજાર કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે, જેનાથી પાણી, ગટર, કચરા નિકાલ અને રિસાયક્લિંગ જેવી સુવિધાઓ મજબૂત થશે.
લોકભાગીદારિતા વધારવી પડશે
સ્વચ્છતા અને જનજાગૃતિ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ (CM Bhupendra Bhai Patel) કહ્યું કે, જનસહભાગિતા વિના સ્વચ્છતા અધૂરી છે અને મીડિયાના મિત્રોની મહેનતને બિરદાવતા કહ્યું કે, નકારાત્મક સમાચારને પણ પોઝિટિવ એક્શનમાં બદલીને આગળ વધવું જોઈએ. જનજાગૃતિ વધતાં તંત્રે ૧૦૦ ટકા કાર્યક્ષમતા સાથે કામ કરવું જોઈએ. હવે સરકારની પ્રવૃત્તિમાં નાગરિકોને જોડવા પડશે અને લોકભાગીદારિતા વધારવી પડશે.
દરેક વ્યક્તિએ પોતાના સ્તરે યોગદાન આપવું જોઈએ
વિરાસત અને વિકાસને જોડીને સંસ્કૃતિ આધારિત વિકાસ કરવો જોઈએ, જેમ કે પાણી-વીજળી બચાવવી અને કાર્બન ઉત્સર્જન ઘટાડવું. 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવના સાથે દરેક વ્યક્તિએ પોતાના સ્તરે યોગદાન આપવું જોઈએ. પાણી બચાવીને, વૃક્ષો વાવીને, કેચ ધ રેઇન કે વીજળી બચાવીને પણ દેશની સેવા કરી શકાય છે. તેમ તેમણ જણાવ્યું હતું.
વિકસિત ભારતના સપનાને સાકાર કરશે
મુખ્યમંત્રીએ (CM Bhupendra Bhai Patel) આ સમિટ છ વિષયો પરના સેશનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન', 'મ્યુનિસિપલ ફાઇનાન્સ', 'હાઉસિંગ ફોર ઓલ', 'રિસિલિયન્ટ અને સસ્ટેનેબલ અર્બન ઇકોસિસ્ટમ', 'સ્ટ્રેન્થનિંગ ન્યુ મ્યુનિસિપલ કોર્પોરેશન' અને 'અર્બન હેરીટેજ, ટુરિઝમ અને નોલેજ ઇકોનોમી' જેવા વિષયો પરની ચર્ચા ૨૦૪૭ સુધીમાં વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સપનાને સાકાર કરશે. તેઓએ ગાયકવાડ નગરીના ઉદાહરણો અને સંસ્કૃતિમાંથી શીખવા મળતા પાઠને યાદ કરી જેમાં વિરાસત અને વિકાસને જોડીને કાર્ય કરવા ઉપર તેમણે ભાર મૂક્યો હતો.
સ્વદેશી વસ્તુઓના ઉપયોગને વેગ આપવો જોઈએ
આત્મનિર્ભર ભારત અને સ્વદેશીને જીવનમંત્ર બનાવીને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અપીલ કરતા મુખ્યમંત્રીએ (CM Bhupendra Bhai Patel) કહ્યું કે, નવરાત્રી અને દિવાળીમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગને વેગ આપવો જોઈએ. સમાજ અને સંસ્કૃતિ અનુરૂપ સ્માર્ટ, સસ્ટેનેબલ અને ઇકોફ્રેન્ડલી શહેરોના નિર્માણ માટે તમામને યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
પ્રથમ તબક્કાનું કાર્ય નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યું
મેયર શ્રીમતી પિંકીબેન સોનીએ જણાવ્યું કે, વડોદરા શહેરને પૂરની આપત્તિથી બચાવવા માટે વિશ્વામિત્રી રિજુવેનાઇઝેશન પ્રોજેક્ટને મંજૂરી આપી હતી અને તેના પ્રથમ તબક્કાનું કાર્ય નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. વડોદરાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર માનવો ઘટે. આ વેળાએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગતિશક્તિ વિશ્વવિદ્યાલય તથા ઇલેટ્સ ટેક્નો સાથે શહેરી વિકાસ સંદર્ભે સમજૂતી કરારો પણ કરવામાં આવ્યા હતા.
નાગરિકોની જરૂરિયાતોને કેન્દ્ર સ્થાને રાખી
મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચનમાં આ સમિટની રૂપરેખા સમજાવી હતી. મહિલા અગ્રણી તેજલબેન અમીને શહેરી વિકાસ અને નાગરિકોની જરૂરિયાતોને કેન્દ્ર સ્થાને રાખી કેવા કામો કરી શકાય એ બાબત રજૂ કરી હતી.
આ પણ વાંચો ------ Modesty of CM : મુખ્યમંત્રીની સાલસતા અને બાળકો પ્રત્યેના પ્રેમનો સૌને પરિચય થયો