Vadodara : પહેલા નોરતે જ United Way Garba ના મેદાનમાં ઠેર-ઠેર કાદવ કીચડ
- વડોદરામાં United Way Garba માં ફરીથી વિવાદ
- મોટા વાયદા છતાં ખેલૈયાઓને સુવિધા શૂન્ય
- યુનાઇટેડ વે ગરબા મેદાનમાં ઠેર-ઠેર કાદવ કીચડ
- મેદાનમાં કીચડ દૂર કરવા માટે કામગીરી શરૂ કરાઈ
- પ્રથમ નોરતે જ ખેલૈયાઓને થયો કડવો અનુભવ
- ખેલૈયાઓ મોટી સંખ્યામાં રિફંડ લેવા ઉમટી પડ્યા
- જેમણે રિફંડ જોઈતું હશે તમામને આપી દઈશું: આયોજક
- ખેલૈયાઓએ અમારા પર વિશ્વાસ મૂકવો જોઈએ: આયોજક
- હવે અમારી સોસાયટીના શેરી ગરબામાં રમીશું: ખેલૈયાઓ
Vadodara : ગુજરાતની અસ્મિતા અને ગૌરવ સમા નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ ગયો છે. પરંતુ, આ વર્ષે પણ વડોદરાના સૌથી પ્રતિષ્ઠિત ગરબા આયોજન, United Way Garba Vadodara મહોત્સવ, વિવાદમાં સપડાયું છે. પ્રથમ નોરતે જ હજારો રૂપિયા ખર્ચીને ગરબા રમવા આવેલા ખેલૈયાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મેદાનમાં ઠેર-ઠેર કાદવ અને કીચડ હોવાને કારણે ખેલૈયાઓ નારાજ થયા અને મોટા પાયે વિરોધ નોંધાવ્યો. આ ઘટના બાદ ઘણા ખેલૈયાઓએ રિફંડની માંગ કરી હતી.
પ્રથમ નોરતે જ ખેલૈયાઓને કડવો અનુભવ
નવરાત્રીના પ્રથમ દિવસે વડોદરામાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ગરબા મેદાનોની તૈયારીઓમાં વિઘ્ન આવ્યું. યુનાઈટેડ વે ગરબા (United Way Garba) મહોત્સવના આયોજકો દ્વારા મોટા વાયદાઓ અને સુવિધાઓની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતા જુદી જ હતી. જ્યારે હજારો ખેલૈયાઓ ગરબા રમવા માટે મેદાનમાં પહોંચ્યા, ત્યારે તેમને કાદવ અને કીચડથી ભરેલું મેદાન જોવા મળ્યું. આયોજકો દ્વારા મેદાનને સૂકવવા અને ગરબા માટે યોગ્ય બનાવવાની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે ખેલૈયાઓનો ઉત્સાહ નિરાશામાં ફેરવાયો. જે ખેલૈયાઓએ રૂ. 5,600 જેવી ઊંચી કિંમતના પાસ ખરીદ્યા હતા, તેઓએ આયોજકો સામે "હાય-હાય" ના નારા લગાવ્યા અને ભારે રોષ વ્યક્ત કર્યો.
United Way Garba આયોજકોએ બચાવમાં ઉતરવું પડ્યું
ખેલૈયાઓનો ગુસ્સો જોઈને, યુનાઈટેડ વેના મુખ્ય આયોજકો પ્રીતિ પટેલ અને મિનેશ પટેલને બચાવમાં ઉતરવું પડ્યું. આયોજકોએ ખેલૈયાઓને શાંત પાડવાનો પ્રયાસ કરતા કહ્યું કે, જેમણે રિફંડ જોઈતું હશે તેમને આપી દેવામાં આવશે. સાથે જ, તેઓએ ખેલૈયાઓને વિશ્વાસ રાખવા અપીલ કરી અને જણાવ્યું કે જો મંગળવારે વરસાદ નહીં પડે, તો મેદાનની સ્થિતિ સુધારી દેવામાં આવશે. જોકે, IMD એ વડોદરામાં મંગળવારે પણ વરસાદની આગાહી કરી છે, જેના કારણે ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. આ સમગ્ર પરિસ્થિતિને થાળે પાડવા માટે પ્રસિદ્ધ ગાયક અતુલ પુરોહિત અને સ્થાનિક પોલીસ અધિકારીઓએ પણ દરમિયાનગીરી કરવી પડી. અતુલ પુરોહિતે ખેલૈયાઓને શાંતિ જાળવવા અપીલ કરી અને આયોજકોને તાત્કાલિક સુવિધાઓ પૂરી પાડવા વિનંતી કરી.
વડોદરાના પ્રતિષ્ઠિત ગરબા અને સતત વિવાદ
વડોદરાને ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની કહેવામાં આવે છે, અને અહીં નવરાત્રીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. શહેરમાં 3 મુખ્ય ગરબા આયોજન થાય છે: યુનાઈટેડ વે ગરબા મહોત્સવ, લક્ષ્મી વિલાસ પેલેસ ગરબા, અને વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ (VNF). આ તમામમાં યુનાઈટેડ વેનું નામ સૌથી મોખરે ગણાય છે. જોકે, આ પ્રથમ વખત નથી કે યુનાઈટેડ વે વિવાદમાં સપડાયું હોય. છેલ્લા કેટલાક વર્ષોથી આ આયોજન કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહ્યું છે. અગાઉ, મેદાનમાં કાંકરા અને પથ્થરો હોવાને કારણે ખેલૈયાઓને ઈજા થવાની ફરિયાદો પણ નોંધાઈ હતી. છેલ્લા 2 વર્ષથી તો કાદવ-કીચડનો મુદ્દો સતત બની રહ્યો છે.
આ પણ વાંચો : Vadodara : મોટા વાયદા છતાં ખેલૈયાઓને સુવિધા શૂન્ય, પ્રથમ નોરતે જ લાગ્યા “હાય હાય”ના નારા