Vadodara Murder Case: વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જાહેર માર્ગ પર ધોળાદહાડે થયેલી યુવરાજસિંહ ડોડિયા નામના યુવકની સનસનાટીભરી હત્યાના કેસમાં ઝોન-2 LCB સ્ક્વોડને મોટી સફળતા મળી છે. ઘટનાને અંજામ આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી જય ઉર્ફે 'ટિંકુ'ને પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો છે.
Vadodara ના ગોત્રી વિસ્તારમાં ધોળા દિવસે થયેલી સનસનાટીભરી હત્યાનો ભેદ ઉકેલાયો
હત્યાની ઘટના બનતા જ ગોત્રી પોલીસ અને LCB ની ટીમો તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે સમગ્ર શહેરમાં અને બહાર નીકળતા માર્ગો પર સઘન નાકાબંધી કરી હતી. આ સાથે જ આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને મળેલી બાતમીના આધારે ઝોન-2 LCB સ્ક્વોડે ફરાર આરોપી જય ઉર્ફે ટિંકુને ઝડપી પાડ્યો છે. હાલ આરોપીને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી અર્થે ગોત્રી પોલીસ મથકે લાવવામાં આવ્યો છે.
જાહેર રસ્તા પર ખંજરના ઘા ઝીંક્યા
આ ઘટનાની મૂળ વિગત મુજબ, વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા જાહેર રસ્તા પર ધોળા દિવસે અચાનક લોહીયાળ ખેલ ખેલાયો હતો. જય ઉર્ફે 'ટિંકુ' નામના શખ્સે યુવરાજસિંહ ડોડિયા નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર (ખંજર) વડે ઉપરાઉપરી હુમલો કરી દીધો હતો. જાહેર માર્ગ પર થયેલા આ અચાનક અને ભયાનક હુમલાને કારણે વિસ્તારમાં ભારે ભાગદોડ, ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખંજરના ઊંડા ઘા વાગવાના કારણે યુવરાજસિંહ ડોડિયા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ટિંકુ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પોલીસની કાર્યવાહી
બનાવની જાણ થતાં જ ડીસીપી ઝોન-2 મંઝીતા વણઝારા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગોત્રી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને મૃતદેહનો કબજો મેળવી પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
દારૂના ધંધાની હરીફાઈમાં યુવકની હત્યા થઈ હોવાની પ્રાથમિક આશંકા
પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ દારૂના ધંધાની આંતરિક હરીફાઈ અને વર્ચસ્વની અદાવત હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે આ ગુનામાં વપરાયેલું હથિયાર કબજે કરવા અને હત્યા પાછળના ચોક્કસ કારણો તથા અન્ય કોઈ સહ-આરોપીની સંડોવણી છે કે નહીં તે દિશામાં આરોપી જય ઉર્ફે ટિંકુની ઘન ગહન પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો : Gujarat News Today : આજે 04 નવેમ્બર 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?