Vadodara: તમારી ટિકિટ ક્યાંક નકલી કે મોંઘી તો નથી ને? ટિકિટ કાળાબજારીનું નેટવર્ક પકડાયું!
- Vadodara માં ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ મેચની ટીકિટની કાળાબજારી
- પોલીસે ટીકિટની કાળાબજારી કરતા શખ્સોની કરી ધરપકડ
- ટીકિટના ભાવ કરતા 5 ઘણા ભાવે વેચી રહ્યા હતા ટીકિટ
Vadodara Cricket Ticket Scam: ગુજરાતમાં ક્રિકેટ પ્રત્યેનો ક્રેઝ હંમેશા આસમાને હોય છે, પરંતુ આ ક્રેઝનો ફાયદો ઉઠાવી કેટલાક શખ્સો ગેરકાયદેસર કમાણી કરતા હોવાની વિગતો સામે આવી છે. આજે વડોદરા (Vadodara) માં રમાતી ભારત (India) અને ન્યૂઝીલેન્ડ (New Zealand) વચ્ચેની મહત્વની વનડે મેચ દરમિયાન ટિકિટોની કાળાબજારી કરતું મોટું નેટવર્ક વડોદરા ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યું છે. પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી 17 જેટલી ટિકિટો કબજે કરી છે.
5 ગણા ભાવે વેચાતી હતી ટિકિટો (India vs New Zealand)
આજે વડોદરામાં ભારત અને ન્યૂઝીલેન્ડની મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મેચનું એક ટિકિટ વેચાણનું કૌભાંડ ખુલ્લું પડ્યું છે. જાણકારી અનુસાર તમામ ટિકિટો વિન્ડો અને ઓનલાઇન પ્લેટફોર્મ પર સોલ્ડ આઉટ થઈ ગઈ હતી. આ પરિસ્થિતિનો લાભ લઈને કેટલાક અસામાજિક તત્વો ટિકિટોના અસલી ભાવ કરતા 5 ગણા ઉંચા ભાવે વેચાણ કરી રહ્યા હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. જે ટિકિટની કિંમત સામાન્ય હતી, તે ટિકિટો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી હજારો રૂપિયામાં વેચવામાં આવી રહી હતી.
Vadodara ક્રાઈમ બ્રાંચનો સપાટો
વડોદરા ક્રાઈમ બ્રાંચને મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના ભાંડવાડા નાકા પાસે આવેલા સેલ પેટ્રોલ પંપ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ફરેલા બે યુવકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા તેમની પાસેથી ભારત-ન્યૂઝીલેન્ડ મેચની 17 જેટલી ટિકિટો મળી આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ કેતન પટેલ (Hitesh Joshi) અને હિતેશ જોશી (Ketan Patel) તરીકે થઈ છે. આ બંને શખ્સો છૂપી રીતે ગ્રાહકો શોધીને તેમને ઉંચા ભાવે ટિકિટો પધરાવી રહ્યા હતા.
બે શખ્સો પાસેથી ટિકિટો કેવી રીતે આવી?
હાલમાં પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે આ બંને યુવકો પાસે એકસાથે 17 ટિકિટો ક્યાંથી આવી? શું આમાં કોઈ મોટા બુકી કે ક્રિકેટ એસોસિએશનના કર્મચારીની મિલીભગત છે? સામાન્ય રીતે એક વ્યક્તિને મર્યાદિત સંખ્યામાં જ ટિકિટો મળતી હોય છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં ટિકિટો મેળવવા માટે કયો રસ્તો અપનાવવામાં આવ્યો હતો તેની તપાસ ચાલી રહી છે. પોલીસે બંનેના મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે જેથી તેમની સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચી શકાય.
આ ઘટના બાદ પોલીસે લોકોને અપીલ કરી છે કે આવી કાળાબજારીમાં ટિકિટ ખરીદવી નહીં અને જો કોઈ વ્યક્તિ ઉંચા ભાવે ટિકિટ વેચતો હોય તો તુરંત નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.
આ પણ વાંચોઃ Vadodara: 15 વર્ષિય સગીરા પર દુષ્કર્મ ગુજારનારા 2 શખ્સના રિમાન્ડ મંજૂર, પોલીસે શું કહ્યું?


