Vadodara: લક્ષ્મીપુરામાં કાળજું ધ્રુજાવી દેનારો Cylinder Blast, દીવાલ ધરાશાયી, યુવકનું મોત
- Vadodara: લક્ષ્મીપુરા વિસ્તારમાં ગેસ Cylinder Blast થયો
- રડીયાત બા નગરમાં ફેબ્રિકેશનના કામ દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ
- ગેસ સિલિન્ડરના પ્રચંડ ધડાકાથી એક દીવાલ ધરાશાયી થઈ
- એક યુવકનું ગંભીર ઈજા બાદ ગોત્રી હોસ્પિટલમાં થયું મોત
- સિલિન્ડર બ્લાસ્ટ થતા આસપાસ ભારે અફરાતફરી મચી હતી
- પોલીસ સાથે FSL ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Vadodara Cylinder Blast: વડોદરા (Vadodara) શહેરના લક્ષ્મીપુરા (Laxmipura) વિસ્તારમાં આવેલી રડીયાત બા નગર (Radiyat Ba Nagar) સોસાયટીમાં આજે એક અત્યંત દુઃખદ અને ભયાનક ઘટના સામે આવી છે. અહીં ફેબ્રિકેશનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક એક ગેસ સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ (Gas Cylinder Blast) થયો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના રહીશોમાં ભારે ફફડાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
બ્લાસ્ટની તીવ્રતાથી દીવાલ ધરાશાયી થઈ, યુવક ભોગ બન્યો
આ સિલિન્ડર બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેના પ્રચંડ વેગને કારણે નજીકની એક આખી દીવાલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માત સમયે ઘટનાસ્થળે કામ કરી રહેલો એક યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો અને દીવાલના કાટમાળ નીચે દબાઈ જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં સ્થાનિક લોકો અને હાજર કર્મચારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને નજીકની ગોત્રી હોસ્પિટલ (Gotri Hospital) ખાતે ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન ટૂંકી પ્રતિક્રિયા બાદ આ ગંભીર ઈજાગ્રસ્ત યુવકે દમ તોડી દીધો હતો, જેને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસ અને FSLની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ (Police) કાફલો તાત્કાલિક રડીયાત બા નગર ખાતે દોડી આવ્યો હતો. આ બ્લાસ્ટ કયા કારણોસર થયો, સિલિન્ડરમાં કોઈ ખામી હતી કે ગેસ લીકેજ સુરક્ષામાં ચૂક થઈ હતી, તે તમામ પાસાઓની ચોક્કસ તપાસ કરવા માટે એફ.એસ.એલ. (FSL - Forensic Science Laboratory) ની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાટમાળ હટાવવાની અને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફેબ્રિકેશનના કામ દરમિયાન સુરક્ષાના સાધનો રાખવામાં આવ્યા હતા કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Rajkot Gas Cylinder Blast: સાધના સોસાયટીમાં જોરદાર વિસ્ફોટ, આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો


