નંદેસરી GIDC માં કેમિકલ વેસ્ટ ડમ્પિંગનો પર્દાફાશ, શું મોટા માથાઓના નામ ખુલશે?
- વડોદરાની નંદેસરી GIDCમાં પોલીસની મોટી કાર્યવાહી
- GIDC વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ ડમ્પિંગ ઝડપ્યું
- નંદેસરી પોલીસે બાતમી આધારે પાડ્યો દરોડો
વડોદરા (Vadodara) ના ઔદ્યોગિક હબ ગણાતા નંદેસરીના GIDC વિસ્તારમાં પોલીસ અને GPCB ની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખુલ્લી જગ્યામાં કેમિકલ વેસ્ટ ઠલવાતાં તત્વો સામે કાર્યવાહી કરી છે. પોલીસે બે ટેન્કર ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. નંદેસરી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક સ્થાનિક ગેંગ (Local Gang) રાત્રિના અંધકારનો લાભ લઈને ફેક્ટરીઓનો જોખમી કેમિકલ વેસ્ટ (Chemical Waste) ખુલ્લા મેદાનો અને અવાવરુ જગ્યાએ ઠાલવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે ગત મોડી રાત્રે ઓપરેશન હાથ ધર્યું હતું.
GIDC વિસ્તારમાં એકાએક પાડ્યા દરોડા
નંદેસરી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો દરોડો (Raid) પાડ્યો ત્યારે સ્થળ પર ગેરકાયદેસર રીતે કેમિકલ ડમ્પિંગનું કામ ચાલી રહ્યું હતુ. પોલીસને જોઈને કૌભાંડીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઝેરી કેમિકલ ખાલી કરી રહેલા બે મોટા ટેન્કરોને રંગેહાથ ઝડપી લીધા હતા. આ ટેન્કરો દ્વારા ખુલ્લામાં જે પ્રવાહી ઠાલવવામાં આવી રહ્યું હતું તે અત્યંત તીવ્ર અને પર્યાવરણ માટે નુકસાનકારક (Hazardous) હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે.
પોલીસ અને GPCB ની સંયુક્ત તપાસ
આ ઘટનાની ગંભીરતાને જોતા નંદેસરી પોલીસે તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના અધિકારીઓને જાણ કરી હતી. GPCB ની ટીમ પણ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઠાલવવામાં આવેલા કેમિકલના નમૂના (Samples) લીધા હતા. આ કેમિકલ કેટલું ઝેરી છે અને તેનાથી જમીન કે ભૂગર્ભ જળને કેટલું નુકસાન થઈ શકે છે તેની તપાસ લેબોરેટરી રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. પોલીસ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આ સંયુક્ત કામગીરીથી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મોટા ઉદ્યોગપતિઓની સંડોવણીની આશંકા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ માત્ર કોઈ સામાન્ય ગુનો નથી પરંતુ એક સુનિયોજિત કૌભાંડ છે. પકડાયેલા ટેન્કરો કઈ કંપનીના છે અને આ કેમિકલ કયા ઉદ્યોગમાંથી લાવવામાં આવ્યું હતું તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એવી પ્રબળ આશંકા (Apprehension) સેવવામાં આવી રહી છે કે નંદેસરી GIDCના કેટલાક મોટા ઉદ્યોગપતિઓ પોતાના ખર્ચ બચાવવા માટે સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી આ સ્થાનિક ગેંગ દ્વારા કચરો ઠાલવતા હતા. આગામી દિવસોમાં આ મામલે મોટા નામો ખુલે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ Kheda: પુનાદરા જમીન કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની મુશ્કેલી વધી


