Vadodara: વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન ક્લાસ? જાણો PM મોદીએ કેમ કરી આ વાત
- ગુજરાતની ધરતી પરથી દેશવાસીઓને PM મોદીની અપીલ
- પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવા PM મોદીની અપીલ
- દુનિયા અસ્થિર પરિસ્થિતિઓથી પસાર થઇ રહી છે: PM મોદી
Vadodara: વડોદરા ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Modi) એ સરદારધામ સંકુલ-3નું લોકાર્પણ (Inauguration) કર્યું છે. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે વિશ્વની વર્તમાન અસ્થિર પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી અને ત્યારબાદ સર્જાયેલી યુદ્ધની સ્થિતિએ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર માઠી અસર (Negative impact) કરી છે. ખાસ કરીને વૈશ્વિક સપ્લાય ચેઇન (Supply chain) ખોરવાઈ હોવાથી ભારત જેવા વિકાસશીલ દેશોએ પોતાની રણનીતિમાં ફેરફાર કરવો અનિવાર્ય બન્યો છે.
ઇંધણ બચત અને પબ્લિક ટ્રાન્સપોર્ટ પર ભાર
PM મોદીએ દેશવાસીઓને ખાસ અપીલ કરતા પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરવા જણાવ્યું હતું. તેમણે સૂચન કર્યું કે જ્યાં સુધી વૈશ્વિક સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી નાગરિકોએ મેટ્રો અને અન્ય જાહેર પરિવહન (Public transport) સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. તેમણે 'કાર પૂલિંગ'ના મહત્વ પર ભાર મુકતા કહ્યું કે, જ્યારે વધુ સંખ્યામાં લોકો હોય ત્યારે જ કારનો ઉપયોગ કરવો હિતાવહ છે. જે લોકો પાસે ઇલેક્ટ્રિક વ્હીકલ (Electric vehicle) છે, તેમને અન્ય લોકોને મદદરૂપ થવા પણ તેમણે આહ્વાન કર્યું હતું.
વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન શિક્ષણ
વડાપ્રધાનએ ઊર્જા અને ઇંધણની બચત માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે સરકારી અને ખાનગી કચેરીઓને વિનંતી કરી કે શક્ય હોય ત્યાં 'વર્ક ફ્રોમ હોમ' (Work from home) ને પ્રાથમિકતા આપવામાં આવે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને પણ કેટલાક દિવસો માટે ઓનલાઇન ક્લાસીસ (Online classes) પર જોર આપવા જણાવ્યું હતું. આ નાના સંકલ્પો દ્વારા દેશની વિદેશી મુદ્રા બચાવી શકાય છે. સાથે સાથે સોનાની ખરીદી ટાળવા પણ અપીલ કરી છે.
ખાદ્ય તેલની બચત કરવા પણ કરી અપીલ
ઇંધણની સાથોસાથ PM મોદીએ ખાદ્ય તેલના વપરાશ અંગે પણ મહત્વની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત ખાદ્ય તેલની આયાત (Import) માટે મોટી માત્રામાં વિદેશી નાણું ખર્ચે છે. જો નાગરિકો ખાદ્ય તેલનો ઉપયોગ મર્યાદિત કરશે તો તેનાથી માત્ર આર્થિક બચત જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય (Health) પણ સારું રહેશે. અંતમાં તેમણે 'લોકલ ફોર વોકલ' (Local for Vocal) ના અભિયાનને જન આંદોલન બનાવી આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવા ગુજરાતની ધરતી પરથી હાકલ કરી હતી.


