વિશેષ સેશન યોજાશે
આ સમિટના ભાગરૂપે, ગિફ્ટ સિટી મંગળવારે “ગિફ્ટ સિટી: ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ગેટવે ઓફ ઈન્ડિયા” વિષય પર વિશેષ સેશનનું આયોજન કરશે. આ સેશનમાં બેન્કિંગ, ફંડ મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ એક્સચેન્જીસ અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (આઈએફએસસીએ)ના વરિષ્ઠ પ્રતિનિધિઓ ભાગ લેશે. સેશનમાં ભારતના એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (આઈએફએસસી)માં વધી રહેલી નાણાંકીય પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવશે, જેમાં બેન્કિંગ, કેપિટલ માર્કેટ્સ, ઇન્શ્યોરન્સ, ફંડ મેનેજમેન્ટ અને અન્ય ઉભરતા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
ગિફ્ટ સિટીની વિવિધ ક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિ
આ સેશન એવા સમયે યોજાઇ રહ્યું છે કે જ્યારે ગિફ્ટ સિટી વિવિધ ક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી રહી છે. માર્ચ 2026 સુધીમાં ગિફ્ટ સિટી આઈએફએસસીમાં બેન્કિંગ એસેટ્સનું મૂલ્ય 111 અબજ યુએસ ડોલર સુધી પહોંચ્યું હતું, જ્યારે ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમમાં 217 ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝ (એફએમઈ) દ્વારા 360 સ્કીમ્સ મેનેજ કરવામાં આવી રહી હતી અને કુલ મૂડી પ્રતિબદ્ધતા 39 અબજ યુએસ ડોલરને વટાવી ગઈ હતી.
ગિફ્ટ સિટીમાં 1,500થી વધુ સંસ્થાઓ કાર્યરત
હાલમાં ગિફ્ટ સિટીમાં 1,500થી વધુ સંસ્થાઓ કાર્યરત છે, જેમાં અંદાજે 27,000 વ્યાવસાયિકો કામ કરે છે. ગિફ્ટ સિટી વિશિષ્ટ નાણાંકીય પ્રવૃત્તિઓ માટે પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહી છે. માર્ચ 2026 સુધીમાં અહીં 35 એરક્રાફ્ટ લેસર્સ અને 36 શિપ લેસર્સ કાર્યરત હતા. ગિફ્ટ સિટી માળખાના માધ્યમથી 370થી વધુ એવિએશન એસેટ્સ અને 37 જહાજોના લીઝિંગ વ્યવહારો પૂર્ણ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, ગિફ્ટ સિટીમાંથી કાર્યરત ગ્લોબલ/રિજનલ કોર્પોરેટ ટ્રેઝરી સેન્ટર્સ (જીઆરસીટીસી) દ્વારા આપવામાં આવેલી લોન અને એડવાન્સની રકમ માર્ચ 2026 સુધીમાં 5.61 અબજ યુએસ ડોલર સુધી પહોંચી હતી. આ આંકડો ટ્રેઝરી મેનેજમેન્ટ અને વિદેશી નાણાંકીય વ્યવહારો માટે ગિફ્ટ સિટીના ઇકોસિસ્ટમનો વધી રહેલો ઉપયોગ દર્શાવે છે.
આ કાર્યક્રમ દરમિયાન ગિફ્ટ સિટી સ્થળ પર એક વિશેષ અનુભવાત્મક પેવેલિયન દ્વારા વિવિધ હિતધારકો સાથે સંવાદ કાર્યક્રમ યોજશે. આ પેવેલિયન મારફતે મુલાકાતીઓને ગિફ્ટ સિટીની ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફંડ મેનેજમેન્ટ, એરક્રાફ્ટ લીઝિંગ તેમજ ફિનટેક જેવા ક્ષેત્રોમાં ઊભી થઈ રહેલી નવી તકો અંગે ઇન્ટરેક્ટિવ માહિતી આપવામાં આવશે.
પ્રાદેશિક ઉદ્યોગોને વૈશ્વિક બજારો સાથે જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય
વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓ, રોકાણકારો અને કોર્પોરેટ ક્ષેત્રની વધતી ભાગીદારી સાથે ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાંકીય પ્લેટફોર્મ તરીકે પોતાની સ્થિતિને વધુ મજબૂત બનાવી રહી છે. તે દેશમાં અને દેશની બહાર એમ બંને પ્રકારે થઈ રહેલા મૂડી રોકાણોને ટેકો આપવાની સાથે પ્રાદેશિક ઉદ્યોગોને વૈશ્વિક બજારો સાથે જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય પણ કરી રહી છે.
આ પણ વાંચોઃ Gujarat ના 5 જિલ્લાઓમાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, CM ની મોટી જાહેરાત