Vadodara firing News: વડોદરા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના રોડ પર 37 વર્ષના એક ગારમેન્ટ વેપારી પર બાઈક સવાર અજ્ઞાત હુમલાખોરોએ સરેઆમ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં વેપારીને હાથના બાવડાના ભાગે ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને હાલ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Vadodara માં ઘાયલ વેપારીએ જણાવી આપવીતી
હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ગારમેન્ટ વેપારી આશિષ બાકોલિયાએ પોતાના નિવેદનમાં ઘટનાની ભયાનકતા વર્ણવતા જણાવ્યું હતું કે, "હું મારી કાર લઈને ઘરે જઈ રહ્યો હતો. એ સમયે ચાર રસ્તા પર સિગ્નલ બંધ હોવાના કારણે મેં મારી કાર ઊભી રાખી હતી. અચાનક બાઈક પર આવેલા શખ્સો ફાયરિંગ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. શરૂઆતની થોડી મિનિટો સુધી તો મને કંઈ ખબર જ ન પડી કે મારી સાથે શું થયું છે. પરંતુ, ત્યાર બાદ હાથમાં અસહ્ય પીડા થવા લાગી ત્યારે ખબર પડી કે મને કંઈક વાગ્યું છે."
વેપારીએ વધુમાં ઉમેર્યું કે, "વડોદરાને રાજ્યનું સૌથી સલામત સિટી માનવામાં આવે છે, તેમ છતાં આવી ઘટના બની તે ચિંતાજનક છે. ફાયરિંગ કરનાર કોણ હતા અને તેમણે મારા પર કેમ હુમલો કર્યો તે અંગે મને કોઈ જ માહિતી નથી. પોલીસ વહેલી તકે આ ગુનેગારોને પકડી પાડે તેવી મારી માંગ છે."
ડીવાયએસપી પી.એન. પાટીલનું નિવેદન
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ વડોદરા ગ્રામ્ય પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. વડોદરા ગ્રામ્યના ડીવાયએસપી પી.એન. પાટીલે (DySP P.N. Patil) જણાવ્યું હતું કે, 37 વર્ષીય વેપારી આશિષ બાકોલિયા પર થયેલા ફાયરિંગના મામલાને પોલીસે અત્યંત ગંભીરતાથી લીધો છે.
હુમલાખોરો કયા કારણોસર ફાયરિંગ કરીને નાસી છૂટ્યા છે તે દિશામાં અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે, તેમજ અન્ય ટેકનિકલ પુરાવાઓ અને લોકેશનના આધારે અજ્ઞાત બાઈક સવારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Kheda Kapadvanj factory blast: ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ,10 કિલોમીટર સુધી ધરા ધ્રુજી, 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત