Vadodara : ભાયલી રોડ પર એક્ટિવાનો અકસ્માત, ચાલક યુવતિનું મોત
- ભાયલીમાં અકસ્માતની ઘટના સામે આવી
- એક્ટિવા ચાલક યુવતિનું મોત નીપજ્યું
- અકસ્માતમાં એક્ટિવાને પણ મોટી ક્ષતિ પહોંચી
Vadodara : વડોદરાના ભાયલી રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભાયલી રોડ પર આજે બપોરના સમયે એક યુવતિ એક્ટિવા લઇને પસાર થઇ રહી હતી. દરમિયાન અચાનક તેનું એક્ટિવા ડિવાઇડર જોડે ભટકાતા તે ગંભીર ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી. ઇજાગ્રસ્ત યુવતિને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનામાં એક્ટિવા પણ ભારે ક્ષતિગ્રસ્ત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ધડાકો થતા આસપાસના લોકો દોડી આવ્યા
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા પ્રિયા ટોકીઝ પાસેના રોડ પર આજે અકસ્માતની ઘટના સામે આવી છે. જેને પગલે અરેરાટી વ્યાપી જવા પામી છે. પ્રિયા ટોકીઝ પાસે પેટ્રોલ પંપ નજીક આજે બપોરના સમયે 20 વર્ષિય યુવતિ નેત્રા હિમાંશુ વ્યાસ પોતાનું એક્ટિવા લઇને જઇ રહી હતી. દરમિયાન અગમ્ય કારણોસર તેનું એક્ટિવા ડિવાઇડર જોડે ભટકાયું હતું, અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ધડાકા જેવો અવાજ થતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. આ ઘટનામાં ચાલક યુવતિને ગંભીર ઇજાઓ પહોંચતા તેને એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
એક્ટિવાને પણ મોટું નુકશાન પહોંચ્યું
ગોત્રી હોસ્પિટલમાં યુવતિને સારવાર મળે તે પહેલા જ હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરી દેવામાં આવી હતી. ઘટના અંગે જાણ થતા પરિજનો તાત્કાલિક દોડી આવ્યા હતા. આ ઘટનામાં યુવતિનું એક્ટિવા પણ આગળની તરફથી ભારે ક્ષતિગ્રસ્ત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -------- Gandhinagar: શું ખરેખર બાળકોના મોત ટાઈફોઈડથી થયા? જાણો કમિશનરે શું કહ્યું?


