સેન્ટ્રલ ગુજરાત: આર્થિક વિકાસનું પાવરહાઉસ
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં મધ્ય ગુજરાતને રાજ્યની અર્થવ્યવસ્થાનું ‘પાવરહાઉસ’ (Powerhouse) ગણાવ્યું હતું. ગુજરાતના કુલ મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં આ વિસ્તારનો ફાળો આશરે 28 ટકા જેટલો છે. 2020 ના આંકડા મુજબ, આ ક્ષેત્રમાંથી 20.5 બિલિયન અમેરિકન ડૉલરથી વધુની નિકાસ થઈ છે. તેમણે કહ્યું કે, “અમે માત્ર બિઝનેસ નથી કરી રહ્યા, પરંતુ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ.” સરકાર દ્વારા સેન્ટ્રલ ગુજરાત માટે 20 વર્ષનો સ્પેશિયલ ‘ઇકોનોમિક માસ્ટર પ્લાન’ (Economic Master Plan) તૈયાર કરવામાં આવ્યો છે.
વડોદરા બનશે બ્લુ ઈકોનોમી અને એરોસ્પેસનું હબ
વડોદરાની સ્કિલ, શિક્ષણ અને ઇનોવેશન ક્ષમતાને રાજ્યની તાકાત ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડોદરાને દેશનું સૌથી મોટું બ્લુ ઈકોનોમી હબ (Blue Economy Hub) બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, વડોદરામાં સ્થપાયેલી દેશની પ્રથમ ટાટા-એરબસ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીને નવા ભારતના આત્મવિશ્વાસનું પ્રતીક ગણાવવામાં આવી હતી. પ્રથમ ટેસ્ટ ફ્લાઇટની સફળતા દર્શાવે છે કે, ભારત હવે માત્ર વિમાનમાં મુસાફરી કરતું નથી, પરંતુ વિમાન બનાવતું રાષ્ટ્ર બન્યું છે. સાથે જ, છોટાઉદેપુરને આગામી સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ હબ (Sports Equipment Hub) બનાવવાનો રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
ઉદ્યોગકારો માટે 'રેડ કાર્પેટ'નું વાતાવરણ
સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર નિયમનકર્તા નથી, પરંતુ ઉદ્યોગકારોના વિકાસમાં ભાગીદાર છે. ‘ઝીરો રેડ ટેપ, ઓનલી રેડ કાર્પેટ’ ના સૂત્ર સાથે સરકાર રોકાણકારોને પ્રોત્સાહન આપી રહી છે. પારદર્શક નીતિઓ અને ઝડપી અમલીકરણ પર સરકારનો વિશેષ ભાર છે. આ કોન્ફરન્સમાં મહિલા ઉદ્યોગસાહસિકો માટે 5 વર્ષ સુધી 75% રેન્ટલ સહાય અને દિવ્યાંગજનો માટે 10 વર્ષ સુધી રિઇમ્બર્સમેન્ટ સહાયની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ્સ દ્વારા અંદાજે ₹10,000 કરોડના રોકાણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે 3,000 થી વધુ હાઈ-પે રોજગારીની તકો ઊભી કરશે.
સાંસ્કૃતિક વારસો અને વૈશ્વિક નેતૃત્વ
મધ્ય ગુજરાતની ભૂમિ હંમેશા નેતૃત્વ આપતી રહી છે, પછી તે મહાત્મા ગાંધીનો ઐતિહાસિક ખેડા સત્યાગ્રહ હોય કે આણંદના સહકારી આંદોલન દ્વારા અમૂલની સફળતા હોય. પંચમહાલ, મહિસાગર, દાહોદ અને છોટાઉદેપુરની આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ લેતા સ્ટેચ્યૂ ઑફ યુનિટીને દેશના ગૌરવનું પ્રતીક ગણાવવામાં આવ્યું હતું. આજે આ સ્થળ માત્ર પ્રવાસીઓ માટે જ નહીં, પરંતુ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવાનું એક મહત્વનું કેન્દ્ર બની ગયું છે. વાયબ્રન્ટ ગુજરાત એ માત્ર MOU કરવાનું મંચ નથી, પરંતુ વિકસિત ભારત 2047 ના સંકલ્પમાં ગુજરાતને વિકાસનું એન્જિન (Engine of Growth) બનાવવાનું માધ્યમ છે.
આ પણ વાંચોઃSurat: સેમી કંડક્ટરથી રિયલ એસ્ટેટ સુધી, Gujarat વિશ્વ સાથે સ્પર્ધા કરશે, જાણો CM એ શું કહ્યું?