Yusuf Pathan Land Controversy: વડોદરાની કરોડો રૂપિયાની જમીન ફાળવણીના વિવાદમાં પૂર્વ ક્રિકેટર અને વર્તમાન સાંસદ યુસુફ પઠાણ સામે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે આ મામલે અત્યંત આકરી ટકોર કરતાં આદેશ આપ્યો છે કે જો 15 દિવસમાં વિવાદિત જમીન ખાલી કરવામાં નહીં આવે તો કોર્ટ કમિશનર મારફતે તેનો સત્તાવાર કબજો લેવામાં આવશે. કોર્ટે વડોદરા મહાનગરપાલિકા (VMC) અને તેના અધિકારીઓની ભૂમિકા સામે પણ ગંભીર પ્રશ્નાર્થો ઉભા કર્યા છે.
પૂર્વ ક્રિકેટર અને સાંસદ Yusuf Pathan ને ગુજરાત હાઈકોર્ટનો મોટો ઝટકો
આ કેસની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કાયદાકીય પ્રક્રિયા અને નિયમોના ઉલ્લંઘન બદલ આકરા સવાલો કર્યા હતા. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે, "જો જમીનનું સત્તાવાર એલોટમેન્ટ (ફાળવણી) થયું જ ન હતું, તો પછી આ જમીનનો કબજો કેવી રીતે સોંપવામાં આવ્યો? અને જમીનનું માર્કેટ કિંમતે વેચાણ કેવી રીતે થઈ શકે?"
કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે, માત્ર કોઈ પ્રસ્તાવ મંજૂર થઈ જવાથી એલોટમેન્ટ કાયદેસર રીતે માન્ય ગણાતું નથી. આ સમગ્ર પ્રક્રિયામાં નિયમોનું પાલન થયું છે કે નહીં તે હવે તપાસના કેન્દ્રમાં છે.
અધિકારીઓ સામે પણ તપાસના આદેશ
આ વિવાદની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, વર્ષ 2012 માં વડોદરા કોર્પોરેશન દ્વારા સ્ટેડિયમ કમિટી અને ગુજરાત બોક્સિંગ એસોસિએશનને જમીન ફાળવવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો. પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સાથે જોડાયેલો આ જમીન ફાળવણીનો મામલો લાંબા સમયથી વિવાદોમાં રહ્યો છે. ત્યારબાદ, વર્ષ 2024 માં રાજ્ય સરકારે આ જમીન ફાળવણીની નોટિસ રદ કરતાં મામલો વધુ ગરમાયો હતો અને ફરી ચર્ચામાં આવ્યો હતો.
આગામી સુનાવણી હવે 15 જૂનના રોજ થશે
હાઈકોર્ટે હવે આ મામલે વડોદરા કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. કોર્ટે આદેશ કર્યો છે કે જમીન ફાળવનાર સક્ષમ અધિકારીનું નામ જાહેર કરવામાં આવે અને તેમની જવાબદારી નક્કી કરવામાં આવે. હાઈકોર્ટની આ કડક ટિપ્પણીઓ બાદ આખો મામલો રાજ્યના રાજકારણ અને રમતજગતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસની આગામી સુનાવણી હવે 15 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: Ahmedabad Rath Yatra 2026: અમદાવાદમાં રથયાત્રાનો રંગ જામવા લાગ્યો, 30થી વધુ અખાડાઓ કરશે કરતબોનું પ્રદર્શન