30

રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવના અહેવાલોને લઈને મંગળવારે શેરબજારની શરૂઆત નબળી રહી હતી. BSE સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટીને 57 હજારના સ્તરની નીચે ખુલ્યો હતો. ત્યારે, NSEના નિફ્ટી ઇન્ડેક્સે પણ 299 પોઇન્ટના ઘટાડા સાથે 17 હજારની નીચે આવીને ટ્રેડિંગ શરૂ કર્યું છે.
બજાર ખુલતાની સાથે જ લગભગ 254 શેર વધ્યા, 1932 શેર ઘટ્યા અને 48 શેર યથાવત રહ્યા છે .જયારે સેન્સેક્સના તમામ 30 શેરો લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે એટલે કે સતત તૂટી રહ્યા છે. નિફ્ટીમાં ડો. રેડ્ડીઝ લેબ્સ, એલએન્ડટી, એશિયન પેઇન્ટ્સ, ટીસીએસ અને યુપીએલ ટોપ લુઝર્સમાં હતા, જ્યારે માત્ર ઓએનજીસીના શેરમાં સુધારો જોવા મળી રહ્યો છે. સોમવારે સેન્સેક્સ 149 પોઈન્ટ ઘટીને 57,683 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી પણ 70 પોઈન્ટ ઘટીને 17,206 પર બંધ થયો હતો.
માર્કેટ પર રશિયા અને યુક્રેનના તણાવની અસર
શેરબજાર તૂટવાની અસર ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ રશિયા-યુક્રેનમાં તોળાતા યુધ્ધના સંકટની અસર વિશ્વભરના શેરબજારો પર જોવા મળી રહી છે. એશિયાથી યુરોપના બજારોમાં ભારે ઘટાડો નોંધાયો છે. ભારતીય શેરબજાર મંગળવારે લાલ નિશાન સાથે ખુલ્યું હતું, જ્યારે યુરોપિયન બજારો પર નજર કરીએ તો, ATSE 0.39 ટકા, CAC 2.04 ટકા અને DAX 2.07 ટકા ઘટીને બંધ થયા હતા. એશિયન બજારો પર નજર કરવામાં આવે તો, SGX નિફ્ટીમાં 1 ટકા અને હેંગસેંગમાં 3.23 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ, શાંઘાઈ SE કમ્પોઝિટ ઈન્ડેક્સ 1.19 ટકા, જ્યારે તાઈવાન ટી સેક્ટર 50 ઈન્ડેક્સ 1.87 ટકા તૂટ્યો હતો.
એક તરફ શેરબજારોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ મંગળવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત 8 વર્ષની ટોચે પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 96 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે.