36

ફિલ્મ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ રિલીઝ મુદ્દે ભણસાલી પ્રોડક્શન હાઉસને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ફિલ્મ રિલીઝના પરના પ્રતિબંધને માટે થયેલી અરજીને નકારી કાઢી છે. બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા અજય દેવગણની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. હવે સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ તેની નિર્ધારિત તારીખ 25 ફેબ્રુઆરી 2022ના દિવસે થિયેટર રિલીઝ થશે. ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ પર આધારિત છે. ગંગુબાઇના દતક પુત્ર બાબુજી રાવજીનું કહેવું છે કે ફિલ્મમાં તેમની માતાને વેશ્યા અને લેડી ડોન તરીકે દર્શાવવામાં આવી છે, જે ખોટું છે જેનાથી તેમના પરિવારની ઇજ્જતનો સવાલ છે. તેમણે આ જ કારણસર ફિલ્મની રિલીઝ પર સ્ટે માંગ્યો હતો. જોકે કોર્ટે આ માંગને ફગાવી દીધી છે. આ સાથે જ આ ફિલ્મનું બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ સ્ક્રીનીંગ કરાયું હતું. જ્યાં ફિલ્મ વિવેચકોએ આ ફિલ્મના ખૂબ વખાણ કર્યા છે.
બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું પ્રીમિયર
બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો પ્રીમિયર યોજાયો હતો. જ્યાં ફિલ્મને પ્રેક્ષકો અને વિવેચકો તરફથી સારા રિવ્યુ મળ્યાં હતાં. પીટર બ્રેડશોએ લખ્યું છે કે, “ફિલ્મમાં નાયિકાની વાર્તને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. જો કે, જ્યારે ગંગુબાઈ માફિયા ક્વીનમાંથી મધર ઈન્ડિયા ટાઈપની ભૂમિકામાં જાય છે, જે સેક્સ વર્કરોને પ્રેમ કરે છે, ત્યારે આ ફિલ્મ નબળી જોવા મળે છે. ફિલ્મના ઘણાં સીન્સ ખૂબ દમદાર છે. સાથે જ મ્યુઝિક ફિલ્મને આગળ વધારવામાં મદદ કરે છે.
આશ્ચર્યજનકરુપે મનોરંજનથી ભરપૂર ફિલ્મ
અન્ય એક ફિલ્મ વિવેચક એલિસિયા હેડિકે લખ્યું છે, “એક મોટા બજેટની ભારતીય બ્લોકબસ્ટર ફિલ્મ છે. જે એક મનોરંજક બાયોપિક બની છે. આ ફિલ્મમાં એક યુવાન છોકરીના સંધર્ષની વાર્તા અને એક નેતા સુધી પહોંચવાની સફરને સુંદર રીતે દર્શાવવામાં આવી છે. જો કે, ગંગુબાઈને ગર્લ બોસ બનાવવામાં વાર્તા ખોવાઈ જાય છે. ફિલ્મનું કાસ્ટિંગ સારું છે. નિર્દેશક સંજય લીલા ભણસાલીએ અંડરવર્લ્ડનો એક રોમાંચક ડ્રામા બનાવ્યો છે, જે અદ્ભુત છે.
ફિલ્મમાં સંગીત, રોમાંસ અને નૃત્યનું સુંદર કોમ્બિનેશન
સાથે જ સિને મેજીકોનમાં લિડા બેચે રિવ્યુ કરતાં લખ્યું કે , ફિલ્મમાં ઉત્સાહી અને ખૂબ જ સુંદર હીરોઇનને દર્શાવાઇ છે. ફિલ્મમાં સંગીત, રોમાંસ અને નૃત્યનું સુંદર કોમ્બિનેશન છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત, આ બાયોપિક એક સુંદર બોલીવુડ ફિલ્મમાંની એક છે. જેમાં એક ગણિકાના વ્યવસાયમાં ધકેલાયેલી સ્ત્રી કેવી રીતે નેતા બની અને તેમણે દેશમાં પહેલાં વૈશ્યાવૃત્તિને એવૈધ કાનૂન બનાવવામાં મદદ કરી.
હુસૈનના પુસ્તક પર આધારિત ફિલ્મ
આ ફિલ્મ હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત છે. ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ અને અજય દેવગન ઉપરાંત વિજય રાજ, સીમા પાહવા અને શાંતનુ મહેશ્વરી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. કેટલાક સેલેબ્સે પણ આ ફિલ્મ પર પ્રતિક્રિયા આપી છે.