9

પીઢ અભિનેત્રી વહીદા રહેમાને પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં એક અલગ જ ઓળખ બનાવી છે. બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાન આજે પોતાનો 84મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 60ના દાયકાના ખ્યાતનામ અભિનેત્રીઓમાં વહીદા રહેમાને ફિલ્મી ચાહકોના દિલમાં એક અલગ જ ઓળખ બનાવી છે. આજે પણ લોકો તેમની એક્ટિંગ અને ડાન્સના દિવાના છે. આજે સિલ્વર હૈરસ્ટાઇલની સાથે ખાસ મિત્રો હેલન અને આશા પારરેખની સાથે બિન્દાસ હૈપ્પી લાઈફ જીવી રહ્યા છે. વહીદા રહેમાને હિન્દી સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવી છે. પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત વહિદા રહેમાને ગુરુદત્તની સાથે કરી હતી.
70 વર્ષથી કરી રહ્યા છે બોલીવુડ પર રાજ
વહીદા રહેમાનની ટોપ ફિલ્મો
‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’, ‘ગાઈડ’, ‘નીલકમલ’, ‘રામ ઔર શ્યામ’, ‘તીસરી કસમ’ જેવી હિટ ફિલ્મો આપી. 50ના દાયકાના આ અભિનેત્રીએ 1991માં આવેલી ફિલ્મ ‘લમ્હે’માં દાઈજાનનું પાત્ર બખૂબી નિભાવ્યું. ત્યારબાદ આવેલી ફિલ્મ ‘ઓમ જય જગદીશ’, ’વોટર’, ‘મૈને ગાંધી કો નહી મારા’, જેવી ફિલ્મોમાં પણ ઝળક્યા. વર્ષ 2006ની ફેમસ ફિલ્મ ‘રંગ દે બસંતી’માં, અજયની માતાનો પાત્ર દર્શકોને ખૂબ પસંદ પડયું. 2009માં ‘દિલ્હી 6’ ફિલ્મમાં તેઓ જોવા મળ્યાં. વર્ષ 2017માં આવેલી ‘ધ સોન્ગ ઓફ સ્કોર્પિયન્સ’ અને 2021માં ‘સ્કેટર ગર્લ’ માં મહારાણી જાજરમાન રોલમાં જોવા મળ્યાં.
બાળપણમાં ડોક્ટર બનવાની ઈચ્છા હતી આજે છે બોલીવુડના જાણીતા અભિનેત્રી
આ પીઢ અભિનેત્રીનો જન્મ 1938માં ચેંગાસપટ્ટુ, તમિલનાડુમાં થયો હતો. તેમને નાનપણથી જ સંગીત અને નૃત્યનો શોખ હતો. વહિદાજીને બાળપણમાં ડૉક્ટર બનવાની ઈચ્છા હતી. પરંતુ પરિવારને આર્થિક ટેકો કરવા તેમણે ફિલ્મોમાં કામ કરવું પડ્યું. હિન્દી ફિલ્મોની સાથે તેમણે ઘણી તમિલ, મલયાલમ અને બંગાળી ફિલ્મો પણ કરી છે. 1956માં તમિલ ફિલ્મોથી કરિયરની શરૂઆત કરી હતી. પોતાની હિન્દી ફિલ્મ કારકિર્દીની શરૂઆત ગુરુ દત્ત સાહેબની ફિલ્મ CID થી કરી હતી. વહીદા રહેમાનને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરાયા છે. તેમને બે વખત ફિલ્મફેર અને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. તેમણે 1974માં એક્ટર શશિ રેખી (કમલજીત) સાથે લગ્ન કર્યા હતા. તેમને દિકરી કેશ્વી રેખી અને દિકરો સોહિલ રેખી રાઇટર છે.
આજે સિલ્વર હૈરસ્ટાઇલ સાથે લાઇફને ભરપૂર અંદાજમાં જીવી રહ્યા છે
આજે પણ વહીદા રહેમાન, તેમના ગાઢ મિત્રો એવા દિગ્ગજ અભિનેત્રી આશા પારેખ અને હેલનની સાથે ઘણાં બધાં ટીવી શોમાં જોવા મળે છે. થોડા સમય પહેલાં જ તેઓ સાઉથ આફ્રિકાના પ્રવાસે પણ ગયા હતા અને ત્યાં ફોટોગ્રાફી પણ કરી હતી. ફિલ્મોં અને ફોટોગ્રાફી સાથે અલગ અલગ સ્થળો પર ફરવાનો શોખ ધરાવે છે. તાજેતરમાં તેઓ અંદમાન નિકોબારનાં પ્રવાસે પણ ગયા હતા.