ફરી સુરત જેવી ઘટનાનું પુનરાવર્તન, આરોપીએ સગીરાના ગળા પર ફેરવ્યું કટર
સુરતમાં ગ્રીષ્માની હત્યાનો બનાવ હજુ શમ્યો નથી ત્યાં પાટનગર ગાંધીનગરમાં શુક્રવારે એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ સગીરા પર કટર વડે હુમલો કર્યો છે. ગાંધીનગરમાં પ્રેમીએ સગીરાને બહાનાથી અમરાપુર નદીના કોતરમાં લઈ જઈ કટરથી સગીરાના ગળા પર ઉપરાઉપરી વાર કર્યા. બનાવની જાણ થતાં સ્થળ પર દોડી ગયેલા સગીરાના કાકાએ તાત્કાલિક 108 ને બોલાવી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ
ઘટના જોઈએ તો ગાંધીનગરના લીંબોદરા ગામે ભણતી સગીરા શુક્રવારે સ્કૂલમાં પરીક્ષા આપવા ગઈ હતી. બપોરના સમયે ગામમાં રહેતો શખ્સ સંજય સેધાજી ઠાકોરે સગીરાને રસ્તામાં રોકી હતી. અને તેના કાકા બોલાવે છે તેમ કહી પોતાની બાઈક પર બેસાડીને લઈ ગયો. સંજય સગીરાને અમરાપુર નદીના કોતરમાં લઈ જઈ તેની સાથે બળજબરી કરવા લાગ્યો હતો.
માથાકૂટ થતાં આરોપીએ સગીરાને ગળાના ભાગે વાર કર્યા
આરોપીએ બળજબરી કરતા સગીરાએ તેનો વિરોધ કર્યો. ત્યારે આરોપી સંજયે ઉશ્કેરાઈ જઈ ધારદાર કટર વડે સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી દીધા. સગીરાએ પ્રતિકાર કરતાં સંજય ત્યાંથી નાસી ગયો હતો. ગળામાંથી લોહી વહી રહ્યું હોવા છતાં સગીરાએ પોતાના કાકાને ફોન કરી બોલાવ્યા. તેના કાકા તરત નદીના કોતરમાં દોડી અને 108 ને ફોન કરી બોલાવી હતી. 108ની ટીમે સગીરાની પ્રાથમિક સારવાર કરી ગાંધીનગર સિવિલમાં એડમિટ કરી હતી. સગીરાના ગળાના ભાગે ઘા થતા શ્વાસનળી કપાઈ જવાની ભીતી હતી. જો કે ડોક્ટરોએ 30 થી વધુ ટાંકા લઈ સફળ સર્જરી કરી સગીરાને બચાવી લીધી છે.
પોલીસે આરોપી યુવકની અટકાયત કરી
આ ગંભીર ઘટનાની જાણ થતાં ગ્રામજનો સહિત પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ સગીરાની સારવાર ચાલી રહી હોવાથી પોલીસે તેની વધુ પૂછપરછ કરી નથી. પરંતુ સગીરાના કાકાની ફરિયાદના આધારે પોલીસે આરોપી સંજય ઠોકોરની અટકાયત કરી છે. પોલીસે સગીરા પર બળજબરી અને હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે. હાલ સગીરા સારવાર હેઠળ છે, સગીરાની સારવાર પૂર્ણ થતા પોલીસ તેનું પણ નિવેદન લેશે.