રિપોર્ટર – વિશ્વાસ ભોજાની, ગોંડલ
વોરા કોટડા માં મોડી રાત્રે ખનીજ ચોરીની અરજી કર્યાની અદાવત રાખી કાકા ભત્રીજા સહિત ચાર વ્યક્તિ પર ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ઘાયલ ચારેય વ્યક્તિને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા. હોસ્પિટલે સારવારમાં રહેલા લોકોએ આરોપીએ ફાયરિંગ કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો.આ મામલે ગોંડલ પોલીસે ફરિયાદ લેવા કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના વોરા કોટડા વિસ્તારમાં રહેતા ચિરાગ ગિરધરભાઈ ભાસા(ઉ.વ.22),સુધીર અરવિંદભાઈ બગડા(ઉ.વ.16),જયેશ હરિ ભાસા(ઉ.વ.35) અને નરેશ હરિ ભાસા(ઉ.વ.34) બધા રાત્રીના સમયે પોતાના ગામમાં ગેઇટ પાસે હતા ત્યારે કુંભા ભરવાડ અને તેની સાથે આવેલા અજાણ્યા શખ્સે ઝઘડો કરી ધોકા પાઇપ વડે હુમલો કરતા ચારેયને માથા પર અને હાથે પગે ગંભીર ઇજાઓ થતા તેમને પ્રાથમિક સારવાર ગોંડલ બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ મામલે સિવિલ હોસ્પિટલ સ્ટાફે ગોંડલ પોલીસને બનાવની જાણ કરતા તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા.
ઘવાયેલાઓએ જણાવ્યું હતું કે, તેઓ તમામ ખેત મજૂરી કરે છે અને ત્રણેક મહિના પૂર્વે ખનીજ ચોરીની અરજી કરી હોય જેનું મનદુ:ખ રાખી આરોપી કુંભા ભરવાડ સાથે માથાકૂટ ચાલતી હતી. ગઈકાલે બધા મોડી રાતે ગામમાં હતા ત્યારે આરોપીઓ ત્યાં આવી ગયા હતા અને ઓચિંતો હુમલો કર્યો હતો.તેમજ ફાયરિંગના પણ આક્ષેપ કરતા ગોંડલ પોલીસે ચારેય વ્યક્તિના નિવેદન લેવા તજવીજ આદરી હતી.