27

વલસાડમાં ખાનગી શાળામાં ‘નાથુરામ ગોડસે આદર્શ’ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાતા ભારે વિવાદ સર્જયો છે.બાળ પ્રતિભા શોધ અંતર્ગત ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે વકૃતત્વ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. બાળ પ્રતિભા શોધ અંતર્ગત યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીને ગાંધીજીના હત્યારાને ક્રાંતિકારી ગણવાનો વિષય આપવામાં આવતા વિવાદ સર્જાયો છે. વક્તૃત્વ સ્પર્ધામાં શહેરના નામાંકિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં વિવાદિત વિષય પર સ્પર્ધા યોજવામાં આવી.
વલસાડની ખાનગી શાળામાં વક્તૃત્વ સ્પર્ધામાં નાથુરામ ગોડસેને આદર્શ કહેવાતાં દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનું અપમાન થયું છે. શાળા જ્યાં બાળકો પોતાના ચારિત્ર્ય ઘડતર માટે પહોંચતા હોય, તેવામાં શાળામાં જ આ કૃત્ય ક્ષોભનીય છે. આ પ્રકારના વિષયો પર સ્પર્ધા નાના બાળકોની માનસિકતા પર કેવા ગંભીર પ્રકારની અસર કરે છે તે વિચારી શકાય છે.
Gujarat First આ ઘટના પર સવાલ ઉઠાવે છે
આયોજકો પોતાની નૈતિક જવાબદારી કેવી રીતે ભૂલી શકે?
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનું અપમાન કેવી રીતે કરી શક્યા?
ગાંધીના હત્યારાને આદર્શ કેવી રીતે ગણી શકાય?
નામાંકિત આગેવાનોની હાજરીમાં આ કૃત્ય કેમ થયું?
વિદ્યાર્થીઓનું આ રીતે થશે ઘડતર?
જિલ્લા યુવા વિકાસ અધિકારી સસ્પેન્ડ
વલસાડમાં ખાનગી સ્કુલમાં થયેલા વિવાદના પડઘા રાજ્યભરમાં પડ્યા છે, ત્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારી
મીતા ગવલીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સ્કુલમાં યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં નાથુરામ ગોડસે વિષય પર વિદ્યાર્થીએ ભાગ તો લીધો પરંતુ તેને વિજેતા પણ બનાવવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે દેશમાં અનેકવાર એવી ઘટનાઓ બને છે જ્યા નાથુરામ ગોડસેને ક્રાંતિકારી દર્શાવવામાં આવે છે અને તેનો ઉગ્ર વિરોધ પણ થાય છે. ત્યારે હવે ગાંધીના ગુજરાતમાં પણ નાથુરામ ગોડસેની વાહવાહી કરનારાઓ સામે ઝડપથી પગલાં લેવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.