
‘દિલ્હીથી
દીપક સોલિયા નામનો પત્રકાર આપણે ત્યાં જોઈન કરે છે. ડેસ્ક અને રિપોર્ટીંગ બંને કરશે.’
આ
વાત ‘અભિયાન’ની મુંબઈ ઓફિસમાં સાંભળી ત્યારે મને (એટલે કે, હેતલ દેસાઈને) દીપક સોલિયા નામમાં એક પ્રતિસ્પર્ધી દેખાયો. મનોમન એવું વિચાર્યું કે, આવી જા. જોઈ લઈશું.
દીપક
સોલિયા નક્કી કરેલાં દિવસે ઓફિસે આવ્યા.
હેતલ
દેસાઈએ એને પૂછ્યું કે, ‘તમે ‘ઈન્ડિયા ટુડે’ શા માટે છોડ્યું?’
દીપકભાઈએ
પોતાની સહજ સ્ટાઈલમાં જવાબ આપ્યો કે, ‘મને પણ ખબર નથી કે મેં ‘ઈન્ડિયા ટુડે’ શું કામ છોડ્યું!’
પચીસ વર્ષ
બાદ આજે આ વાત મારી
સામે યાદ કરીને આ યુગલ ખડખડાટ
હસી પડે છે. દીપકભાઈ કહે છે, ‘મારે એમ કહેવું જોઈતું હતું કે, તને પરણવા માટે ‘ઈન્ડિયા ટુડે’ છોડીને મુંબઈ ‘અભિયાન’ની ઓફિસમાં આવ્યો છું.’
મુંબઈના
અંબોલી વિસ્તારમાં અગિયારમા માળે મસમોટી બે માળની બારી નજીક પડેલાં સોફા ઉપર બેઠેલું આ યુગલ www.khbarchhe.com માટે
વાતોનો ખજાનો ખોલી રહ્યું છે. એકમેકને સ્પેસ આપવી કે સ્વતંત્રતા આપવી કોને કહેવાય એ તો દીપક
સોલિયા અને હેતલ દેસાઈ પાસેથી શીખવું પડે. એક વ્યક્તિનો પગાર સરખો હશે એટલે બીજી વ્યક્તિ નોકરી નહીં કરે. ઘરે આરામ કરશે. આ દંપતીએ આવો
નિયમ બનાવ્યો છે. આ નિયમને બંને
બખૂબી ફોલો પણ કરે છે. આ મુલાકાત સમયે હેતલ દેસાઈ
ગ્રૂપ એમ (Group m) ના સાઉથ એશિયાના લિગલ હેડ તરીકે કામ કરતા હતા. અને દીપકભાઈ ઘરે બેસીને લેખનકાર્ય.
થોડો સમય દીપકભાઈએ સંદેશ દૈનિકની પૂર્તિઓના સંપાદક તરીકે કામ કર્યું. એ પછી આ યુગલ
હવે પોતાના સમયને માણી રહ્યું છે.
ચાઈલ્ડ લેસ બાય ચોઈસ એવું આ યુગલ જાણે
Mad for Each Other અને
Made for Each Other હોય
એવું લાગ્યા વિના નથી રહેતું.
બાય
ધ વે, દીપક સોલિયા
સાથે મારો બહુ જૂનો નાતો છે એવું લખું તો વધુ પડતું નથી. કેમકે, હું અને દીપકભાઈ રાજકોટના કોટેચાનગર વિસ્તારમાં આવેલી શ્રી કે. જે. કોટેચા સ્કૂલમાં ભણ્યા છીએ. દીપકભાઈ આ સ્કૂલમાં એક
વર્ષ ભણ્યા છે. અલબત્ત દીપકભાઈ મારા કરતાં દસ વર્ષ સિનિયર છે.
‘સમકાલીન’
દૈનિકથી દીપક સોલિયાની પત્રકારત્વ સાથે સફર શરુ થઈ. તેમણે એગ્રીકલ્ચર વિષય સાથે એમ.એસસી. કર્યું છે. પત્રકારત્વમાં આવ્યા એ પહેલાં તેઓ
મુંબઈમાં રેનબક્સી કંપનીમાં માર્કેટીંગ વિભાગમાં કામ કરતા હતા. ‘સમકાલીન’ દૈનિકમાં ત્રીજી વખત વાંચ્યુ કે, પંદર અંગ્રેજી વાક્યોનો ગુજરાતીમાં તરજુમો કરી શકે એવા જુવાનીયાઓ હવે નથી મળતાં.
દીપકભાઈ
કહે છે, ‘1991ની સાલની આ વાત છે.
એક વખત વાંચ્યું જવા દીધું. બીજી વખત જોયું અને ત્રીજી વખત નજર પડી એટલે મારી અંદરનો યુવક જાગ્યો અને તરત જ મેં ‘સમકાલીન’ની
ઓફિસમાં ફોન કર્યો. ત્યારે તો ખબર પણ નહોતી પડતી કે સવારે દસ વાગે દૈનિકની ઓફિસમાં એના તંત્રી ન મળે. ફોન ઉપર
જે મળ્યું એને કહ્યું કે, આ તમે લખ્યું
છેને કે અંગ્રેજીનું ગુજરાતી તરજુમો ન કરી શકે
એવા યુવકો નથી મળતાં. એ સાવ ખોટી
વાત છે. સામે એક ભાઈ હતાં જે પછીથી મારા સિનિયર પણ થયાં. એમણે કહ્યું, એમ, તો આવી જાવ સાંજે. હું તો સાંજે ગયો. ગાંધી ભાઈની ઓફિસમાં. (‘સમકાલીન’ના તંત્રી હસમુખ ગાંધી) જાડાં કાચના ચશ્મામાંથી એમણે મારી સામે જોયું અને ‘ધ હિન્દુ’ દૈનિક, ‘ટેલિગ્રાફ’ અને બીજું
એક કટિંગ મારી સામે ધર્યું અને તરજુમો કરવા આપ્યું. આપણે તો સામે બેસીને જ અનુવાદ કર્યો.
પછી બીજા બે ઈન્ટરવ્યુ
થયાં અને મારી નોકરી પાકી થઈ ગઈ. રેનબક્સીમાં મારો પગાર છ હજાર રુપિયા
હતો ત્યારે મને ‘સમકાલીને’ 2900 રુપિયા પગાર ઓફર કરેલો. હું જ્યાં કામ કરતો હતો ત્યાં મને બીજી ઓફર છે એવી ખબર પડી કે, મારો પગાર સીધો દસ હજાર કરી નાખ્યો અને મને જવાની ના પાડી. પણ મારે તો જવું જ હતું. ત્યારે મને
રેનબક્સીમાં એવું કહ્યું કે, સારું તારે ડુંગરને પેલે પાર જવું છે તો જઈ આવ. ન ગમે તો
પાછો આવી જજે. પણ હું તો ડુંગરને પેલે પાર આવી ગયો. ‘સમકાલીન’, ‘ઈન્ડિયા ટુડે’ ગુજરાતી, ‘અભિયાન’, ‘ચિત્રલેખા’, ‘જી’, ‘અહા! જિંદગી’, ‘દિવ્યભાસ્કર’, ‘સંદેશ’ સુધીની સફર રહી. અત્યારે ‘સંદેશ’ દૈનિકમાં રવિવારે સંસ્કાર પૂર્તિમાં ‘એક વાતની સો વાત’ અને બુધવારની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં ‘કલાસિક’ નામની કૉલમ લખું છું. ‘જન્મભૂમિ’ ગ્રૂપના ત્રણ અખબારો ‘ફૂલછાબ’, ‘કચ્છમિત્ર’, ‘જન્મભૂમિ’ તથા ‘ગુજરાત મિત્ર’ દૈનિક સાથે સિન્ડીકેટ કૉલમ પણ લખું છું.’
દીપકભાઈના
પત્ની હેતલ દેસાઈ પોતાની પિયરની અટક જ વાપરે છે.
એમનાં વિઝીટિંગ કાર્ડમાં પણ દેસાઈ સરનેમ છે. અનાવિલ બ્રાહ્મણ પરિવારના એ દીકરી છે.
તેઓ પણ પત્રકાર રહી ચૂક્યાં છે. વાચન અને ફરવું આ યુગલનો જીવનમંત્ર
છે એવું કહીએ તો વધુ પડતું નથી.
હેતલ
દેસાઈ કહે છે, ‘કૉલેજના બીજાં વર્ષમાં ભણતી હતી ત્યારે ‘અભિયાન’ના તંત્રી કાન્તિ ભટ્ટ સાથે મારી મુલાકાત થઈ. ત્યારે લેખન–વાચનની થોડી વાતો થયેલી. એ બાદ 1992મા એક
નાટક જોવા ગયેલી ત્યારે કાન્તિભાઈને ફરી મળવાનું થયું. એ પછી મારો
પત્રકારત્વમાં પ્રવેશ થયો. રિપોર્ટીંગ કરવાનું શરુ કરી દીધું. મારા લેખો છપાવા માંડ્યા. મને લોકોને મળવું સૌથી વધુ ગમે છે.’
વચ્ચે
દીપકભાઈ એક વાત ઉમેરે છે કે, ‘હેતલ ભલે અત્યારે લિગલ ફિલ્ડમાં કામ કરતી હતી પણ મારા કરતાં એ વધુ સારી
રિપોર્ટર છે. ‘અભિયાન’માં ફોટોગ્રાફર હતાં, પ્રસાદ લોકે. એ કહેવાનું ન
ચૂકતા કે, રિપોર્ટર હો તો હેતલ જૈસી.’
હેતલ
દેસાઈ વાતનો દોર આગળ વધારે છે. તેઓ કહે છે, ’અભિયાન બાદ મેં ટીવી ચેનલમાં જોડાવાનું પસંદ કર્યું. ચોવીસ કલાકનું પ્રસારણ થવાનું હતું એ ‘ટીવી આઈ’માં હું જોડાઈ. ચાર વર્ષ ત્યાં કામ કર્યું. 1994ની સાલની વાત છે. મારી નવી નોકરીનો પહેલો દિવસ હતો. એકવીસમા માળની ઓફિસથી નીચે ઉતરી તો સામે દીપક સોલિયા મારી રાહ જોતા ઊભા હતાં. ટ્રેનમાં દીપને બધી વાતો કરવા માંડી. બાય ધ વે, દીપકભાઈને હેતલબહેન
દીપ કહીને જ સંબોધે છે.
ટેલિવિઝનની દુનિયામાં કેવા કેવા શબ્દો વપરાય છે અને કામ કરવાની પદ્ધતિ કેવી છે એ વિશે વાતો
માંડી. એ પછી સિદ્ધાર્થ
કાકના પ્રોડક્શન ‘સુરભી’માં જોડાઈ, થોડો સમય ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવી. આ દરમિયાન 1996મા અમે
લગ્ન કર્યાં. 2001ની સાલમાં થોડો સમય આરામ કર્યો. મારે ફરી પ્રિન્ટ મિડીયામાં નહોતું જવું એ વાત નક્કી
હતી.’
દીપકભાઈ
કહે છે, ‘ એ દિવસોમાં હું
‘ચિત્રલેખા’ની વેબસાઈટ માટે કામ કરતો હતો. વેબસાઈટમાં લિગલ પેપર્સ આવે એનું સહજ અર્થઘટન કરીને હેતલ મને સમજાવે. તેની આ આવડત જોઈને
મેં એને કહ્યું કે, તું લૉ માં આગળ વધ. તને બહુ સમજ પડે છે આ ફિલ્ડમાં. એ આનાકાની
કરતી રહી. પણ મેં મારી વાત ન મૂકી. એણે લૉ
નો અભ્યાસ તો કર્યો જ હતો. ફક્ત એક
ચાન્સ મળવાની વાર હતી.’
‘2002ની સાલમાં
મારી કરિયરનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો.’ હેતલ દેસાઈ કહે છે, ‘મારી સાથે લૉ નો અભ્યાસ જે ફ્રેન્ડઝ કરતાં હતાં એ લોકોનો તો
બહુ પ્રોગ્રેસ થઈ ગયેલો. બધાંને કહ્યું કે, હવે મારે લૉ માં ફરી જોડાવું છે મારાં જેવું કંઈ કામ હોય તો કહેજો. મને એક પારસી સોલિસિટરને ત્યાં કામ મળ્યું. એ પછી મોઝર
બેર કંપનીની લિગલ હેડ બની અને અગિયાર વર્ષ
સુધી એ ગ્રૂપ સાથે
કામ કર્યું.’
પતિ,
જીવનસાથી, કમ્પેનિયન, મિત્ર એવા દીપકભાઈના લેખન વિશે હેતલબહેન કહે છે, ‘દીપ ગમે ત્યારે ગમે ત્યાં લખી શકે. લગ્નના દિવસની તમને વાત કરું. લગ્ન હતાં એ દિવસે ‘અભિયાન’માં
લેખ લખીને આપવાની ડેડલાઈન હતી. ઘરે લેખ પૂરો કર્યો. રિક્ષામાં બેસીને લગ્નના સ્થળે આવતાં પહેલાં ‘અભિયાન’ના તંત્રીને લેખ આપીને લગ્ન કરવા આવ્યો. ગમે તેટલાં અવાજો આવતાં હોય કે અવરોધો હોય દીપને એ બધું બહુ
નડતું નથી.’
દીપકભાઈ
કહે છે, ‘હું કદીય ડેડલાઈન નથી ચૂક્યો. બહારગામ ફરવા જવાનું હોય તો એડવાન્સમાં લેખો લખીને મોકલી દઉં. સમય હોય અને મારી કૉલમ તો એડવાન્સમાં લખી નાખું તો પણ ચાલે એવી હોવા છતાંય ડેડલાઈનના પ્રેશર વખતે જ લખી શકું
છું. 1993ની સાલથી કમ્પ્યુટર પર જ લખું છું.
2005ની સાલથી કૉલમ અને નવલકથા લખવાનું શરુ થયું. ક્રિએટીવ રાઈટીંગની વાત આવે ત્યારે હેતલને વંચાવ્યા વગર કોઈ દિવસ આગળ ન મોકલું. હેતલ મારી
‘સુપર એડિટર’ છે. હેડિંગથી માંડીને લેખ કેવો લાગ્યો એ માટે હેતલનો
ઓપિનિયન મારા માટે બહુ જ મહત્ત્વનો રહ્યો
છે.’
આ
વાત ચાલતી હતી ત્યાં જ હેતલ દેસાઈ
કહે છે. ‘મારા મત વિશે દીપે તમને કહ્યું ને કે, એને વંચાવ્યા વગર આગળ લેખ ન મોકલું તેનો
તમને એક મજેદાર કિસ્સો કહું. એક
વખત હું 2010ની સાલમાં ઓફિસના કામથી શ્રીલંકા ગયેલી. આ યુગલને કરિયરના
અને પોતાની જિંદગીના અગત્યના દિવસો બખૂબી યાદ છે. યુગલમાંના સ્ત્રી પાત્રને જ નહીં દીપકભાઈને
પણ આ વર્ષો અને
તારીખો યાદ છે. શ્રીલંકામાં કોઈ કારણોસર ઈન્ટરનેટની કનેક્ટીવિટી મળતી નહોતી. દીપે મને લેખ મોકલ્યો હતો. એ વાંચવો જરુરી
હતો. કેમકે ડેડલાઈન હતી. મને ઇ મેઇલ મળ્યો
નહીં. વ્હોટ્સ એપ ત્યારે હતું નહીં. આથી છેલ્લે દીપે મને ફોન ઉપર આખો લેખ વાંચી સંભળાવ્યો. એ પછી અમે
ચર્ચા પણ કરી. તમને ખબર છે, બિલનો આંકડો શું હતો? પાંચ હજાર રુપિયા!’ આ વાત યાદ
કરીને બંને ખડખડાટ હસી પડે છે.
હેતલબહેન
કહે છે, ’હું દીપના લેખોની પહેલી વાચક. ઘણી વખત તો એટલા અગત્યના કામમાં હોઉં કે મિટીંગમાં હોઉં અને દીપનો ફોન આવે. મારો લેખ અત્યારે ને અત્યારે વાંચી લે. હું સમય ચોરીને વાંચી જ લઉં. દીપ ક્યારેક
સ્પિરિચ્યુઅલ અને ઈકોનોમિક્સને લગતાં લેખો લખે ત્યારે બહુ રસ ન પડે.’
તીસરી
કસમના ગીત ઉપર શૃંખલા લખનાર, સાહિર અને અમૃતા પ્રીતમની વાતોને પી જનારા દીપક સોલિયાએ અનેક પ્રયોગાત્મક વિષયો ઉપર લખીને વાચકોને તરબોળ કર્યાં છે. જિંદગીને જોવાનો એક અનોખો નજરિયો ઘણીવખત આ લેખોમાંથી મળી
આવે છે. પોતાની લેખન પ્રક્રિયા વિશે દીપકભાઈ કહે છે, ‘વિષયો ઘણી વખત મનમાં નક્કી હોય તો ક્યારેક વળી કી બોર્ડ ઉપર હાથ પડે ત્યારે વિષય સૂઝે. હેતલનો મૂડ અને તેની સાથે કોઈકવાર માથાકૂટ થઈ હોય તો થોડીવાર તેની અસર રહે પણ લખવા બેસું ત્યારે સઘળું ભૂલીને લખવામાં જ ખોવાઈ જાઉં
છું. વિષય અંગે ઘણીવખત હેતલ સાથે ડિસ્કસ પણ કરું. હેતલને એમ કહું કે, એક વિષય માટે બે મગજ કામ કરે તો લેખ બહુ સરસ તૈયાર થાય.’
લેખ
વાંચીને હેતલબહેન કોઈ ઓપિનિયન આપે તો તમે માનો ખરાં?
દીપકભાઈ
કહે છે, ‘મને વાત ગળે ઉતરે તો માનું. વળી, હેતલ મને એમ કહે કે, હું તારું ટારગેટ ઓડિયન્સ નથી. છતાંય એનો ઓપિનિયન મારા માટે બહુ મેટર કરે છે. ઘણીબધી વાર તો એવું થયું છે કે, હેતલે લેખ માટે કોઈ સૂચનો કર્યાં હોય અને એ સૂચનો મેં
માન્યા હોય પછી વાચકોએ લેખને વધાવ્યો હોય તો હું કહું કે, જો હું તારું માન્યો હતોને….મારો લેખ વાચકોને બહુ ગમ્યો. એક જ બેઠકે લેખ
લખાઈ જાય છે. જો કે, લેખ લખતાં લખતાં હું કોઈ નિયમોમાં મારી જાતને બાંધી નથી રાખતો. લખતાં લખતાં હું બગીચામાં ફૂલછોડને પાણી પીવડાવી આવું. ફૂલછોડ સાથે થોડી ગૂફતગુ પણ કરી આવું. ફોન પણ લઈ લઉં. કોઈનો ફોન અવોઈડ ન કરું. સૌથી અગત્યનું
છે, વાતોનું– વિચારોનું એકબીજાં સાથે શેરિંગ. પચીસ વર્ષે પણ હું હેતલ સાથે દુનિયાના કોઈપણ વિષય ઉપર ચર્ચા કરી શકું છું. વાતો કરી શકું છું. કોઈ દિવસ કંટાળો નથી આવતો. જિંદગી જીવવા જેવી જ લાગે છે.
પચીસ વર્ષે હું એ તારણ પર
આવ્યો છું કે, પ્રેમ થવો સહેલો છે. પણ વાતો થવી સહેલી નથી.’
આ
મુદ્દો પૂરો થયો કે, દીપક સોલિયાની જિંદગી અને લેખોના ‘સુપર એડિટર’ હેતલ દેસાઈ કહે છે, ‘અમારા બંને વચ્ચે આર્ગ્યુમેન્ટ્સ પણ થતી રહે છે. મને એકદમ વ્યવસ્થિત અને બધું જ ગોઠવેલું જોઈએ.
જ્યારે દીપનું ટેબલ અસ્તવ્યસ્ત પડ્યું હોય. છ મહિને મારે
એને ટકોર કરવી પડે, પ્લીઝ આ સરખું કર.
હું તો દીપને ઘણીવખત મજાકમાં કહું કે, હું ડેથ બેડ પર હોઉં અને તારે મને હાર્ટ એટેક લઈ અવડાવવો હોયને તો તું બેડની આસપાસ ચેવડો વેરી દેજે. મને હાર્ટ એટેક આવી જશે.’
હળવા વાતાવરણ તરફ જઈ રહેલી આ મુલાકાતમાં ઘણી
બધી નવી વાતો જાણવા મળી. બંને કહે છે, એકબીજાંને રિસ્પેક્ટ આપવું અને એકબીજાંને સ્પેસ આપવી બહુ જ જરુરી છે.
લગ્નની શરુઆતના વર્ષોમાં બંનેએ નોકરી કરી. જવાબદારીઓ પૂરી કરી. ઘરનું ઘર થઈ ગયું એ પછી એક
વ્યક્તિને સારી નોકરી મળી એટલે બીજી વ્યક્તિએ નોકરી છોડી દીધી. જરુરિયાતો બહુ ઓછી છે આથી બંનેની નોકરીની જરુર નથી એવું આ યુગલ માને
છે. હેતલબહેનને વિશાળ ઘર બહુ ગમે આથી આ યુગલ ઘરનું
ઘર ભાડે આપીને વિશાળ પેન્ટ હાઉસમાં ભાડેથી રહે છે. બંને પોતપોતાની રીતે એકલાં ફરવા જવાનું અને એકબીજાંની સાથે ફરવા જવાનું પણ પસંદ કરે છે. અમારી મુલાકાત પૂરી થાય છે એમના એક મસ્ત મજાના વાક્યથી, અમે બંને એકબીજાંના પ્રેમમાં છીએ પણ કહ્યામાં નથી…. લવ યુ ઝિંદગી આ લાઈન આ
યુગલ ઉપર પરફેક્ટ ફિટ બેસે છે.